આશાપૂરા માતાજીના પ્રત્યેક મંદીર માતાનાં મઢ, જોગવડ, ઘૂમલી, રાજકોટ, જામનગર, રતડીયા, નાગોર, ડુંગરપુર & પોખરણ (રાજસ્થાન) માં એક જ મૂર્તિ આવેલી છે. માત્ર ભુજ અને આણંદ જિલ્લામાં આવેલું પીપલાવમાં બે મૂર્તિ છે. ભૂજમાં આવેલી બે મૂર્તિ પાછળ નું કારણ ઐતિહાસિક ધટનાક્રમ છે.
કચ્છમાં તે સમય રાજકીય અરાજકતાનો હતો. ઝારાના યુદ્ધની હજી કળ વળી ન હતી ત્યાં તો એક પછી એક દીવાનનો રાજકીય હત્યાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. આવા કપરા સમયમાં રાવ રાયધણજી બીજા (ll) કે જેવો સગીર વયના હતા રાજા બન્યાં. તેમનાં સમય દરમિયાન મુસ્લીમ સરદારોનાં બે જૂથ એક મિયાણા અને બીજા સીદી જૂથ ખૂબ સક્રિય હતા. આ સમયગાળા દરમિયાન પરોક્ષ રીતે દરેક વ્યક્તિ અને જૂથ સત્તા મેળવવા પ્રયત્નશીલ હતાં. જાડેજા ભાયાતો પણ કેન્દ્રીય શાસન પ્રત્યે નિરસ રહ્યા હતા. આમ, રાજકીય રીતે અરાજકતાનો માહોલ જોવા મળતો હતો.
આવા સંજોગોમાં માં રાયધણજી (ll) ગાદી પર આવ્યા. તેમના સમય માં દિલ્હી થી આવેલા ઈસ્લામ ધર્મ પ્રચારક મહમદ પનાહ ખૂબ જ વિદ્વાન હતા. રાયધણજી મહમદ પનાહ ( મહાદેવ ગેટ પાસે તેમની મસ્જિદ આવેલી છે) નાં પ્રભાવ માં આવવાથી ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને મૂર્તિ તોડવાની પરંપરા શરૂ થઈ સૌપ્રથમ માંડવીમાં આવેલી વાઘેશ્ચરી માતાજીની મૂર્તિ તોડવાનો પ્રયાસ કર્યો હતો પણ માંડવીના પ્રજાજનો એ પ્રંચડ વિરોધ કર્યો હતો અને લશ્કરે પારોઠના પગલાં ભરી પાછાં ભૂજ પરત આવવાની ફરજ પડી. ભૂજમાં પણ નાની નાની બે ત્રણ દેરીની મૂર્તિ તોડવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાં ભૂજ આશાપૂરા મંદિરના પૂજારી માતાજીની મૂર્તિ ને સહી સલામત સ્થળે રાખવા માટે મૂર્તિ સાથે ભૂજ છોડી નીકળી ગયા હતા. અંજાર ના મેઘજી શેઠ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ હતા તેમની મદદ માંગવામાં આવી. આ વિશે બે મત પ્રવર્તે છે. એક મત મુજબ નાગર ચકલામાં રહેતા એક વિદ્વાન નાગર બ્રાહ્મણે મદદ માગી હતી. બીજા મત મુજબ મહારાણી સાહેબના માર્ગદર્શન મુજબ મદદ માંગવામાં આવી હતી. મેઘજી શેઠ લશ્કર સાથે આવીને રાજાને નજરકેદમાં લીઘા. માતાજીની મૂર્તિ મંદિરમાં ન જોવા મળે તો પ્રજામાં અવિશ્વાસ અથવા બળવો ન ફેલાય તે માટે તાબડતોબ બીજી મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. રાજાના નજરકેદ ના સમાચાર જાણી પૂજારીજી જૂની મૂર્તિ સાથે પાછા ફર્યા અને નવી મૂર્તિ સાથે જૂની મૂર્તિનું પણ સ્થાપન કરવામાં આવી. તે દિવસથી આજદિન સુધી ભૂજમાં આશાપૂરા માતાજીની બે મૂર્તિ છે.
Related