આપ સૌને આજે એક પ્રશ્ન પૂછું જેના ઘણા જવાબ મળી શકે છે.
લક્ષ્મી (સંપત્તિ) કોની અને શા માટે !?
મૂડીવાદી ઓ માને છે કે પોતે કમાયેલી સંપત્તિ પોતાની જ છે, બીજા કોઈની નહિ. મેં કમાયેલી સંપત્તિ મહેનત થી કમાઈ છે, હું જેમ ફાવે અને જ્યાં ફાવે તેમ તેનો ઉપયોગ કરું, કોઈ મને કંઈ કહી શકે નહીં. આ વિચારધારા યોગ્ય ન કહેવાય.
સમજવાદીઓ માને છે કે સંપત્તિ કોઈ એકની નહિ પણ તેની ઉપર આખા સમાજનો અધિકાર છે. એમાં તકલીફ શું છે ખબર ? કોઈપણ વસ્તુ એ સમાજ ની, એમાં લાભ લેવા બધા આવશે પણ સાચવવાની જવાબદારી કોઈ નહિ લે. આપડે ત્યાં કહેવત છે “હૈયારી ગાય માં કીડા પડે.” ગાય ને દોતી વખતે દુધ લેવા સૌ કોઈ આવશે પણ એ ગાયને સાચવવા જતન કરવા કોઈ નહિ. આ વિચાર ધારા માં હક અને ફરજ ઉપર જ લડત ચાલ્યા કરશે.
સામ્યવાદીઓ સામ્યતામાં માને છે. તેઓ કહે છે “Equal distribution of wealth.” મતલબ કે દરેકને સરખા પ્રમાણમાં જ સંપત્તિ મળવી જોઈએ. આ વિચારધારામાં એક ગાંડો આળસુ અને એક હોશિયાર મહેનતુ વચ્ચે નો ભેદ જ નહીં રહે. એક નિષ્ઠા થી કામ કરશે અને એક લુચ્ચાઈ. અને બન્નેને સરખી સંપત્તિ !? તો જે નિષ્ઠા થી કામ કરે છે એની નિષ્ઠા નું શું પ્રયોજન ?
મૂડીવાદ હોય, સામ્યવાદ હોય કે સમાજવાદ, દરેક વિચારધારા માં કંઈ ને કંઈ ખામી જોવા મળે છે ત્યારે આપણા ઋષિ મુનિ ઓ એ આપણાં શાસ્ત્રો એ આપણને એક ઉત્તમ વિચારધારા આપી અને એ છે યજ્ઞ ની વિચારધારા. યજ્ઞ પરંપરા સૃષ્ટિ ના સર્જન સમય થી ચાલતી આવે છે. યજ્ઞ એટલે ફક્ત હોમ હવન કરવું નહીં, પણ યજ્ઞ એ એક વિચાર છે.
શાસ્ત્રો કહે છે, સંપત્તિ (લક્ષ્મી) એ સ્વયં વિષ્ણુ ની છે. આ સૃષ્ટિમાં જે પણ કઈ છે એ સ્વયં ઈશ્વરે બનાવેલું છે આપણું બનાવેલું તો કઈ નથી તો આટલો અહમ ભાવ શા માટે? આપણે આપણી કમાયેલી જે કંઈ સંપત્તિ છે તે ભગવાન ની છે એમ માનીશું તો !? સૌથી પહેલા તેને કમાયા હોવાનો અહંકાર નીકળી જશે. ભગવાને આપેલી સંપત્તિ છે આ એને ભગવદ્દ કાર્ય, ધર્મ કાર્ય અને પ્રજા ના સુખ માટે જ ઉપયોગ કરાય, ગમે ત્યાં વેડફાય નહિ.
આ માટે એક નાનું ઉદાહરણ જોઈએ. જ્યારે મંદિર માં કોઈ વ્યક્તિ પ્રસાદ ધરાવે તો એ પ્રસાદ ને અન્ય ભોજન કરતા વધારે માન સમ્માન આપશે, માથે લગાવી ને ખાશે. વ્યક્તિ એ પ્રસાદ એકલો નહિ ખાય, વહેંચીને ખાશે. ન તો એનો બગાડ થવા દેશે, એને નીચે નહિ પડવા દે. અને બધા ને વહેંચી લે પછી સૌ થી છેલ્લે જે વધશે તે ગ્રહણ કરશે. પ્રયત્ન કરશે કે પ્રસાદ માં કોઈ બાકી ન રહી જાય.
આવું જ કંઈક આ સંપત્તિ માટે પણ વિચારવામાં આવે તો !? આ પ્રકૃતિ માંથી મળેલી સંપત્તિ એ ભગવાન નો પ્રસાદ જ છે એમ માનવામાં આવે તો !? જ્યારે દરેક વ્યક્તિ પોતાની સંપત્તિ ને પ્રસાદ ભાવ રૂપે જોશે ત્યારે યજ્ઞ ની વિચારધારા સાર્થક થશે. ત્યારે જ આ સનાતન ધર્મ અને ભારતની સંસ્કૃતિની છબી દેખાશે.
કેતવ જોષી


















































