સારો માણસ કોને કહેવાય એ સંદર્ભે લગભગ દરેકની સમજણ કે માન્યતા ભિન્ન છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ સચ્ચાઈપસંદ, અહિંસક, નમ્ર, વિવેકી, નિસ્વાર્થ, પ્રમાણિક, ન્યાયી, સરળ વ્યક્તિત્વ દરેક કુટુંબ સમાજ અને સંબંધોમાં પ્રથમ પસંદગી પામે છે. પરંતુ કળયુગની સારાની વ્યાખ્યા થોડી વિચિત્ર છે એવો મારો અંગત અનુભવ છે. આધુનિક યુગમાં એવી વ્યક્તિ દરેકને સારી લાગે છે જે પૈસાની બાબતમાં ઉદાર હોય એટલે કે કોઈ કામના 200 રૂપિયા થતા હોય તો પ્રેમથી 300 આપે એ વ્યક્તિના વખાણ ચારેબાજુ થાય કે માણસ ખૂબ સારો છે. ક્યારેક એવું પણ બને કે પૈસાની બાબતમાં તમને કોઈ છેતરતું હોય છતાં તમે મોટું મન રાખી વધુ પૈસા આપી છેતરાવાનું પસંદ કરી લો ત્યારે પણ લોકો તમારાથી ખુશ થાય અને વખાણ કરે કે માણસ ખૂબ સારો છે. સ્વાર્થવૃત્તિ, નાદાની, અણસમજ કે ઉદાર મન એવા કોઈ પણ કારણસર જો વ્યક્તિ પ્રતિપ્રશ્નો પૂછતો નથી, ઝઘડતો નથી, વિરોધ કરતો નથી તો તે સારો ગણાય છે. પરંતુ મને એવું લાગે છે કે સારાની આ વ્યાખ્યા થોડી અયોગ્ય છે, ગેરસમજણયુક્ત છે. આવો થોડા ઉદાહરણ દ્વારા સમજીએ.
અમારી સોસાયટીમાં એક બેન ખૂબ સારા છે એવું સોસાયટીમાં કામ કરતા લગભગ બધા જ શ્રમિકોનું કહેવું છે. એટલે મને થયું કે એવું તો તેવો શું ખાસ કરે છે કે દરેક તેમના વખાણ કરે અને ખરેખર જો કોઈ વિશેષ ક્વોલિટી તેવો ધરાવતા હોય કે જે આપણને શીખવા જેવી જણાય તો એ અવશ્ય શીખી શકાય એ હેતુથી મેં માળીને પૂછ્યું કે તમે એ બહેનના વખાણ કેમ કરો છો? શું એ ખૂબ સારા છે તો માળીએ મને કહ્યું કે હા એ બેન બહુ સારા છે એટલે મેં કહ્યું કેમ તમને એમનામાં એવું શું ખાસ લાગ્યું કે જે અન્યમાં નથી. તો કહે એ બેન એટલા સારા છે કે કોઈ એક ઝાડની ડાળી કાપવાની હોય (કે જે વાસ્તવમાં માળીનું કામ છે જેનો સોસાયટી તેને પગાર આપે છે) તેના પણ એ બેન વધારાના પચીસ-પચાસ રૂપિયા આપે જેથી માળી ખુશ થઇ જાય કેમ કે ઓછા કામે કે વગર કામે વધારાના પૈસા કોને ન ગમે? પૈસા મળવાથી કળિયુગમાં કોણ ખુશ ન થાય? જે માણસ નિયમ પ્રમાણે માળી પાસે કામ લે અને વધારાના પૈસા ન આપે તે વ્યક્તિ સ્વાભાવિક રીતે જ સારો ન લાગે. શું તમને લાગે છે માત્ર અયોગ્ય રીતે સિસ્ટમ બગાડી પૈસા વેરવા એ જ સારી વ્યક્તિની નિશાની છે?
બીજું ઉદાહરણ જોઇએ અમારા ત્યાં રસોઈ કરવા માટે મહારાજ આવે છે જે મારા સિવાય પણ ઘણા ઘરે કામ કરે છે. એક સમયે પ્રસંગોપાત દિવાળીમાં અમે જ્યારે તેમને ભેટ સોગાતો આપતા તો તેઓ ખુશીથી સ્વીકારતા. પરંતુ હવે સમય સાથે તે અમારી અન્ય લોકો સાથે સરખામણી કરે છે. કામવાળાની વધુ પડતી ગરજને કારણે તેમને સાચવવાની વૃત્તિએ સમાજમાં જોર પકડ્યું છે. જેઓ વધુ પૈસા કે વધુ બોનસ આપે, વધુ રજા આપે, તમામ અનિયમિતતા ચલાવી લે, રોકે નહીં-ટોકે નહીં અને માત્ર તેમને સાચવ્યા કરે તે સારા લાગે. પરંતુ નિયમ પ્રમાણે જો રોકવા-ટોકવામાં આવે વધારાના પૈસા આપવામાં આનાકાની કરવામાં આવે તો તે માણસની સરેઆમ ટીકા ટિપ્પણી થવાનું શરૂ થઈ જાય. બેફામ પૈસા ન વેરવાની વ્યક્તિની આદત કોઈપણ કારીગર કે કોઈપણ કામવાળાને માફક ન આવે એ તો સ્વાભાવિક જ છે. જેથી દરેક તેઓની ટીકા કરે, બદનામી કરે અને પછી વારંવાર એના વિશે નેગેટિવ વાતોથી બાકીના લોકો પણ એ નિષ્કર્ષ પર આવે કે xyz વ્યક્તિ ખરાબ છે કંજૂસ છે કારણ કે જો આટલા બધા એના વિશે ખરાબ બોલે છે તો વાતમાં સચ્ચાઈ અવશ્ય હશે કેમ કે એકાદ બે વ્યક્તિ માણસ ઓળખવામાં કદાચ ભૂલ કરી શકે પણ બધા જ ભૂલ કરે એવું ન બને અને જ્યારે બધા જ ખરાબ બોલતા હોય તો સમાજ સ્વીકારી જ લે કે આ માણસ ખરાબ જ હશે. પરંતુ આવા કિસ્સામાં વ્યક્તિના ખોટા કે ખરાબ હોવા પાછળ માત્ર એક જ કારણ જવાબદાર છે અને એ છે એનું પરફેક્શન અર્થાત પરફેક્ટ કામ મેળવવાની અપેક્ષા અથવા બિનજરૂરી પૈસા ન આપવાની આદત, જે વાસ્તવમાં ખૂબ સારી આદત કહેવાય પરંતુ કામવાળાઓને ઓછા કામે વધારે પૈસા જોઈતા હોય જે આદર્શ વ્યક્તિ પાસેથી મળી ન શકે એટલે તે માણસ બધાને ખરાબ લાગે.
ધીરે-ધીરે આ જ રીતે સમાજમાં સમજણના અભાવમાં, ગરજ કે સ્વાર્થવૃત્તિમાં ખરાબ માણસોની સંખ્યા વધતી જાય એટલે કે સારાઈને તેના યથાર્થ રૂપમાં ન સમજવાની પરિસ્થિતિમાં વાસ્તવમાં સારો માણસ લોકોને ખરાબ લાગે અને એ માણસ પણ કમનસીબે સમાજના રંગે રંગાતો જાય. બોનસ આપવું કે વધુ પડતા પૈસા આપવા સર્વથા અયોગ્ય હોવા છતાં પરાણે કામવાળાને સાચવવા પડે, બોનસ આપવું પડે. આમ તો બોનસ એમ્પ્લોયરની ખુશી અને કર્મચારીના ઉત્તમ કાર્યનો બદલો છે, જે કદાપિ ગનપોઈન્ટ પર વસૂલી ન શકાય પરંતુ સારા દેખાવાના ચક્કરમાં સમાજમાં દરેક લોકો મને-કમને એ કર્યા જ કરે છે.

સોસાયટીના સિક્યુરિટીની બાબતમાં પણ એવું જ છે જે સોસાયટી મેમ્બર સિક્યુરિટીને જરૂરથી વધારે સાચવે, નાના-મોટા કામ કે જે એમની ડ્યુટીમાં આવતા હોય એના માટે બિનજરૂરી એક્સ્ટ્રા પૈસા આપે, સિસ્ટમ બગાડે તે સારા લાગે અને નિયમોથી ચાલનાર વાસ્તવમાં સજ્જન માણસ નકામા લાગે કેમ કે તે માણસ દ્વારા સિક્યુરિટીને વધારાના પૈસા ના મળી શકે. મેં શરૂઆતમાં જે સારા બહેનની વાત કરી તેના વખાણ સ્વીપર પણ કરે કેમકે થોડો વધારાનો કચરો ઉપાડવા બેન સ્વીપરને એક્સ્ટ્રા પૈસા આપે. હવે મને થાય કે આ તો ઘર છે ક્યારેક કચરો વધુ પણ હોય અને ક્યારેક કચરો ઓછો પણ હોય તેના માટે એક્સ્ટ્રા ચુકવણીની શું જરુર? પરંતુ આવા કહેવાતા સારા લોકો સમાજમાં સિસ્ટમ બગાડે છે. જેની કિંમત લાંબે ગાળે સમગ્ર સમાજે ચૂકવવી પડતી હોય છે. મને તો લાગે છે કે દેશમાં કરપ્શન આ જ રીતે “ચાય-પાણીના પૈસાથી” શરૂ થયું હશે. સરકારી કર્મચારીઓ તેમની ડ્યુટીમાં આવતા કામ કરે અને કામ કરાવનાર સામેથી ખુશ થઈને ચાય-પાણીના પૈસા કહીને એક્સ્ટ્રા પૈસા આપે. આવી રીતે વધારાના પૈસા મેળવી શકાય એવી સિસ્ટમ એવી સમજણ કર્મચારીઓમાં કેળવાય અને ધીરેધીરે તે હકથી ચાયપાણીના પૈસા માગતા થઈ જાય અને પછી જો કોઈ પૈસા ન આપે તો તેને હેરાન કરવામાં આવે, કામ અટકાવવામાં આવે, વિલંબિત કરવામાં આવે. શું તમને નથી લાગતું આવું જ વર્ષોથી સમાજમાં ચાલ્યા કરે છે.
આવા અનેક કિસ્સામાં જરૂરથી વધારે પૈસા આપનાર માણસ વિશે તે ખૂબ સારો છે એવું સતત કહેવાતું હોય છે. જેથી મારા જેવાને એક પ્રશ્ન સતત સતાવે કે સારો માણસ એટલે કોણ અને એ કેવો હોય? એવું તો એણે શું સ્પેશિયલ કર્યું છે કે બધાને એ સારો લાગે છે. આવા અનેક કિસ્સાઓના ઊંડાણમાં જતા મારા સૂક્ષ્મ અભ્યાસ દ્વારા મને હંમેશા એવું જ સમજાયું છે કે માત્ર જરૂરથી વધારે લોકો પાછળ પૈસા ઉડાડનાર માણસ જ કળિયુગમાં પ્રથમ પસંદગી પામે છે. સારાની આજકાલ આ એક જ વ્યાખ્યા છે. આપણા સૌનો એ અનુભવ હશે જ કે બધા મિત્રો સાથે હરવા ફરવા કે હોટલ રેસ્ટોરમાં જમવા કે થિયેટરમાં પિક્ચર જોવા જઈએ ત્યારે જે વ્યક્તિ તુરંત બધા વતી પૈસા કાઢી બિલ ચૂકવી દે તે પહેલી નજરે સૌને સારું લાગે. મારા ત્યાં છેલ્લા બે મહિનાથી રીનોવેશન અને ઇન્ટિરિયરનું કામ ચાલે છે અને કીધેલા સમયે કામ થાય નહીં, વાહિયાત બહાના કાઢવામાં આવે, નક્કી કર્યા કરતા વધુ પૈસાની માંગણી થાય, વસ્તુની ગુણવત્તામાં છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરવામાં આવે જે સ્વાભાવિક દરેકના ત્યાં કદાચ થતું જ હશે. તેવા સમયે જે વ્યક્તિ છેતરપિંડી પકડી પાડે, ગુસ્સો કરે, વધુ પૈસા આપવાનો ઇનકાર કરે તે વ્યક્તિ કારીગરોને સ્વાભાવિક રીતે જ ખરાબ લાગે અને ચારે બાજુ તેઓ દ્વારા વાસ્તવમાં સારા માણસની બદનામી શરૂ થાય. અમારા એક સંબંધીના હંમેશા દરેક જગ્યાએ વખાણ થાય કેમકે તેઓ “મરતાંને મર ન કહે” “મહેતો મારે ય નહિ અને ભણાવે ય નહિ” ઘરમાં કામવાળા કામ કેવું કરે છે, બધું બરાબર ચાલે છે કે નહિ, કશા તરફ લક્ષ્ય આપે નહિ, કારીગરો કામવાળા જે પૈસા માગે તે આપી દે જેથી બધા એક સૂરે કહે સાહેબ બહુ સારા છે. અને તેમના પત્ની બિનજરૂરી પૈસા કોઈને ન આપે, યોગ્ય કામની અપેક્ષા રાખે, છેતરાય નહિ, જરૂરી ગુસ્સો કરે એટલે એ બેન કોઈને ન ગમે.
ટૂંકમાં કળિયુગમાં સારા હોવાની એક જ નિશાની છે ગમે તેવું કામ ચલાવી લો, જરૂરથી વધારે પૈસા હસતા મોઢે આપી દો અને કોઈને રોકો-ટોકો નહીં. વાસ્તવમાં આ દ્વારા સમાજમાં ખરાબી વધી રહી છે. ગમે તેને ગમે ત્યારે સમજણ વગર વધુ પૈસા આપવાથી સારા ન બનાય કે માત્ર મીઠું-મીઠું બોલવાથી પણ સારા ન બનાય પણ લોકોને એવી જ વ્યક્તિ ગમે છે એ મોટી કરુણતા છે. મારી મમ્મીને ત્યાં એક રામલો કામ કરે તે હંમેશા મમ્મીની સામે રહેતા પાડોશીના સતત અવિરત વખાણ કરે, કારણ માત્ર એટલું જ કે એમણે બંધાવેલા કામ જેવા કે કચરા-પોતા વગેરે બહેન ઘરે નવરા હોવાથી અને ચોખ્ખાઈના આગ્રહી હોવાથી ક્યારેક જાતે કરી લે અને પગાર કામવાળાને પૂરો આપે. તેને સ્પેશીયલ ચા બનાવી પીવડાવે, ગરમ ગરમ જમાડે જેથી કામવાળાને જલસા પડે. આ કિસ્સામાં પણ સારાની વ્યાખ્યા માત્ર એટલી જ કે કામ કરાવ્યા વગર પૈસા ચૂકવાય અને જરૂરથી વધારે સગવડ અપાય. એ બહેનને એવું છે કે જો કામ બંધાયેલું ન હોય તો આવશ્યકતાના સમયે કદાચ કામવાળા ન મળી શકે, આમ પોતાની ગરજે આવું કૃત્ય કરે જેની કિંમત સમગ્ર સમાજે ચૂકવવી પડે કેમ કે કામવાળાની આદતો બગડતી જાય અને તેઓ અન્ય પાસે પણ એવી જ અપેક્ષા રાખે.
મારી બહુ શરુવારમાં એવી આદત હતી કે રસોઈ કરવાવાળા મહારાજ આવે તે પહેલા શું રસોઈ બનાવવાની છે એની જરૂરી દરેક વસ્તુઓ પ્લેટફોર્મ પર હું કાઢીને તૈયાર રાખતી. તો મારું જોઈ એ અન્ય પાસે પણ એવી અપેક્ષા રાખતા થયા અને મારો દાખલો આપી અન્યને જણાવતા કે આ બેન બહુ સારા છે. આપણને ઉપયોગી થતાં દરેક વ્યક્તિ હંમેશા આપણને પસંદ પડે છે એ તો નિર્વિવાદ વાત છે. જરૂરથી વધારે રજા આપવી, બોનસ આપવું, કામવાળા કે કારીગરોને ચા-નાસ્તો કે જમવા આપવું. આવા બધા કાર્યો દ્વારા જ આપણે માણસને જજ કરીએ છીએ. જેના દ્વારા ધીરે-ધીરે આવી અપેક્ષાઓ રખાતી થાય છે અને પછી એ આપવું જ પડે એવો નિયમ બની જાય છે. જે મને-ક-મને દરેકે સહન કરવો પડે છે અને પછી જ્યારે આ બધી બાબતોથી ખૂબ ત્રાસ થાય ત્યારે આપણે જ એકબીજા પર દોષારોપણ કરવાનું શરુ કરીએ છીએ કે ફલાણા એ સિસ્ટમ બગાડી. કડિયાકામ મિસ્ત્રીકામ વગેરે ફુટ પર કોન્ટ્રાકટ નક્કી થતા હોય અને પૈસા લેવાતા હોય છતાં બે વાર ચા પીવડાવવાની અપેક્ષા રખાય એ મારી દ્રષ્ટિએ અયોગ્ય છે કેમકે એની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. એણે તો પહેલેથી જ આપણી પાસે આ બધું જ ગણીને પૈસા લઈ લીધા છે અને આપણે ચૂકવી દીધા છે. હા, એ વાત જુદી કે જો ઘરમાં ચા પીવાતી હોય અને સાથે અન્યને પણ ઓફર થાય તે ખાનદાની ગણાય. પરંતુ એના દ્વારા કારીગરો પોતાનો હક સમજે અને ઘરમાલિકને ચા બનાવવા ડિસ્ટર્બ કરે તે મને તો યોગ્ય લાગતું નથી. છતાં જો કારીગરો માટે કોઈ ઘરમાલિક ચા બનાવવાની કે પીવડાવવાની ના પાડે તો ચારે બાજુ તેમની બદનામી કે ટીકાટિપ્પણી શરૂ થઇ જાય કે ફલાણા ઘરવાળા તો બહુ કંજૂસ છે, ચા ના બે ટીપામાંથી એ ગયા.

તમને કદાચ ધ્યાન હશે કે પહેલા ટુર-ટ્રાવેલના ધંધામાં ટીપ આપવી ફરજીયાત નહોતી. પેસેન્જર એમની ખુશીથી ઈચ્છા અનુસર ટુરના અંતે કશુક આપતા જે હવે ફરજીયાત થઇ ગયુ છે અને અપાતી રકમ વધતી જાય છે. આજે તો international ટુરમાં ટીપ ડોલરમાં ફરજીયાત લેવાય છે અને તે પણ ખુબ માતબર રકમ લેવાય છે. ટીપ વ્યક્તિદીઠ અને દિવસ દીઠ પાંચ ડોલરનો વર્તમાન સમયે નિયમ છે જે અતિશય કહેવાય, પણ આપવી જ પડે છે કેમ કે આપણે જ સીસ્ટમ બગાડી છે. થોડા સમય પહેલા જયારે ઘણા દેશમાં આ પ્રમાણે ટીપની પ્રથા શરુ થયેલી ત્યારે જાપાન દેશ ટીપને અપમાન સમજતો અને ટીપ લેવાની ત્યાના લોકો ઘસીને ના પાડી દેતા અને કહેતા કે આ તો અમારી ફરજમાં આવતા કાર્યો છે જે અમે કરીએ છીએ એની બક્ષીસ ન હોય. પરંતુ હમણા હું જાપાન ફરીને આવી તો ટુર ઓપરેટરે અમારી પાસે five dollars per day per person લેખે દસ દીવાસના બે વ્યક્તિના ૧૦૦ ડોલર વસુલ્યા. હવે દરેક દેશમાં ટીપનો નિયમ બની ગયો છે અને કોઈ દેશ બાકાત નથી. જાપાન જેવો ઉત્તમ દેશ પણ લોકોના રંગે રંગાઈ ગયો. ટૂંકમાં સીસ્ટમ આ રીતે જ બગડે છે.
કળિયુગમાં સારાઈને તેના સાચા અર્થમાં ઓળખવી મુશ્કેલ છે કેમ કે પૈસાની બોલબાલાના જમાનામાં વ્યક્તિની સારાઈની એક જ નિશાની છે કે મીઠું-મીઠું બોલી કોઈ અંગત સ્વાર્થમાં કે સમજણના અભાવે અયોગ્ય રીતે મજૂરો, કારીગરો, કામવાળા, સ્વીપરો કે નોકરિયાત સેવકોમાં પૈસા વહેચવા. કદાચ એ જ કારણે આ તમામ પ્રકારના લેબરોની આજકાલ દાદાગીરી વધતી જાય છે. કહેવાતા ધનિકો પૈસાના ઘમંડમાં અથવા કાર્ય કરવાની અણઆવડત અને નબળાઈને લીધે સિસ્ટમ બગાડી રહ્યા છે. કદાચ વખાણ સાંભળવાની ચાહનામાં પણ આવા કાર્યો કરતા હોય. હું તો બહુ ઓછા લોકોને ગમુ છે કેમ કે ક્યારેય નિર્ધારિત કરેલ ભાવથી વધારે કોઈને આપતી નથી, નક્કી કરેલું ઉત્તમ કાર્ય દરેક પાસેથી લેવાનો આગ્રહ રાખું છું અને સમજણ વગર વધુ પૈસાના ઘમંડમાં કે દેખાડા માટે બિનજરૂરી પૈસા કદાપિ ઉડાડતી નથી. જેથી હું દરેકને જબરી અને ઉસ્તાદ લાગુ છું. આમ પણ જેની તમે ભૂલ પકડો, કડક પગલાં લો તેને તમે સારા ક્યાંથી લાગો? જબરા જ લાગો એ તો સ્વાભાવિક છે. જો આપ સૌ મારી આ વાત સાથે સહમત હોવ કે માત્ર પૈસા વેરતો માણસ સારો ન ગણાય તો આજથી જ લોકોને બિનજરૂરી ચાય-પાણીના પૈસા કે અયોગ્ય બોનસ આપી પોતાની ગરજ કે સ્વાર્થમાં બિનજરૂરી પૈસો વેરી સમાજની સિસ્ટમને બગડતા અટકાવજો પ્લીઝ. સાચું પૂછું તો સારા-ખરાબના દ્વંદમાં પડવા જેવું જ નથી કેમકે આપણે બધા એટલા સ્વાર્થી છીએ કે જે વ્યક્તિ આપણને ઉપયોગી થાય, આપણી બધી નબળાઈઓને ચલાવી કે સ્વીકારી લે, કોઈ રીતે નડે નહિ, જરૂરથી વધારે પૈસા આપે તે ગમે. દુનિયાની નજરમાં એ જ સર્વશ્રેષ્ઠ ગણાય જે સર્વથા યોગ્ય નથી સિક્કાની બીજી બાજુને પણ ધ્યાને લેવી પડે.
માત્ર પૈસા વેરતો માણસ જ સારો હોય એ જરૂરી નથી.
~ શિલ્પા શાહ પ્રોફેસર HKBBA કોલેજ


















































