- ભારતના ધનિક મધ્યમ વર્ગના વધારા અને ગ્રામીણ અર્થતંત્રમાં વૃદ્ધિથી ઉપભોક્તા ખર્ચની પેટર્ન બદલાઈ અને ભારતની ઉપભોક્તામાં તેજી આવી
- પરંપરાગત રૂઢિચુસ્ત ધિરાણકારોએ ઉપભોક્તાની પાત્રતામાં વધારા વચ્ચે જોખમ ખેડવાની ક્ષમતા વધારતા ભારતનું ધિરાણ બજાર સેલ્ફ-જનરેટિંગ અને સેલ્ફ-સસ્ટેઇનિંગમાં પરિવર્તિત થતાં ટેકનોલોજીની ઝડપી સ્વીકાર્યતાએ નવા નાણાકીય માધ્યમો માટે સ્વીકાર્યતા ઊભી કરી
મહામારી વચ્ચે પણ ભારતની ક્રેડિટ ઇકોસિસ્ટમ (ધિરાણ વ્યવસ્થા) મજબૂત રહી છે એવો ખુલાસો વિશ્વની અગ્રણી ગ્લોબલ ઇન્ફોર્મેશન સર્વિસીસ કંપની એક્સપીરિયન તથા રોકાણ અને સુવિધા માટેની રાષ્ટ્રીય સંસ્થા ઇન્વેસ્ટ ઇન્ડિયાના લેટેસ્ટ જોઇન્ટ રિપોર્ટ “એ રિવ્યૂ ઓફ ઇન્ડિયાસ ક્રેડિટ ઇકોસિસ્ટમ”માં થયો છે.

“એ રિવ્યૂ ઓફ ઇન્ડિયાસ ક્રેડિટ ઇકોસિસ્ટમ” રિપોર્ટમાં ધિરાણ ક્ષેત્રમાં કેટલાંક ચાવીરૂપ પ્રવાહો વિશે જાણકારી આપવામાં આવી છે, જેમાં એક મુખ્ય પ્રવાહ છે – ભારતનું ઉપભોક્તા ધિરાણ બજાર વિશ્વના લગભગ બધા મોટા અર્થતંત્રો કરતા વધારે ઊંચા દરથી વૃદ્ધિ કરશે એવી ધારણા છે. આ માટે ભારતની વસ્તીમાં પરિવર્તન, વિશાળ ધનિક મધ્યમ વર્ગથી ખાનગી ઉપભોગમાં વધારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વૃદ્ધિ જવાબદાર હશે તેમજ આ તમામ પરિબળોને ટેકનોલોજી આગળ વધારશે. બેંકની સુવિધાથી વંચિત અને ઓછી સેવા ધરાવતા લોકો માટે બજારમાં ફરકને સમજીને રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે કે, એનબીએફસી અને ફિન્ટેક કંપનીઓએ કેવી રીતે આ ઉપભોક્તાઓની નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરવા ધિરાણ ક્ષેત્રની કાયાપલટ કરી છે. આ રિપોર્ટમાં મહામારી દરમિયાન ભારતની ધિરાણ વ્યવસ્થાને નિયમનકારી વાતાવરણે આપેલા ટેકા વિશે પણ જાણકારી આપવામાં આવી છે.
માર્ચ, 2017થી ફેબ્રુઆરી, 2021 સુધી ભારતની ધિરાણ વ્યવસ્થાની સ્થિતિને બયાન કરતો રિપોર્ટનો ડેટા સ્ત્રોતના પ્રવાહોમાં તબક્કાવાર અને સતત વધારા સાથે તમામ ભારતીય બજારોમાં વી-શેપનો સુધારો થયો હોવાનું જણાવે છે. ઓક્ટોબર, 2020માં નવા સોર્સિંગે કોવિડ-19 પૂર્વેનું સ્તર વટાવી દીધું હતું; જોકે કોવિડ-19ની બીજી લહેર અને એના પગલે લાગુ લોકડાઉનને કારણે જાન્યુઆરી, 2021થી સોર્સિંગ વોલ્યુમમાં ઘટાડો થયો હતો.
તમામ અનસીક્યોર્ડ ધિરાણ ઉત્પાદનોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જ્યારે ઓછી રકમ (રૂ. 1 લાખથી ઓછી) અને વધારે રકમ (રૂ. 5 લાખથી વધારે) એમ બંને પ્રકારના સેગમેન્ટમાં પર્સનલ લોનમાં સુધારો વધારે છે, ત્યારે અતિ વધારે રકમ ધરાવતી લોનમાં પણ સ્થિર સુધારો થઈ રહ્યો છે. ફેબ્રુઆરી, 2021માં ધિરાણનો પોર્ટફોલિયો ઝડપથી સુધર્યો છે, મુખ્ય ઉત્પાદનોના પોર્ટફોલિયો માટે વાર્ષિક ધોરણે વૃદ્ધિ આઠ ટકા હતી, જે માર્ચ, 2020માં જોવા મળેલી 13 ટકાની વૃદ્ધિથી ઓછી હતી. તમામ ઉત્પાદનો માટે વૃદ્ધિદર ઘટ્યો હોવા છતાં સીક્યોર્ડ લોનની સરખામણીમાં અનસીક્યોર્ડ લોન્સે વાર્ષિક ધોરણે ઝડપી વૃદ્ધિદર અનુભવ્યો છે.
એક્સપીરિયન ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી નીરજ ધવને કહ્યું હતું કે, “છેલ્લાં પાંચ વર્ષમાં ભારતીય લોકોના અભિગમમાં મોટો ફેરફાર જોવા મળે છે. વ્યાપક બજારનું મુખ્ય પ્રેરકબળ મિલેનિયલ્સ બનતા અગાઉ વણખેડાયેલા અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઉપભોક્તાવાદ વધી રહ્યો છે. ટેકનોલોજીકલ સ્વીકાર્યતા મોટા પાયે વધી છે, જેના પરિણામે નવા નાણાકીય માધ્યમો માટેની સ્વીકાર્યતા ઊભી થઈ છે. આ પરિવર્તનનો સૌથી મોટો લાભ ધિરાણ બજારને મળ્યો છે, જે સેલ્ફ-જનરેટિંગ અને સેલ્ફ-સસ્ટેઇનિંગમાં પરિવર્તિત થયો છે. આ પ્રવાહને અનુરૂપ ધિરાણપાત્રતા વધતા પરંપરાગત રીતે કન્ઝર્વેટિવ ધિરાણકારોની જોખમ ખેડવાની ક્ષમતામાં વધારો થયો છે. ધિરાણના મૂલ્યાંકન, ધિરાણના સ્માર્ટ નિર્ણયો અને ગોટાળાથી પોતાનું અને ગ્રાહકોનું રક્ષણ કરવામાં વ્યવસાયોને મદદરૂપ વિવિધ પ્રકારના નવીન સમાધાનો સાથે એક્સપીરિયન મોખરે છે અને આ પરિવર્તનને મુખ્ય અનેબલર્સ પૈકીની એક છે.”
ઇન્વેસ્ટ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ શ્રી દીપક બગ્લાએ ઉમેર્યું હતું કેઃ “ભારત નાણાકીય સર્વસમાવેશકતામાં હરણફાળ ભરી રહ્યો છે. ધનિક મધ્યમ વર્ગમાં વધારો અને ગ્રામીણ અર્થતંત્રમાં વૃદ્ધિ ઉપભોક્તાના ખર્ચની પેટર્નને બદલી રહ્યાં છે અને ભારતના ઉપભોગની મોટા પાયે વૃદ્ધિને આગળ વધારે છે. ઉપરાંત ઝડપી ટેકનોલોજીકલ પ્રગતિથી ક્રેડિટ ઇકોસિસ્ટમને વધારે વેગ મળ્યો છે. રિપોર્ટમાં હાલના અનપેક્ષિત સમયગાળામાં ધિરાણ ઉદ્યોગ વિશે વિશ્વસનિય અને વ્યવહારિક માહિતી આપવાનો પ્રયાસ થયો છે. આ રિપોર્ટ એક્સપીરિયન અને ઇન્વેસ્ટ ઇન્ડિયાની ભારતની ધિરાણ વ્યવસ્થામાં અદ્યતન ઉત્કૃષ્ટતા પ્રત્યે સહિયારી કટિબદ્ધતા દર્શાવે છે.”
આ રિપોર્ટના લોંચ પર શ્રી દીપક બગ્લા સાથે નાણાકીય સેવા વિભાગના સંયુક્ત સચિવ શ્રી સૌરભ મિશ્રા અને ઉદ્યોગ અને આંતરિક વિભાગના સંવર્ધન વિભાગના સંયુક્ત સચિવ શ્રી રાજેન્દ્ર રત્નૂ જોડાયા હતા.
રિપોર્ટની મુખ્ય બાબતો:
ધિરાણપ્રેરિત ઉપભોગ માટેની માંગઃ
ભારતનો નાણાકીય ઉદ્યોગ અભૂતપૂર્વ ઝડપથી પરિવર્તન કરી રહ્યાં છે. છેલ્લાં થોડાં વર્ષોમાં દેશમાં ધિરાણ માટેની માગમાં સતત વૃદ્ધિ પણ જોવા મળી છે. ‘ધનિક મધ્યમ વર્ગ’માં વધારો અને ગ્રામીણ અર્થતંત્રમાં વૃદ્ધિ ઉપભોક્તાની ખર્ચ કરવાની પેટર્નમાં પરિવર્તન લાવી રહી છે તેમજ ભારતના ઉપભોગની વૃદ્ધિમાં મોટા ફેરફારો કરી રહી છે. ભારતની સ્થાનિક ધિરાણ વૃદ્ધિ માર્ચ, 2000થી માર્ચ, 2021 વચ્ચે સરેરાશ 15.1 ટકા થઈ છે, જે મુખ્યત્વે રિટેલ લોન અને ક્રેડિટ કાર્ડની પહોંચમાં વધારાથી સંચાલિત છે. ભારતીય ઉપભોક્તા ધિરાણ બજાર અન્ય મુખ્ય વૈશ્વિક અર્થતંત્રો કરતા વધારે દરથી સતત વધી રહ્યું છે તેમજ દર મહિને 22 મિલિયન ભારતીય ઉપભોક્તાઓ નવું ધિરાણ મેળવવા માટે અરજી કરે છે.
સરેરાશ ભારતીયની ખર્ચશક્તિમાં વધારો:
ભારતનો ઉપભોક્તા બ્રાઝિલ જેવા દેશોના ઉપભોક્તાની સરખામણીમાં બમણાથી વધારે ખર્ચ કરે છે. છેલ્લાં પાંચ વર્ષમાં વ્યક્તિગત અંતિમ ઉપભોક્તા ખર્ચમાં સતત વધારો થયો છે અને વર્ષ 2020માં રૂ. 123.1 મિલિયન (1.70 મિલિયન ડોલર)ને આંબી ગયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ભારતનું કૌટુંબિક ઋણ 13 ટકાથી વધારે વાર્ષિક દરે વધ્યું છે.
ઉપભોક્તાની ડેમોગ્રાફિક પ્રોફાઇલમાં પરિવર્તનઃ
ભારત વિશ્વના યુવા દેશો પૈકીનો એક છે, જ્યાં દરરોજ કામ કરવાની વય ધરાવતા નાગરિકોમાં ઉમેરો થાય છે. નવી પેઢીમાં મિલેનિયલ્સ અને જનરેશન-ઝેડ શિક્ષણ, રોજગારીની અને વધારે આવકની સુલભતા ધરાવે છે, જે તેમને ખર્ચ કરવા અને ઉપભોક્તા ખર્ચ વધારવા તરફ દોરી જાય છે. આવકના સ્તરમાં વધારાની સાથે ઉપભોક્તાઓ જીવનશૈલી સાથે સંબંધિત ઉત્પાદનો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને જ્વેલરી જેવી મહત્વાકાંક્ષી કેટેગરીઓ પર ખર્ચ કરી રહ્યાં છે. ગત દાયકામાં ભારતની સાધનસંપન્નતામાં વધારો થવાની સાથે સ્થાનિક ઉપભોગ પણ 3.5 ગણો વધીને રૂ. 31 ટ્રિલિયન (0.42 ટ્રિલિયન ડોલર)થી રૂ. 110 ટ્રિલિયન (1.50 ટ્રિલિયન ડોલર) થયો છે.
ગ્રાહકવર્ગમાં પરિવર્તન – ફિન્ટેકની વધતી ભૂમિકા:
ઉપભોક્તાઓ અને વ્યવસાયો એમ બંનેને સેવા આપતો અને સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતો ઉદ્યોગ ફિન્ટેક છે, જેને દાયકાના ઇનોવેટિવ ઉદ્યોગ તરીકે ગણી શકાશે. જ્યારે એક સમયે ભારતના નાણાકીય સેવા ઉદ્યોગમાં બેંકોનું વર્ચસ્વ હતું, ત્યારે ફિન્ટેક ઉદ્યોગે ધિરાણના ટ્રેક રેકોર્ડ કે જામીનગીરીને અભાવે બેંકોએ નકારી કાઢેલા શહેરી અને ગ્રામણી વિસ્તારોના ગ્રાહકોને લક્ષ્યાંક બનાવીને પોતાની આગવી કેડી કંડારી છે. ફિન્ટેક ઉદ્યોગે નવા ઇનોવેટિવ ઉત્પાદનો પ્રસ્તુત કરીને કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ માત્રામાં ઉપલબ્ધ નાણાકીય ઉત્પાદનોની સરળ સુલભતા માટે ‘સેશે પેકેજિંગ’ની વિભાવના પણ પ્રસ્તુત કરી છે. ગ્રાહકની અપેક્ષામાં વધારો થવાની સાથે, ઇ-કોમર્સનો ઉદય થવાથી અને સ્માર્ટફોનની પહોંચમાં વધારો થવાથી છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતીય ફિન્ટેક ઇકોસિસ્ટમમાં અનેકગણો વધારો થયો છે.
વૃદ્ધિકારક પ્રવાહો:
- નાણાકીય વર્ષ 2017-18થી નાણાકીય વર્ષ 2019-20 વચ્ચે લોન બુકમાં 17 ટકાના સીએજીઆર સાથે વૃદ્ધિ થયેલા સીક્યોરિટી ઉત્પાદનોની સરખામણીમાં અનસીક્યોર્ડ ઉત્પાદનોમાં 38 ટકાના સીએજીઆર સાથે વૃદ્ધિ થઈ છે.
- ઉપભોક્તાવાદ અને નાણાકીય સંસ્થાઓમાં વધારો થવાની સાથે નાણાકીય વર્ષ 2017-18થી નાણાકીય વર્ષ 2019-20 વચ્ચે 39 ટકાના સંચિત વૃદ્ધિદર પર નવી મંજૂર થયેલી લોનમાં વધારો થયો છે. મોટું પ્રદાન ધરાવતી અનસીક્યોર્ડ લોનમાં 49 ટકાના સીએજીઆર પર વધારો થયો છે.
- ધિરાણ માટે ટિઅર 3 અને ટિઅર 4 બજારોમાં ધિરાણમાં વધારો થયો છે. આ બજારોમાં ટૂ-વ્હીલર્સ, એન્ટ્રી-લેવરની વિવિધ કાર અને એફોર્ડેબલ હાઉસિંગ જેવા વધારે વોલ્યુમ ધરાવતા ધિરાણ ઉત્પાદનોમાં ઊંચો વધારો જોવા મળ્યો છે. દરમિયાન કામ કરતા લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને મેટ્રો સૌથી મોટા ધિરાણ બજારો તરીકે જળવાઈ રહ્યાં છે.
- ભારતીય અર્થતંત્ર વર્ષ 2020 થી 21 ના બીજા ત્રિમાસિક ગાળામાં અપેક્ષાથી વધારે ઝડપથી સુધારાના માર્ગે અગ્રેસર છે અને અર્થતંત્રનું સંકોચન 7.5 ટકા રહ્યું છે. એપ્રિલ, 2020 પછી વી-શેપનો સુધારો થયો હતો અને ચાલુ નાણાકીય વર્ષ ઊંચી આર્થિક વૃદ્ધિ પૈકીનું એક બની રહેશે એવી અપેક્ષા છે.
- પરંપરાગત બેકિંગ વ્યવસ્થાઓએ ટેકનોલોજી સંચાલિત અદ્યતન ધિરાણ વ્યવસ્થા માટેનો માર્ગ મોકળો કર્યો છે, જે લોકોને તેમની જરૂરિયાત અનુસાર નાણાકીય ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડશે.
- ગ્રામીણ ભારતમાં આવકમાં વધારો સૂક્ષ્મ વીમા ક્ષેત્રની અંદર માગની વૃદ્ધિ તરફ દોરી ગયો છે.


















































