મિથ્યાભિમાનું પરિણામ
“ભાઈ, હમણાં શેરઝમાં પૈસા રોકવા કરતા આપણે હજી એક પેકેજીંગ મશીન ખરીદી લેવું જોઈએ, તો એમાં કમ્પનીનો ફાયદો થશે.”
“નહીં વિવાન, મને હમણાં કમ્પનીમાં કોઈ વધારાના પૈસા ઈન્વેસ્ટ નથી કરવા. શેરઝમાં ઝડપથી નફો થાય છે.”
“પણ ભાઈ, હમણાં માર્કેટ ઘણી ઉપર છે, પૈસા તો વધારે જશે જ અને જો કાલ સવારે કાંઈ નુકસાન થયું, તો સાવ ડૂબી જઈશું.”
એક મહત્વપૂર્ણ વ્યવસાય મૂડીરોકાણ અંગે ભાઈઓ વચ્ચે દલીલ થઈ. નાનો ભાઈ વિવાન પ્રયાસ કરી રહ્યો હતો કે તેનો મોટો ભાઈ વિકાસ વસ્તુઓને તેના સાચા પરિપ્રેક્ષ્યમાં જુએ. પરંતુ વિકાસની પોતાની એક જુદી માનસિકતા હતી. તેના વિચારો નિશ્ચિત હતા, જોકે તે તેમની સંયુક્ત કંપનીની તરફેણમાં ન હતા.
મનોમન વિકાસ જાણતો હતો કે વિવાનનું કહેવું સાચું છે. પરંતુ આ યોજના તેને પોતાને કેમ પહેલા ક્લિક ન થઈ? વિવાન તેને વ્યાખ્યાન આપવાની હિંમત કેમ કરી શકે? અને સૌથી ખરાબ તો એને એ લાગ્યું, કે એણે શા માટે સ્વીકારવું જોઈએ, કે તેનો નાનો ભાઈ તેના કરતા વધુ હોંશિયાર છે?
વિવાને નમતું મૂક્યું, અને વિકાસે ફક્ત તેના અહંકારને હવા આપવા, એક મોટી રકમ શેરઝમાં રોકી નાખી.
“પાર્વતી, તને આ બંગલા કરતા એક નાના ઘરમાં રહેવાનું ફાવશે?” વિવાનના પ્રશ્ન એ તેની પત્નીને અચંબીત કરી નાખી. “એવું કેમ પૂછો છો?”
એક લાંબો નિસાસો લેતા વિવાને જવાબ આપ્યો,
“જે રીતે વિકાસ ભાઈ કામ કરી રહ્યા છે, હવે મને એમની પદ્ધતિ સમજમાં નથી આવતી. થોડી રાહ જોઈએ, નહિતર આપણે ઘર અને કમ્પનીમાંથી અલગ થવું પડશે.”
“પણ વિવાન, એના માટે પૈસા ક્યાંથી આવશે?”
“મેં થોડી ઘણી સેવિંગસ કરી છે, બાકી લોન લઈ લઈશું.”
શેર માર્કેટ ડાઉન થઈ ગઈ.
“ભાઈ, તમને નથી લાગતું કે શેરઝમાં નાખેલા પૈસા કાઢી લેવા જોઈએ?”
“વિવાન તું ગાંડો થઈ ગયો છે! આ કાંઈ પૈસા કાઢવાનો ટાઈમ છે? રહેવા દે, સબર કર આગળ જતાં જરૂર ફાયદો થશે.”
“પણ ભાઈ, માર્કેટ દિવસે દિવસે પહેલા કરતા વધુ પડી રહી છે.”
“વિવાન તું મને નહીં શીખવાડ, તારી હોશિયારી તારી પાસે રાખ સમજ્યો?!”
થોડાક જ સમયમાં પરિણામ આવી ગયું. વિકાસના મિથ્યાભિમાને બે ભારે નુકસાન ભોગવવા પડ્યા. શેરઝમાં નાખેલા બધા પૈસાની કિંમત કોડીની થઈ ગઈ. પણ સૌથી મોટો આઘાત તો વિવાનના શબ્દોએ આપ્યો,
“ભાઈ, હવે મને તમારી સાથે કામ કરતા નથી ફાવતું. મારી પાછળ મારો પરિવાર છે અને એમના ભવિષ્યની જવાબદારી મારા પર છે. આઈ એમ સોરી. પણ હું ઘર અને કમ્પનીથી અલગ થવા માંગુ છું.”
વિકાસના મિથ્યાભિમાને તેને એવો જકડી રાખ્યો, કે તેણે નુકસાન થવા દીધું. આખરે તેના અહંકારને ભારી કિંમત ચૂકવવી પડી, અને છેવટે વિભાજિત વ્યવસાય અને તૂટેલા કુટુંબ સાથે રહેવું પડયું.
શમીમ મર્ચન્ટ,


















































