એક જમાનો હતો કે જયારે વ્યક્તિની કિમત તેની પાસે રહેલ પૈસા કે ધન દૌલતથી નહિ પરંતુ સંસ્કારોથી થતી હતી. લાંચ-રુશ્વત કે ભ્રષ્ટાચાર દ્વારા ભેગા કરેલા પૈસાને શરમની નજરે જોવામાં આવતું અને નૈતિકતાસભર વેપારધંધાનું સમાજમાં ઉચ્ચ સ્થાન હતું. નિર્દોષ માણસ પર લાંચરુશ્વતનો આરોપ લાગે તો તે આત્મહત્યા કરતો કારણકે સમાજ તેના પર થુંકતો. પરંતુ હવે આલમ એ છે કે વ્યક્તિનું માન, પ્રતિષ્ઠા વગેરે તેના સંસ્કારોને આધારે નહિ પરંતુ તેણે કેટલો પૈસો ભેગો કર્યો છે તેના આધારે થાય છે. વળી સંસ્કાર વગરના ધનિક લોકોમાં મૂલ્યવાન સિધ્ધાંતો કે નીતિમત્તાની ગેરહાજરી હોય, તે ટીકાનો વિષય બનવાને બદલે દેખાદેખીનો વિષય બની ગયો છે એટલે કે પૈસાદાર આવા ઉદ્ધત, બેફામ, બેશરમ જ હોય અને એવા બનવું એ જ શાનની કે પ્રતિષ્ઠાની વાત કહેવાય છે જેથી અન્ય લોકો પણ એવા દેખાવાનો પ્રયત્ન કરે છે અને ખરાબ સંસ્કારો જાણે પ્રયત્નોપૂર્વક શીખે છે. સટ્ટો કે શેરબજારનો ધંધો કરનાર, દારૂ-જુગારના વેપારવાળા અનેક બે નંબરનો ધંધો કરતા વેપારીઓ કોલર ઊંચા કરી ગર્વ સાથે પોતાની અને પોતાના ધંધાની ઓળખ આપે છે. લાંચરુશ્વત ન લેનાર પ્રામાણિક માણસને મૂર્ખ અને નબળો સમજવામાં આવે છે. અબળા નારી પર બળાત્કાર કરનારને મર્દ સમજવામાં આવે છે. સારા અને ખરાબનો વિવેક તો રહ્યો જ નથી ઊલટું ખરાબને સારું સમજવામાં આવે છે. અનીતિના માર્ગે પૈસો ભેગો કરવાને હોશિયારી અને બુદ્ધિમતા સમજવામાં આવે છે.

આપણા ધર્મગ્રંથોમાં ખેતી-પશુપાલન જેવા વેપાર ધંધાને ખૂબ ઉંચો દરજ્જો પ્રાપ્ત છે કેમકે તેનાથી સમગ્ર સમાજનું કલ્યાણ છે. પરંતુ હવે ખેતરો તૂટવા માંડ્યા છે, ખેતીને અભણ અને નબળા વર્ગનો વેપાર-ધંધો માનવામાં આવે છે. ભણીગણી દરેકને ગામડું છોડવું છે અને ખેતરથી દૂર જવું છે. એ પણ સમજણ રહી નથી કે અનાજ વગરનો વિકાસ વ્યક્તિના અસ્તિત્વ સામે કેવો મોટો ખતરો બની શકે? દરેકને માત્ર પૈસો જ દેખાય છે અને કોઈપણ અનૈતિક રસ્તે તે ભેગો કરવામાં મહાનતા લાગે છે. પશુપાલન જેવા પવિત્ર રોજગારને પશુપાલકો માત્ર આર્થિક દ્રષ્ટિએ જોવા માંડ્યા છે, પશુઓને ટંકશાળ સમજી બેઠા છે, તેનું ધ્યાન રાખવું, તેને પ્રેમ કરવો, સેવા કરવી, યોગ્ય ઘાસચારો આપવો વગેરે જેવી બાબતો તરફ ધ્યાન આપ્યા વગર માત્ર અમાનવીય રીતે દૂધ નીચોવી લેવામાં જ રસ ધરાવે છે અને દુ:ખની વાત તો એ છે કે આવું કર્યા બાદ તેઓને ખરાબ કર્યાનો અહેસાસ પણ નથી સતાવતો. ફાયદા માટે જુઠ બોલવું, સ્વાર્થ માટે હિંસા કરવી, પોતાના નિજ આનંદ માટે અન્ય જીવને પીડા આપવી, ગરજ પ્રમાણે સંબંધ બાંધવા અને તોડવા, નિર્દયી બનવું, અતિશય સંગ્રહ કરવો, અણહક્કનું ખાવું, અન્યનું છીનવી લેવું, વગેરે બળવાન હોવાની સાબિતી કે ઓળખ બની ગઈ છે, આવા હલકા ગુણો અને વર્તન ધરાવનાર વ્યક્તિની ટીકા થવી જોઈએ, તેનો બહિષ્કાર થવો જોઈએ પરંતુ ઉલટું લોકો આવા અનેક સંસ્કારની દ્રષ્ટિએ હલકા લોકોને સલામ મારે છે જેથી ખરાબીઓ, દુષણો અને કુસંસ્કાર ખુબ ઝડપે વધી રહ્યા છે.
ધર્મ કે સંસ્કાર જેવી મહત્વની બાબત માત્ર ધર્મગ્રંથોના પાના પર શોભાના ગાંઠિયાની જેમ રહી ગઈ છે જેનું કોઈ મૂલ્ય સમાજમાં રહ્યું નથી. ઉલટું સત્ય અને ધર્મને માર્ગે ક્યારેય સફળતા કે સુખ મળી જ ન શકે તેવું મોટા ભાગના લોકો સમજવા અને માનવા માંડ્યા છે. કદાચ એટલે આજના કળીયુગમાં સુખસાહિબીના અનેક સાધનો વચ્ચે સમગ્ર જીવસૃષ્ટિ અસુરક્ષિત, દુઃખી, પરેશાન, બીમાર અને અશાંત જોવા મળે છે કેમ કે સાચી શાંતિ, આનંદ અને સુખ તો મૂલ્યવાન સંસ્કારો અને નીતીમત્તામાં જ રહેલા છે. ક્યારેક પ્રસંગોપાત લોકોને આ બ્રહ્મસત્ય સમજાય છે પરંતુ તે પોતાની જાતને અસહાય અને પાંગળો સમજે છે કે શું થાય? કઈ જ બદલી શકાય તેમ નથી, જે સમાજ છે, તેમાં જ આપણે રહેવાનું છે, જેથી જેવો દેશ એવો વેશ. પરંતુ મને અહી એ કહેવાની ઈચ્છા થાય છે કે ઈશ્વરે આપણને મનુષ્યયોની ખુબ ઉત્તમ ઈરાદા સાથે આપી છે, તેણે પોતાનું તો કલ્યાણ કરવાનું જ છે પરંતુ સાથે સાથે સમગ્ર સમાજનું પણ કલ્યાણ કરી હસ્તે મોઢે ઈશ્વર સન્મુખ થવાનું છે જેથી ઈશ્વરને પણ આનંદ થાય કે મારું બાળક ખુબ લાયક નીકળ્યું. આપણે જયારે સર્વના કલ્યાણમાં નિષ્કામ કર્મ કરવા પ્રેરાઈએ છીએ ત્યારે એક અદ્રશ્ય શક્તિ (દિવ્યશક્તિ–પરમાત્મા) આપણી મદદે અવશ્ય આવે છે અને અશક્યમાં અશક્ય કાર્ય સરળતાથી પાર પડે છે. જરૂર છે માત્ર તેની ઉપરની શ્રદ્ધાની અને કઈક ખરાબ કામ આપણે હાથે થાય નહિ તેની તકેદારી રાખવાની અને જો થાય તો પરમાત્મા દંડ કરશે એવા ડરની. ઈશ્વર પરની શ્રદ્ધા અને ઈશ્વરનો ડર જ માણસને સાચો નીતિમય મનુષ્ય બનાવી શકે.
આ પુસ્તક લખવા પાછળનો મારો મુખ્ય વિચાર એ છે કે દરેક વ્યક્તિ એ તો સમજતો થયો જ છે કે નીતિમત્તા અને મૂલ્યવાન સંસ્કારો સિવાય સુખશાંતિ શક્ય નથી તેમ જ સમાજનું ઘડતર, વિકાસ કે વિશ્વશાંતિ પણ શક્ય નથી પરંતુ કદાચ આપણને સમજાતું નથી કે શરૂઆત ક્યાંથી કરવી? જેથી એ અંગે વિચારવું અને લખવું અતિ આવશ્યક બની ગયું છે કે લોકોને મૂલ્યવાન અને નીતિમય બનાવવા કેવી રીતે? (How to make people Ethical?) તેના માટે શું કરવું પડે? કોણે કરવાનું? કારણ કે દરેકનો સહિયારો પ્રયત્ન જ પરિણામ આપી શકે. દરેક એમ વિચારે કે સામેવાળો પહેલા નૈતિક બને પછી હું જોઇશ, તો નૈતિક અને મૂલ્યવાન સમાજની રચના કદી શક્ય બને નહિ. આ પુસ્તકમાં મેં વ્યક્તિ કે સમાજને નૈતિક બનાવતા મુખ્ય ૬ સ્ત્રોત કે સાધનોની રજૂઆત કરી છે જેમાં પ્રથમ જ્ઞાન અને ધર્મ છે. કેમ કે તમામ મૂલ્યવાન સિદ્ધાંતો અને નૈતિકતાની મૂળભૂત સમજણ આપણને ધર્મગ્રંથોમાંથી જ મળે છે. જેના યથાર્થ જ્ઞાન અને આચરણ દ્વારા જ સમગ્ર સમાજ નીતિમય બની શકે.
ધર્મગ્રંથોના મુખ્ય ત્રણ વિભાગ છે. આચારવિભાગ, વ્યવહારવિભાગ અને પ્રાયશ્ચિતવિભાગ, જે દ્વારા સમાજે વ્યવહાર કેવી રીતે કરવો, શું કરવું અને શું ન કરવું? વગેરેની વિગતે સમજણ અપાયેલ છે. ઉપરાંત વ્યક્તિને નૈતિક બનાવવા માટે વારસાગત સંસ્કારો, માતા-પિતા, કુટુંબ, ગુરુ કે શૈક્ષણિક સંસ્થાનો ફાળો શું હોવો જોઈએ? તેની ચર્ચા કરવામાં આવી છે. ઉપરાંત આરોગ્ય જેવી મહત્વની બાબત વ્યક્તિને નૈતિક બનાવવા કેવી રીતે ઉપયોગી નીવડી શકે? તેમજ કર્મ, પરલોક-પુર્નજન્મ, સાત પ્રકારના શરીર અને સાતચક્રો, આલ્ફા અવસ્થા જેવા મહત્વના ખ્યાલોને તત્વદર્શનવિભાગ અંતર્ગત તપાસવામાં આવ્યા છે. અને અંતે કોઈ કારણસર આ તમામ સાધનો જો નિષ્ફળ જાય તો સરકાર, સમાજ અને કાયદાકીય વ્યવસ્થા કેવી રીતે ઉપયોગી થઇ શકે તે અંગેની રજૂઆત દ્વારા પુસ્તકની સમાપ્તિ કરેલ છે. આશા છે કે આ પુસ્તક સમાજને સાચા અર્થમાં ઉપયોગી થઇ પડશે
Buy Online:
https://kdp.amazon.com/amazon-dp-action/in/dualbookshelf.marketplacelink/B0869JRN51 ( India )https://kdp.amazon.com/amazon-dp-action/us/dualbookshelf.marketplacelink/B0869JRN51 (USA)https://kdp.amazon.com/amazon-dp-action/uk/dualbookshelf.marketplacelink/B0869JRN51 (UK)
E-Publishers : www.V-publishers.com


















































