કહેવત તો બધી ખબર છે,ને તેમના અર્થ પણ ખબર છે,પરંતુ એ પ્રમાણેનું આપણું અનુસરણ છે કે નહી એ તો ખરેખર ભગવાનને જ ખબર! ઉપર શીર્ષકમાં આપેલ કહેવતમાં ભલાઈની કેટેગરીમાં પોતાની જાતને જ મુકવાની,ને ભૂંડાઈની કેટેગરીમાં હંમેશા બીજાને જ મુકવાના.સવાર પડે ને મોબાઈલમાં આવતા સુવાક્યો પોતે બરાબર વાંચ્યા પણ નહિ હોય કે પોતાના જીવનમાં તેનો ક્યારેય અમલ પણ નહિ હોય,પરંતુ શીખામણ રૂપે બીજાને ફોરવર્ડ જરૂર કરવાના! વાત બસ એટલી જ છે કે,માણસ ક્યારેય પોતાની જાતને ઓળખવાની તો કોશિષ જ નથી કરતો. “માણસ કહે છે કે હું માણસને નથી ઓળખી શકતો,અરે! બીજાનું છોડ,તું તો ક્યારેય પોતાની જાતને જ નથી ઓળખી શકતો!”
વ્યક્તિ સત્ય અને અસત્યની વ્યાખ્યા હંમેશા પોતાના વિચારો પ્રમાણે જ કરે છે.પોતે જેવા કલરના ચશ્માં પહેરે છે,તેને દરેક વસ્તુ એ જ કલરની દેખાય છે.ખરેખર તો વસ્તુનો સાચો કલર જોવા માટે ચશ્માં ઉતારવા પડે.જેમણે પોતાની આખો ઉપર પોતાના વિચારો પ્રમાણેના ચશ્માં પહેર્યા જ છે,તેમેને કોઇપણ બાબત અંગે સાચી સમજણ આપવાનો કોઈ અર્થ જ નથી.જેમને સત્ય જાણવું કે સમજવું જ નથી તેમની આગળ સત્યતા કહેવાનો શું ફાયદો?પણ એક વસ્તુ હંમેશા યાદ રાખીએ કે,ભગવાન એમનું જ ભલું કરે છે,જેમના પોતાનામાં ભલાઈ હોય.જે બીજાનું ભૂંડું કરે છે,કે વિચારે છે એમના જીવનના પરિણામો પણ એમની વિચારસરણી પ્રમાણે જ આવે છે.કોઈ પણ જગ્યાએ મુકેલા CCTV કેમેરાનો બધાને ડર છે,પરંતુ આપણી ઉપર ચોવીસ કલાક ફરતા ભગવાનના કેમેરાનો કોઈ ડર જ નહિ? ખરેખરું સ્વર્ગ અને નર્ક બધું અહી જ છે,બધું અહી ભોગવીને જ જવાનું છે…આ દરેક વાતનો ખ્યાલ તો બધાને છે,પરંતુ જે સ્વભાવ પડી ગયો છે એ કેમ ક્યારેય છૂટતો જ નથી?
ક્યાંક રાવણ પણ છે,ને ક્યાંક વિભીષણ પણ છે.જેના જેવા કર્મ હોય એ પ્રમાણેનું જ પામે છે.કોઈ બીજાને દુભવીને આપણું શું ભલું થવાનું? ખોટા ચશ્માં ઉતારીને પોતાના જીવનને એકવાર ચકાસી જરૂર લેવું.ઘરમાં જેમ એકદમ ચોક્કસ હિસાબ કરીએ છીએ,એમ પોતાના જીવનનો પણ ચોક્કસ હિસાબ રાખતા જરૂર શીખી જવું.કારણ! જે દિવસે ભગવાન હિસાબ કરશે ને તે દિવસે આપણા કરેલા હિસાબને સમજવાનો કે સુધારવાનો સમય પણ નહિ મળે!


















































