વ્યવહારિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સ્થિતપ્રજ્ઞતાનું મહત્વ કેટલું?
શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ
હિન્દુસમાજમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને સ્થિતપ્રજ્ઞ પુરૂષ કે સ્થિતપ્રજ્ઞતા વિષે માહિતી નહિ હોય કેમકે હિન્દુધર્મના અમૂલ્ય ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાના લગભગ દરેક અધ્યાયમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેનો ઉલ્લેખ છે કે મનુષ્ય કેવો હોવો જોઈએ? તેણે જીવન કેવી રીતે જીવવું જોઇએ? શું કરવું જોઈએ અને શું ન કરવું જોઇએ? જીવનમાં શું મેળવવા જેવું છે અને શું છોડવા જેવું? વગેરેના તત્વજ્ઞાનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે man of perfectionની વાત આવે છે જે બીજું કાંઇ નહીં પરંતુ સ્થિતપ્રજ્ઞ પુરૂષની વાત છે. હવે કહો આજના મોર્ડન યુગમાં વ્યવહારિક કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ perfect man કે ideal man (આદર્શ પુરુષ) કે man of ethics (સદગુણી પુરુષ) ની આવશ્યકતા નથી? આપણે સૌ જાણીએ છીએ કે સત્પુરુષ આદર્શપુરુષ, પૂર્ણપુરુષ કે મહાપુરુષની દરેક સમાજને જરૂર છે. કેમકે તે વગર સંસાર, સમાજ કે સંબંધોમાં સાચી શાંતિ, પ્રેમ, સ્નેહ, નિસ્વાર્થતા, સફળતા અને સમૃદ્ધિ શક્ય જ નથી. એટલા માટે એ સમજવું આવશ્યક બની જાય છે કે સ્થિતપ્રજ્ઞ એટલે શું? તેની વ્યવહારિક કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ (વિજ્ઞાન એટલે બીજું કંઈ નહિ પરંતુ વિશિષ્ટ જ્ઞાન “વિ” એટલે વિશિષ્ટ અને જ્ઞાન એટલે સમજણ) સમાજને આવશ્યકતા કેટલી અથવા વ્યક્તિના પોતાના આત્મકલ્યાણ, સદગતિ કે પ્રગતિ માટે સ્થિતપ્રજ્ઞતા કેટલી ઉપયોગી? તો આવો સૌ પ્રથમ સમજીએ સ્થિતપ્રજ્ઞતા એટલે શું?

સ્થિતપ્રજ્ઞ એટલે જેની પ્રજ્ઞા સ્થિર થઇ છે તે. પ્રજ્ઞા એટલે અહંકારરહિત બુદ્ધિ અને સ્થિત એટલે સ્થિરતા એટલે કે અહંકારરહિત બુદ્ધિમાં જે સ્થિર થયો છે તે વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ પુરુષ છે. તમને નથી લાગતું આધુનિક જીવનની તમામ પીડા પાછળનું મુખ્ય કારણ અહંકાર, ઘમંડ, પોતાને ખાસ અને અન્યથી ચડિયાતો સમજવો (superiority complex) એ જ છે. એ દ્રષ્ટિએ આજના આધુનિક સમાજને સ્થિતપ્રજ્ઞ પુરુષની આવશ્યકતા વધુ છે કેમ કે તે દ્વારા જ વ્યક્તિગત સમસ્યા અને સમગ્રની પીડા દૂર થઇ શકે. અહંકારરહિત બુદ્ધિમાં સ્થિર વ્યક્તિ કોઈપણ પરિસ્થિતિમાં સમ્યકતામાં રહી શકે, માનસિક સ્થિરતા કે સમતુલા ગુમાવે નહીં. સુખમાં છકી ન જાય અને દુઃખમાં ભાંગી ન પડે, વ્યવહારિક કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારીએ તો તમને નથી લાગતું જીવનની દરેક પળે આવા વિશિષ્ટ ગુણો, ગુણવત્તા કે કુશળતાની દરેકને આવશ્યકતા રહે છે. બીજા અર્થમાં પ્રજ્ઞા એટલે સદબુદ્ધિ અથવા ડહાપણ કે વિવેક. આમ જે પુરુષમાં સદબુધ્ધિ, ડહાપણ કે વિવેકની સ્થિરતા છે તેને સ્થિતપ્રજ્ઞ કહેવાય. આજના મોર્ડન જમાનામાં સૌથી વધુ જરીરિયાત ડહાપણ અને વિવેકની છે કેમ કે તેનો જ અકાળ પડ્યો હોય એવું લાગે છે. વળી એ વિવેક કે ડહાપણ પણ ક્ષણિક નહિ પરંતુ સતત અવિરત જરૂરી છે જે સ્થિતપ્રજ્ઞ પુરુષની સાચી ઓળખ છે. અંગ્રેજીમાં કહેવું હોય તો સ્થિતપ્રજ્ઞ એટલે ideal man or man of perfection or perfect man જેણે ઉચ્ચતમ ડહાપણ (ultimate wisdom) ને પામી લીધુ છે અને જે સમગ્ર અસ્તિત્વને કે જીવસૃષ્ટિને માત્ર સાક્ષીભાવે જોવે છે અથવા અનુભવે છે પરંતુ તે અંગે કોઈ પ્રકારની સારી કે ખરાબ પ્રતિક્રિયા આપતો નથી.

આપણે તો સતત અવિરત અસ્તિત્વના દરેક તત્વને દરેક જીવને આપણા વ્યક્તિગત પૂર્વગ્રહિત ગમા-અણગમાના રંગીન ચશ્મા વડે જ જોઈએ છીએ જેના કારણે જ સમગ્ર સંસાર સંઘર્ષમય જણાય છે, રાગ દ્વેષ ઉદભવે છે અને જીવ અશાંત બને છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય દ્વિતીયમાં શ્લોક ૫૪થી ૭૨ સ્થિતપ્રજ્ઞ પુરૂષના લક્ષણો દર્શાવાયા છે. અર્જુનનો સવાલ હતો કે સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સિધ્ધ પુરુષનું લક્ષણ શું છે તે સ્થિરબુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે ચાલે છે અર્થાત્ તેનું આચરણ કેવું હોય છે કેમ કે જીવનમાં કોઈને રોલ મોડેલ બનાવવા હોય કે તેની પાસેથી કંઇક શીખવું હોય કે તેના ગુણો પોતાના જીવનમાં ઉતારવા હોય તો પહેલા તેને જાણવા કે સમજવા પડે એ દ્રષ્ટિએ અર્જુન જેવા પ્રશ્નો આપણને પણ થાય તે સ્વાભાવિક જ છે કે સ્થિતપ્રજ્ઞપુરુષની વિશિષ્ટતા કે ખાસિયત શું? કે જે જાણીએ તો કદાચ પ્રાપ્ત કરી શકાય. જેના જવાબમાં શ્રીકૃષ્ણે સમજાવ્યું કે મનમાં રહેલી સઘળી કામનાઓને જે સમ્યક રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે એટલે કે સંસારિક આસક્તિઓમાં વ્યસ્ત રહેવાને બદલે જે સ્વમાં સ્થિર રહે, આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણવાનો અને અનુભવવાનો પ્રમાણિક પ્રયત્ન કરે તેને સ્થિતપ્રજ્ઞ કહેવાય. દુઃખોની પ્રાપ્તિ થતાં તેના મનમાં ઉદ્વેગ ન હોય (એટલે કે મારી સાથે જ કેમ ખરાબ થાય છે, મેં કોઈનું શું બગડ્યું છે કે ભગવાન બધા દુઃખ મને જ કેમ આપે છે, મારું તો કિસ્મત જ ખરાબ છે વગેરેને ઉદ્વેગ કહેવાય જે સામાન્ય રીતે આપણને સૌને થતો હોય છે) તેમજ અનેક સુખસાહિબી મળવા છતાં જે સંપૂર્ણપણે નિસ્પૃહ હોય વળી જેના રાગ-દ્વેષ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે તે સ્થિતપ્રજ્ઞ છે. (સામાન્ય રીતે આપણા દરેકના જીવનમાં અનેક ચીજવસ્તુ કે વ્યક્તિઓ પર ગમો કે અણગમો હોય જ છે ઉપરાંત નાની-નાની વાતમાં ગુસ્સે થવું સામાન્ય વ્યક્તિનું લક્ષણ છે, સામાન્ય માણસ અનેક પ્રકારના ભયથી ઘેરાયેલો હોય છે જેમ કે મૃત્યુનો ભય, બીમારીનો ભય, સંપત્તિ, સંબંધો ગુમાવવાનો ભય વગેરે જયારે સાચા સ્થિતપ્રજ્ઞ પુરુષમાં આવો રાગ-દ્વેષ, ભય કે ક્રોધની ગેરહાજરી હોય છે) જે પુરુષ સર્વત્ર સ્નેહરહિત થયેલો છે, શુભ કે અશુભ વસ્તુ પામીને હર્ષ કે શોક નથી થતો તેની બુદ્ધિ સ્થિર કહેવાય છે.
આપણને તો અનેક બાબતો, વિષયો, વ્યક્તિઓ સાથે અતિશય સ્નેહ હોય છે, જેના પર આપણા જીવનના સુખનો આધાર છે. વિષયો સાથે સ્નેહ સામાન્ય માણસનું લક્ષણ છે એ દ્રષ્ટિએ આવા સ્થિતપ્રજ્ઞ કે આદર્શ પુરુષના વિશિષ્ટ ગુણો આપણે બધાએ સુખી થવા કેળવવા જોઈએ. જયારે સંસાર પ્રત્યે લેશમાત્ર આસક્તિ ન રહે, ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર અતિ સંયમી પુરુષ પાંચેય ઇન્દ્રિયોના વિષયોને ન ભોગવે (જેમ કે જીભ દ્વારા સ્વાદનો ત્યાગ, શરીર દ્વારા સર્વ ભોગોનો ત્યાગ, આંખો અને કાન દ્વારા થતા મનોરંજનનો ત્યાગ) ત્યારે સ્વાભાવિક રીતે જ જીવન શાંત અને સ્થિર બનતું હોય છે કેમ કે જીવનને અશાંત, સંઘર્ષમય અને અસ્થિર ઇન્દ્રિયોના ભોગો જ બનાવે છે. જીવનના યથાર્થ સ્વરૂપને સમજવા માંગતા, આત્માનું કલ્યાણ ઇચ્છનાર અને સર્વ દુઃખોથી મુક્ત થવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ માટે જરૂરી છે કે તે સમસ્ત ઇન્દ્રિયોને વશ કરી સમાહિત ચિત્તે પ્રભુપરાયણ થઈને ધ્યાનમાં બેસે કેમકે જે પુરુષની ઇન્દ્રિય વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર રહી શકે છે. વિષયોનું ચિંતન કરનાર પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે, ક્રોધથી મૂઢતા આવે છે, મૂઢતાથી સ્મૃતિભ્રમ થાય છે સ્મૃતિભ્રમ થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાનશક્તિનો નાશ થાય છે. બુદ્ધિનો નાશ થવાથી પુરુષ પોતાની ઉત્તમ સ્થિતિથી પતન પામે છે. વાસ્તવમાં આત્માની સ્થિતિ તો ઉત્તમ અને ઉન્નત જ છે પરંતુ વિષયોની અવિરત ઈચ્છા અને અનન્ય આસક્તિ તેનું પતન કરે છે. પરંતુ સ્વાધીન અંતઃકરણનો સાધક વશમાં કરેલ રાગ-દ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે. એટલે કે સંસારમાં રહેતો હોવા છતાં મનથી મુક્તતા અનુભવે છે.

અંતઃકરણની પ્રસન્નતા એના સર્વ દુઃખોનો નાશ કરે છે. આમ પણ આપણા સૌનો અનુભવ છે કે આધિ-વ્યાધિ-ઉપાધિને મન સાથે સીધો સંબંધ છે જેથી મનથી મુક્ત થનાર માટે પ્રસન્નતા સ્વાભાવિક છે. પ્રસન્નચિત્ત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં જ ઉત્તમ રીતે સ્થિર થઈ જાય છે. જે પુરુષ મન અને ઇન્દ્રિયો જીત્યો નથી તેનામાં નિશ્ચયાત્મક બુદ્ધિ નથી હોતી. જેની જીવનમાં ખૂબ જરૂર છે. એ તો સર્વવિદિત છે કે જીવનમાં ડગલે ને પગલે નિર્ણય લેવાની જરૂર પડતી હોય છે જેના માટે નિશ્ચયાત્મક બુદ્ધિની આવશ્યકતા રહે છે. વળી દરેક પ્રકારની સફળતા અને નૈતિક નિર્ણયો જીવનની સુખ શાંતિ માટે અનિવાર્ય હોય છે એ દ્રષ્ટિએ પણ સ્થિતપ્રજ્ઞ પુરુષના લક્ષણો પ્રાપ્ત કરવા યોગ્ય છે. ઇન્દ્રિયોના ગુલામ અને નિશ્ચયાત્મક બુદ્ધિ વગરના પુરુષના અંતઃકરણમાં ભાવના નથી હોતી અને ભાવનાહિન માણસને શાંતિ મળવી શક્ય નથી. વળી શાંતિ વિનાના માણસને સુખ તો ક્યાંથી મળે? કેમકે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયો પુરુષની બુદ્ધિને હરી લે છે. જે પુરુષની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયોમાંથી સર્વ પ્રકારે નિગૃહિત કરાયેલી છે એની જ બુદ્ધિ સ્થિર છે. સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન અજાગૃતીનો કે ઊંઘવાનો સમય છે તેમાં સ્થિતપ્રજ્ઞ યોગી એટલે વ્યવહાર કે વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજદાર માણસ પરમાત્માપ્રાપ્તિ માટે જાગે છે અને જે સમયે લોકો નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમા જાગે છે તે સમય પરમાત્માના તત્વને જાણનાર માટે રાત્રિ સમાન છે. એટલે કે જયારે લોકો સંસારિક સુખ પાછળ ભાગતા હોય છે ત્યારે જ્ઞાની પુરુષ સંપૂર્ણ સજાગતા અને જાગૃતિ સાથે સાધનામાં કે પરમાત્માપ્રાપ્તિમાં વ્યસ્ત રહે છે. આમ સામાન્ય લોકોની રાત્રિ સ્થિતપ્રજ્ઞ પુરુષ(સમજદાર અને વિવેકી પુરુષ) માટે જાગૃતિનો સમય છે. જે પ્રમાણે બધી બાજુએથી ભરપૂર અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે તે જ પ્રમાણે સર્વ ભોગો કોઈપણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સ્થિતપ્રજ્ઞ પુરુષમાં સમાઈ જાય છે. તે જ પુરુષ પરમશાંતિને પામે છે, ભોગોને ઇચ્છનાર કદાપિ નહીં. જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને લાયક બને છે અર્થાત્ તે જ શાંતિને પામે છે.

ઉન્નત જીવન માટે સતત પ્રયત્નશીલ રહેવાવાળાને ગીતા કાંઈક ધ્યેય આપે છે અને સ્થિતપ્રજ્ઞની સ્થિતિ એ ધ્યેયદર્શન છે. જેના દ્વારા વ્યક્તિને સમજાય છે કે તેણે શું કરવું જોઈએ? અને શું મેળવવું જોઈએ? વળી કોઈની કૃપાથી ધ્યેય સુધી પહોચવું આમ પણ લગભગ અશક્ય રહેતું હોય છે જેથી ગીતા કર્મ અને પુરુષાર્થ પર ભાર મુકે છે. નિષ્કામતા એ સ્થિતપ્રજ્ઞનું પ્રથમ લક્ષણ છે. કામનાને લીધે રોગ, ભય, ક્રોધ, તૃષ્ણા, વાત્સલ્ય વગેરે ઉદભવે છે જેને લીધે સુખ દુખની લાગણી અનુભવાય છે. જેથી કોઈ ઈચ્છા જ ન કરો, બધું પ્રભુને સોપી દો અને જે મળે તે પ્રભુની પ્રસાદી તરીકે સ્વીકારી લો તો જીવનને શાંત, સ્વસ્થ અને આનંદમય બનતા કોઈ ન અટકાવી શકે. આદર્શ પુરુષ (સ્થિતપ્રજ્ઞ) સુખમાં છકી જતો નથી અને દુઃખમાં નિરાશ થતો નથી. જયારે વ્યક્તિ તેની બધી ઈન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લે છે ત્યારે તે આપોઆપ સુખદુખ મુક્ત થાય છે કેમ કે સુખ કે દુખ વિષયો સાથે જોડાયેલા છે, વિષયો જાય તો સુખદુઃખ પણ જતા રહે. પરંતુ વિષયોનું આ ખેચાણ ત્યારે જ ઓછું થાય જયારે પરમાત્મા તરફનું ખેચાણ વધે. જેના માટે સતત પ્રભુના પ્રેમમાં, પ્રભુના જ્ઞાનમાં, પ્રભુના કામમાં અને પ્રભુવિચારમાં મગ્ન રહેવું પડે. વિષયો ખરાબ નથી પરંતુ વિષયોનું સતત ચિંતન (તેમાં વધુ પડતો રસ) આસક્તિ ઊભી કરે છે અને તે વિનાશની પ્રક્રિયાના દ્વાર ખોલી નાખે છે. જગતમાંથી દુઃખો જવાના નથી કેમ કે સુખ દુઃખ જીવનનો સ્થાયી ભાવ છે પરંતુ દુઃખ તરફ જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય તો તે દુઃખ આપણને દુઃખી કરી શકતું નથી. જીવનમાં સુખ અને દુઃખ બંનેની જરૂર છે. દરેકે એક વાત સમજવી અતિ આવશ્યક છે કે જો વિરોધીતત્વને હટાવી દઈશું તો સમગ્ર અસ્તિત્વ ડગમગી જશે. પૃથ્વી આકાશમાં ટકી રહી છે કેમ કે સૂર્ય પૃથ્વીને પોતાની તરફ ખેચી રહ્યો છે અને પૃથ્વી સૂર્યથી દૂર જવા પ્રયત્ન કરી રહી છે. આ ખેચતાણને લીધે સમગ્ર સંતુલન છે. એ જ રીતે સુખ અને દુઃખના કારણે જીવનનું સંતુલન બની રહે છે. આ બંને તો ઈશ્વરની પરીક્ષા છે અને આપણે બંનેમાંથી પાસ થવાનું છે. સ્થિતપ્રજ્ઞ પુરુષ અંતકાળે અવશ્ય ‘બ્રહ્મપદ’ને પામે છે. આમ સ્થિતપ્રજ્ઞ ગીતાની આદર્શ મૂર્તિ છે જે દ્વારા એવી મૂલ્યવાન શીખ મળે છે કે સાધકે કદી નિરાશ ન થવાય, તેણે સર્વ યુક્તિ અજમાવી લેવાય અને તેમાં જયારે કમી લાગે ત્યારે ભક્તિનો સહારો લેવો જોઈએ.
ટૂંકમાં સ્થિતપ્રજ્ઞ પુરુષના લક્ષણો કે સ્થિતપ્રજ્ઞતા જીવનના દરેક તબ્બક્કે, દરેક ક્ષણે, દરેક સંબંધમાં વ્યવહારિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જીવનને શાંત, સ્વસ્થ, સુખી, સફળ અને સમૃદ્ધ બનાવવા અનિવાર્ય છે.


















































