મંત્ર અને જપ
મંત્ર અને જપ શું છે? અને એ કેવી રીતે અને ક્યાં સમયે કરવા? આ સવાલ થાય એ સ્વાભાવિક છે.
મંત્ર એટલે શું?
મંત્ર એટલે ‘જેનું સતત મનન અથવા ચિંતન કરવાથી ભવ બંધનથી મુક્તિ મળે,સફળતાના માર્ગ પર આગળ લઈ જાય એ મંત્ર’ આ શાસ્ત્રોક્ત વાત થઈ પણ મારી સરળ ભાષામાં કહું તો ‘જેનું સતત મનન મનને શાંતિ આપે’ એ મંત્ર.
જપ એટલે શું?
મૂળ શબ્દ જપ છે પણ શબ્દનો અપભ્રંશ થતાં કોઈ કોઈ એને જાપ કહે છે. જપ એટલે ‘ જ એટલે જન્મનું રોકાઈ જવું અને પ એટલે પાપનો નાશ કરનાર આમ, પાપનો નાશ કરી જન્મમૃત્યું ના ચકકર થી મુક્તિ આપે તે જપ.
બીજ મંત્રો
મંત્રનો સામાન્યતઃ બીજ મંત્ર સાથે જ જપ થાય છે. બીજ એટલે? એ સવાલ થાય એ સ્વાભાવિક છે. બીજ એટલે એ પોતે જ પોતાની એક સ્વતંત્ર શક્તિ ધરાવે છે. એકલા બીજ મંત્રની શક્તિ સામાન્ય માણસ સહન પણ ન કરી શકે એટલાં તાકાતવર અને શક્તિથી યુકત હોય છે, ૐ, ઐં , હ્રીં, કલીં, દું, બં, શ્રીં જેવા ઘણાં બીજ મંત્ર છે
ૐ : કહેવાય છે કે ૐ મંત્રમાં સર્વ વેદોનો સાર છે, બધા મંત્રનો નિચોડ છે, ૐ સર્વોપરી છે, ૐ નહીં તો મંત્રનો વિચાર નહીં, કોઈ ખુદ કોશિશ કરી શકે છે સતત પંદરથી વીસ મિનીટ ફકત ૐકાર મંત્રનો જપ કરવો, એની અસરથી ચકકર આવવા લાગશે, અને કોઈ કોઈને તો ઉલ્ટી પણ થવા લાગે છે, કહેવાનો મતલબ સિંહણનું દૂધ સોનાનું પાત્ર જ ઝીલી શકે તેમ- ૐકારની શક્તિ વિરલા જ સહન કરી શકે
ઐં : માતા સરસ્વતીની કૃપા મેળવવા આ મંત્ર જપ કરવામાં આવે છે.
હ્રીં : સૃષ્ટિના રક્ષક પાલન કરનાર દેવીની આરાધના માટે છે.
ક્લીં : સકળ મનોકામના પૂર્ણ અર્થે મહાકાલીની આરાધના માટે વપરાય છે.
દું : માતા દુર્ગાનો બીજ મંત્ર છે, માતાની શક્તિ અને કૃપા પ્રાપ્ત કરવા આ મંત્ર જપ થાય છે.
બં : શિવઆરાધનાનો બીજ મંત્ર છે. શિવરાત્રિએ આ જપ વધુ જપવામાં આવે છે.
શ્રીં : આ બીજ મંત્ર માતા લક્ષ્મીની આરાધના માટે જપવામાં આવે છે.
આપ સૌ જાણો છો કે મોબાઇલ ચાર્જ કરવા યોગ્ય ચાર્જર પીનને ઇલેકટ્રિક પાવર સપ્લાયના સોકેટ્સ સાથે અને બીજો છેડો મોબાઈલ સાથે કનેકટ કરી સ્વિચ ચાલું કરવામાં આવે તો જ મોબાઈલ ચાર્જ થાય, ઠીક એમ જ શુધ્ધ ઉચ્ચાર,સાત્વિક માહોલ, અને શ્રદ્ધાપૂર્વક જપ કરવામાં આવે તો જ ફળ મળે.
મંત્ર
ગાયત્રી મંત્ર, મહા મૃત્યુંજય મંત્ર, નવકાર મંત્ર, તારક મંત્ર – એમ અનેક મંત્ર પ્રચલિત અને મહાન છે પરંતુ હું અહીં વાત કરીશ. નવાર્ણ મંત્રની , નવાર્ણ મંત્ર – ચાર બીજ મંત્ર ધરાવે છે જે અતિ ઉતમ ગણાય.
નવાર્ણ મંત્ર છે : ૐ ઐં હ્રીં કલીં ચામુંડાયૈ વિચ્ચે. આ મંત્ર ચંડ મુંડ રાક્ષસનો વધ કરનારી માતા ચામુંડાનો મંત્ર છે. આ મંત્રનો અર્થ છે, હે સૃષ્ટિ સ્વરુપ , સૃષ્ટિનું પાલન કરનારી, ઈચ્છા પૂરી કરનારી, લક્ષ્મી સ્વરૂપિણી, ચંડ મુંડ રૂપી મનના અસુરોનો નાશ કરનારી, હંમેશા મારૂ કલ્યાણ થાય એવું વરદાન દેનારી અને જિંદગીમાં હંમેશા અભય બનાવનારી દેવીને નમસ્કાર.
આમ દરેક મંત્ર સાર યુકત હોય છે એટલે મંત્રનો જપ અર્થ સમજી કરવાથી શ્રધ્ધા વધે છે.
શ્રધ્ધા – અંધશ્રદ્ધા
ઈશ્વર છે અને આપણા કરેલ કર્મ પ્રમાણે ફળ આપશે એ વિશ્વાસ પ્રમાણે દરેક કર્મ કરવું અને ભગવાનની ભક્તિ કરવી એ શ્રધ્ધા. પરંતુ ઈશ્વર છે તો મારૂ સારુ જ કરશે એમ માની ઈશ્વર સામે બેસી રહેવું એ અંધશ્રદ્ધા છે, જેમ કે કોઈ વિદ્યાર્થી સંપૂર્ણ વર્ષ દરમ્યાન ફક્ત ઈશ્વર શ્રધ્ધા એ મહેનત ન કરે અને પાસ થવાની અપેક્ષા રાખે એ અંધશ્રદ્ધા છે, પરંતુ પોતે ખૂબ મહેનત કરે અને વર્ષનાં અંતે નિર્વિધ્ને પરીક્ષા પૂર્ણ કરી શકશે અને પરીક્ષા ફળ ઉત્તમ મેળવી શકશે એ શ્રધ્ધા છે.
ઉત્તમ શું ???
કોઈ પણ જાતની અપેક્ષા વગર પૂરી શ્રદ્ધાથી સાત્વિક વાતાવરણમાં અને સચોટ ઉચ્ચારણ સાથે કરેલ મંત્ર શ્રેષ્ઠ ગણાય. સિદ્ધિની ઘેલછામાં સાધના ભક્તિ કરવા કરતા નિસ્વાર્થ ભક્તિ કરવી હિતાવહ છે. નિસ્વાર્થ ભક્તિથી દેવીની કળાઓ માઈભક્તોની આજુબાજુ હકારાત્મક હોરાનું કવચ બનાવે છે.
નોંધ :- આ માહિતી દેવી ભાગવત અને દુર્ગા સપ્તશતિ ને આધાર પર તૈયાર કરેલ છે.
લેખક : જાગૃતિ કૈલા


















































