આપ સૌ જાણતાં હશો કે ફરી કોરોનાના કેસ વધવા લાગ્યાં છે અને દરેક જગ્યાએ ફરી લોકડાઉનની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે એક વાર વિચાર કરવો જ જોઈએ કે શું વધું ભયાનક છે લોકડોઉન કે કોરોના?
હું સંપૂર્ણ રીતે સહમત છું કે “જાન હૈ તો જહાઁ હૈ” પણ એક વાર બધાં પાસા જોઈ લેવા જોઈએ જેમકે કોરોના થનારને જ ખબર હોય કે કોરોના થયાં પછી 14 દિવસ કેવી રીતે વીતે છે અને દરેક સમયે એકલું પરિવારથી દુર રહેવું સહેલું નથી, પરંતુ જે સામાન્ય વ્યક્તિ છે તે તો લોકડાઉનના સમયે અને લોકડાઉન પછી સતત માનસિક તણાવમાં ગુજારે છે. ભારતમાં મધ્યમ વર્ગ સૌથી વધારે છે. માફ કરશો કડવું પણ સત્ય છે ગરીબ લોકોની મદદ કરવા આખો સમાજ અને સરકાર તત્પર રહે છે પણ મધ્યમ વર્ગનું શુ? એનાં વિશે કોઈ નથી વિચારતું અને સૌથી સ્વાભિમાનથી જીવનારો આ એક જ વર્ગ છે. તેથી કોઈ પાસે હાથ પણ નથી ફેલાવતો અને દરેક મુસીબત એકલે હાથે ઝીલ્યા કરે છે. લોકડાઉન શબ્દ સાંભળીને આ વર્ગ ધ્રુજી જાય છે. તરત જ નજર સામે ઘરનાં ખર્ચા, બાળકોની ફી, લોનના હપ્તા, ગાડીના હપ્તા, ઓનલાઇન શિક્ષણના ખર્ચ, દવાનાં ખર્ચ, દરેક વસ્તુ નજર સામે આવતી હોય છે અને તેમાં પાછી મોંઘવારીની માર, આની સીધી અસર પરિવારના મુખીયાના સ્વાસ્થ્ય પર પડે છે, પછી હાર્ટ એટેક, ડિપ્રેશન, તણાવ બધું જ ચાલુ થાય છે.
સ્ત્રીઓ પર પણ લોકડાઉનની વિપરીત અસર પડે જ છે. કારણ ઓછા ખર્ચે ઘર હલાવવું અને ઘરમાં બધાની ઈચ્છા પૂરી કરવી અને દરેકનું મનોબળ ટકાવી રાખવાની મોટી જવાબદારી એક સ્ત્રી પર હોય છે. અને આ બધાની વચ્ચે તેનાં મન પર શું વીતે છે તે જોવા કોઈ હોતું નથી.
બાળકો સાથે પણ કંઈક આવું જ થતું હોય છે. આજનાં બાળકો એમ તો સમજુ થયાં છે કે સમયને માન આપી ખોટી માંગણી નથી કરતાં પણ મન તો તેમના પણ મરતા હોય છે અને એમાં ઓનલાઇન શિક્ષણ નાં કારણે ભણવામાં મન લાગતું નથી, મિત્રો થી દુર થઇ જાય છે, રમતગમત બંધ થઇ ગઇ છે, આની પરોક્ષ અસર તેમના નાજુક મન પર થઇ છે અને તે પણ વધારે પડતાં ચીડિયા સ્વભાવના થઇ ગયા છે.
સૌથી વધુ અસર તો આજના યુવાધન પર પડી છે જેમ ફુલ્લસ્પીડમાં ચાલતી ગાડીને બ્રેક મારવામાં આવે ત્યારે જેવું થાય એવું જ યુવાનો સાથે થઈ રહ્યું છે, જેમની આંખોમાં ઉજ્જવળ ભવિષ્યનાં સપનાઓ હોવાં જોઈએ તેમની આંખોમાં કંઈ ન કરી શકવાનો ડર અને ઉદાસી છે. કેટલાં યુવાનો તો અપઘાત સુધીના પગલાં લઈ લે છે તો કેટલાક એકલતાને પોતાની સાથે કરી લીધી હોય છે, આખો દિવસ રૂમમાં જ રહેવું, કામ પૂરતું જ બોલવું વગેરે યુવાવસ્થામાં જોવા મળે છે. આખો દિવસ સમય પસાર કરવા મોબાઈલનો અતિશય ઉપયોગ, અંદરથી તૂટી રહ્યું છે દેશનું યુવાધન.


















































