ભક્તિની વ્યાખ્યા
“જોયું? શ્રી કૃષ્ણ માટેની મીરાબાઈની ભક્તિ!”
ગીતાબહેને પૌત્ર ગોપાલને વાર્તા કહેતા સમજાવી રહ્યા હતા. ત્યાં તો ગોપાલના પપ્પા, ગણેશે મંદિરના રૂમમાંથી ગુસ્સામાં કર્કશ સ્વરે કહ્યું,
“કેટલો અવાજ થઈ રહ્યો છે! મારી પુજામાં ખલેલ પડે છે.”
ગીતાબહેને ગોપાલને બહાર રમવા મોકલ્યો અને
ઘડિયાળ સામે જોયું. દીકરા ગણેશની વર્તણુક પર ગુસ્સો આવતો અને દુઃખ પણ થતું.
“ગણેશ, અગિયાર વાગી ગયા, દુકાને ક્યારે જઈશ?”
ગણેશે છેલ્લું નમન કર્યું અને ઉભો થયો.
“ચિંતા ના કરો બા. શ્રી કૃષ્ણ બધું લીલાલેર કરશે.”
“શું કૃષ્ણ ભગવાન પોતે આવશે દુકાન ખોલવા?”
“બા, હું ભક્તિ પર ધ્યાન આપીશ તો કૃષ્ણ ભગવાન મારા પર મહેરબાની કરશે. આ વાત માબાપ છોકરાઓને સમજાવે, પણ આપણા ઘરમાં ઊંઘી ગંગા વહે છે.”
ગણેશ ઘરની બહાર નિકળ્યો અને ગીતાબહેને વિચાર્યું, “હાં બેટા, ઊંઘી ગંગા તો વહી રહી છે, મારે જ એને સીધી દિશા બતાવી પડશે.”
ગણેશની પત્ની સેજલ, ખૂબ જ સારી અને સહકારી હતી. પોતાની યોજનાનની સફળતા માટે ગીતાબહેને તેને વિશ્વાસમાં લીધી, અને બન્ને સાસુ વહુ મળી ગયા.
આવનારા દસ દિવસ સુધી ઘરનું કોઈ કામ નિયમિત નહોતા કરતા, ન સફાઈ, ન રસોઈ. ઘરમાં ભજન કિર્તન કરે, કે પછી સતસંગમાં ચાલ્યા જાય. ગણેશને સંભળાવવા માટે, ગીતાબહેન સેજલને કહેતા,
“પૂજા પાઠ અને ભક્તિમાં જ લીન રહેવું જોઈએ. ભગવાન રાજી થશે, તો બધા કામ ઉકેલાય જશે.”
થોડા દિવસ ગણેશ ચૂપ રહ્યો, પણ પછી એનો પારો ચડ્યો, “મારે ભોજન કરવા શું મંદિરના ઓટલે જવું પડશે?!!”
અજાણ હોવાનો ઢોંગ કરતા, ગીતાબહેને શાંતિથી કહ્યું, “અમે ફક્ત તારા બતાવેલા માર્ગદર્શન પર ચાલી રહ્યા છીએ”
ગણેશ ચોંક્યો. “શું મેં કહ્યું હતું, ઘરની જવાબદારી મૂકીને ભક્તિ કર્યા કરો?”
બાએ સ્મિત કર્યું, “ગણેશ, હવે તું ભક્તિની પરિભાષા સમજીશ. ભક્તિ, એટલે ડિવોશન. ભગવાનની હોય કે પોતાના કામ પ્રતિ. જીવનના દરેક શેત્રમાં સફળતા માટે ભક્તિ જરૂરી છે. કોઈ એકમાં આટલું મગ્ન નહીં થવાનું, કે બીજું વિસરાય જાય.”
ગણેશને પોતાની ભૂલનો એહસાસ થયો અને ભક્તિની ખરી વ્યાખ્યા સમજાણી. જેટલો કૃષ્ણ જોગી હતો એટલો જવાબદાર પણ બની ગયો.
શમીમ મર્ચન્ટ
____________________________


















































