ખાંગા થઈને તુટી પડેલાં મેઘને બે શબ્દો….
આ રીતે વ્હાલ કંઈ કરાય ?
ઊભરાયું હોય હેત
ટપલીક બે મારીએ
પણ સીધો કાંઈ ધુંબો મરાય?
ઓચિંતા આવીને
ધાબા લગ ઊછળીને
કરવાનું આવું તોફાન ?
શેરિયુંમાં તરતી
ઇ કાગળની હોડીયુંનું
થોડુંક તો રાખવુંતું ધ્યાન ?
ગામ આખું આવે
ભાઇ નદીયું માં ન્હાવા
પણ નદીયું થી ગામમાં ગરાય ?
આ રીતે વ્હાલ કંઇ કરાય?
એવું તો કેવું વરસાવ્યું
પળભરમાં તો આંખ્યુ પણ
ઓવરફલો થાય ?
ધસમસવું સારું,
પણ આટલું તો નહીં જ
જેમાં છેવટ એક ડૂમો રહી જાય.
ખેતર, અબોલ જીવ
શ્વાસ ચૂકી જાય
એવો ભીનો કાંઈ ચીંટીયો ભરાય ?
આ રીતે વ્હાલ કંઈ કરાય ?….
~ કૃષ્ણ દવે


















































