“પપ્પા…. ચાલો જલ્દી તૈયાર થઈ જાઓ અને મમ્મી તું શું કરે છે ? થોડું જલ્દી કરો ને પ્લીઝ.”
“અરે ! હા, બેટા. બસ બે જ મિનિટ.”
આજે રુહાન પોતાના મમ્મી પપ્પા સાથે પોતાની નવી કારમાં લોન્ગ ડ્રાઈવ માટે જવાનો છે. એની ખુશીનો પાર નથી. એક તો આજે જ નવી કાર લીધી અને આજે ને આજે જ મમ્મી પપ્પાને લોન્ગ ડ્રાઈવ માટે લઈ જવાનું પણ નક્કી થઈ ગયું. એણે જોયેલું સપનું આજે અચાનક આટલું જલ્દી પૂરું થઈ જશે એવું એણે ક્યારેય વિચાર્યું નહોતું.
“બસ ! બહુ થયું.”
હવે તો રુહાનથી રહેવાય એમ હતું જ નહીં. દર એક સેકન્ડે એ મમ્મી પપ્પાને બૂમ મારતો. “પ્લીઝ જલ્દી કરો પ્લીઝ. કોઈ આટલી વાર કરતું હશે ? હવે બસ 10 સેકન્ડ એનાથી વધારે સમય નહિ. હું બસ દસ સુધી ગણું છું. ત્યાં સુધી તમે બન્ને મને મારી નજર સામે જોઈએ.” ને એ તો 10 , 9 , 8 …..ગણવાનું શરૂ પણ કરી દે છે. 2 સુધી પહોંચતા તેના મમ્મી પપ્પા તેની સામે હાજર થઈ જાય છે. “લે હાલ.. આવી ગયાં.”
“પપ્પા તમે ડ્રાઈવિંગ સીટની બાજુવાળી સીટ પર બેસશો. મમ્મી તું પાછળની સીટ પર અને હું.. હું તો ડ્રાઈવ કરીશ. ચાલો ચાલો જલ્દી કારમાં બેસી જાવ અને સીટબેલ્ટ લગાવી લો.
હું સ્ટાર્ટ કરું છું હાં..” બે ત્રણ વાર ચાવી આમ તેમ કરી અને ગાડી સ્ટાર્ટ કરી. સ્ટાર્ટ થતાંની સાથે જ એ ખુશીથી બૂમો પાડવા લાગ્યો. રુહાનને આટલો ખુશ જોઈ એના મમ્મી પપ્પા પણ ખૂબ ખુશ થઈ ગયા.
“યો…હો… હું મારા મમ્મી પપ્પાને લોન્ગ ડ્રાઈવ કરાવી રહ્યો છું. મને વિશ્વાસ નથી થતો.. આ મારી નવી કાર છે.. પપ્પા હું હકીકતમાં છું કે સપનામાં..?.. આ હકીકત છે ને..” એની ખુશીનો પાર નહતો. એ લોન્ગ ડ્રાઈવ દરમિયાન એ એની નવી કારના વખાણ કરતા થાક્યો નહિ. “પપ્પા જુઓ આ મ્યુઝિક સિસ્ટમ. તમને ગમતાં સોન્ગ લગાવું ? મમ્મી એસી ઓન કરું ? મારી નવી કારમાં બધું જ છે. મારા સપનાની કાર આજે હકીકતમાં. આહાહા… હા…”
“અરે ! હા હા બેટા. જરા સંભાળીને ચલાવ, સામે રસ્તા સામે પણ નજર રાખ.” “અરે..પપ્પા તમે ટેન્શન ના લો. હું પાક્કો ડ્રાઈવર છું. તમને કાંઈ નહિ થવા દઉં. ભલે પહેલીવાર ડ્રાઈવ કરું છું પણ આતો સપનું હતું મારું એટલે સપનામાં રોજ ડ્રાઈવ કરી કરીને હવે હું પાક્કો ડ્રાઈવર થઈ ગયો છું.”
વાતો વાતોમાં ઘણું અંતર કપાઈ ગયું હતું પણ આજ તો જાણે રુહાનને કારમાંથી ઉતરવું જ ન્હોતું. પરંતુ જમવાનો સમય થઈ ગયો હતો એટલે એક રેસ્ટોરન્ટ સામે કાર રોકી અને ત્યાં જમવા રોકાયા. જમીને પાછા એ નવી કારમાં બેસી ઘર તરફ રવાના થવા નીકળે છે. પાછા ગાડીમાં બેસ્યા અને પાછો રુહાન બોલ્યો, “સીટબેલ્ટ લગાવી લેજો હાં.”
જે અનહદ આનંદ લઈને તે લોન્ગ ડ્રાઈવ માટે નીકળ્યા હતા એ જ આનંદ સાથે પાછા પણ ફરવા લાગ્યા. ઘર હવે થોડી જ દૂરી પર હતું.
“આજે તો મને લોન્ગ ડ્રાઈવનાં જ સપનાં આવશે. હું ઊંઘી જ નહીં શકુ મમ્મી પપ્પા…” “હા બેટા આજ તો થાકી પણ ખૂબ ગયો છે તું કાર ચલાવીને” , એનાં મમ્મીએ હસતાં મોઢે કહીને એની ખુશીઓમાં વધારો કર્યો.
“લો આવી ગયા ઘરે.. મજા આવી ગઈને મમ્મી પપ્પા.. શું લોન્ગ ડ્રાઈવ હતી.. મને તો બહુ જ મજા આવી.. આહાહા.. એ હવા સાથે વાતો કરતી કાર.. કારમાંથી જોવાતાં ચાલતાં નઝારા.. વાહ વાહ મોજ પડી ગઈ આજ તો.”
“અરે હા હા બહુ જ મજા પડી. ચાલ હવે ફટાફટ હાથ મોઢું ધોઈ, ચેન્જ કરી સુવાનું કર ભાઈ. આજ તો બહુ થાકી ગયો છે મારો લાલ. ચાલ જલ્દી જા હવે. તારા પપ્પા પણ થાકી ગયા છે હું ત્યાં સુધી પથારી કરી લઉં.”
“ચલ જલ્દી કર હવે રુહાન… પથારી તૈયાર થઈ ગઈ.”
“એ હા મમ્મી આવ્યો બસ બે મિનિટ..”
એટલામાં રુહાનના પપ્પા એની મમ્મી પાસે આવે છે ને એક બોક્સ આપે છે. “લે આ તારાં લાલની નવી કારનું બોક્સ. એની નવી કાર પેક કરી દે હવે.. કાલ ફરી પાછો ક્યાંક લોન્ગ ડ્રાઈવ પર લઈ જશે…”
“હા.. હા.. કેમ નહિ. ખૂબ સંભાળીને પેક કરીશ. આખરે છ મહિનાથી આ રમકડાંની કાર એને માટે ખરીદવા તમે પાઇ પાઇ કેમ જોડી છે એનાથી હું કાંઈ અજાણ છું ?”
Related