સવાર પડે છે…
6 વાગે મોબાઇલ શેઠને ઉઠાડે છે..!
અને શેઠ પણ સવારે ઉઠતાંની સાથે જ સામે ટેબલ પર પડેલા મોબાઇલને વ્હાલથી હાથમાં લઇ… વ્હોટ્સએપ ભાઈને શુભ સવાર કહે છે ને એ ભાઈ શેઠના બધા જ મિત્રોને શુભ સવાર પાઠવતા સુંદર સુવિચારો મોકલે છે અને હા,statusમાં પણ વિચારો ચડાવવા પડે ને..! (જીવનમાં ઉતાર્યા હશે કે નહીં એ પ્રશ્ન છે હો)
પુસ્તક અને મોબાઇલ બન્ને ટેબલ પર આખી રાત એમ જ પડ્યાં હતાં…બસ,ફર્ક એટલો કે મોબાઇલે નિરાંતે પૂરી રાત આરામ કર્યો જયારે પુસ્તકના મનમાં કેટલાય પ્રશ્નો સળવળતા હોઈ સૂઇ શક્યું નહોતું…
ચલો વ્હોટ્સએપ ભાઈનો તો દિવસ સુધરી ગયો,રોજની જેમ…(ઉઠતાં વેંત કોઈ માણસ તમને જ યાદ કરે એનાથી બીજું શું જોઈએ જીવનમાં)
ગાડીનો ડ્રાઇવર નીચે ગાડી સાથે જ ઉભો હોય છે,
શેઠ તૈયાર થઇને મોબાઇલમાં વ્યસ્ત હોય એમ આવે છે…(શુભ સવારનાં વળતા આવેલા msgs જોતાં હશે કદાચ)
ડ્રાઇવર એની ફરજ મુજબ શેઠને સલામ કરે છે…(ખબર નહીં શેઠએ જોયું કે નહીં)
ડ્રાઇવર સામે ઉભો છે તો પણ Good Morning કહેવાનો ટાઈમ ક્યાં છે..?
ઓફિસે પહોંચે છે…
મોબાઇલને આરામ પર રાખી એ પોતે કામમાં વ્યસ્ત થઇ જાય છે…
પેલા ફેસબુકના મનમાં સવાલ ઉઠે છે…(ઈન્સટાગ્રામને તો શેઠ એ ઓફીસ આવતાં,ગાડીમાં જ scroll કરી દીધું હતું)
શેઠના હાથમાંથી છુટા પડેલા મોબાઇલમાં ફરીથી મીઠો ઝઘડો થાય છે..!
વ્હાટ્સએપ:- (થોડી ડંફાસથી)…”સુ કે ભઈબંધ”,મજામાંને..?
ફેસબૂક:-(ગુસ્સામાં) તું કંઈ બોલતો જ નહીં સવાર સવારમાં,રાત્રે ઇન્સ્ટાગ્રામને શેઠનો લાડકો કહી રહ્યો હતો,હવે મને ખબર પડી લાડકો તો તું છે,સવારે ઉઠતાંની સાથે તારી સંભાળ અને ઘડિયેપડીયે તને જ યાદ કરતા રહે છે..!
ઇન્સ્ટાગ્રામ:- (મજાકીયા મૂડમાં) સાચી વાત છે હો,ભઈલા
ફેસબૂક:-(ફરિયાદનાં ભાવમાં) તમારા બંનેના લીધે,હું તો જાણે મોબાઈલમાં છું જ નહીં એવું લાગે છે શેઠને..!
ઓફિસના ટેબલ પર પણ 2-4 પુસ્તકો રાખેલાં છે…(ના ના એમને વાંચવા માટે નહીં હો,કોઈ આવે એમની માટે)
એ પુસ્તકોને કાંઈ ફરિયાદ નથી હો,એમને તો બસ સ્વીકારી લીધું છે…(શેઠ નવરા પડે ને તરત જ મોબાઈલ ઉઠાવે,આ બધું જોઈને સમજી ગ્યા હોયને..!)
વ્હોટ્સએપ:-(ગર્વથી) જોયું,વટ છે ને બાકી આપણો…!
આમ જ,આ મીઠો ઝઘડો ચાલતો રહે છે ને વ્હોટ્સએપ ભાઈ સુંદર સુવિચારોને સંગ્રહ કરતાં રહે છે(નવા વરસની ઢગલો શુભકામનાઓ ભેગી કરી છે હો,જોઈએ તો કહેજો)
શેઠ એમનાં કામમાંથી નવરાશ લઇ સામેવાળાને ખાલી બ્લુ ટીક કરાવતાં રહે છે…
(વ્હોટ્સએપ, ફેસબુક,ઇન્સ્ટાગ્રામ વાપરવા પર કટાક્ષ નથી…આ પોસ્ટનો ઉદ્દેશ ફક્ત એના વધુ પડતાં નકામા વપરાશ અને ફક્ત ફોરવર્ડ કરાતાં અને નકામા ફરતા msgs માટેનો છે)


















































