ગુજરાતી ન્યૂઝ ચેનલ ઉપર… સહુથી વધુ ત્રાસ થાય છે બે લાઇનના સમાચારને લાંબા કરવા ફરી ફરીને સાંભળવાનો અને શબ્દોનાં અર્થહીન પુનરાવર્તનનો.
ઉદાહરણ રુપે એક કાલ્પનિક ન્યુઝ આઇટમ મુકી છે. જેને ટીવી ગુજ.ન્યૂઝ ચેનલ કેવી રીતે રજૂ કરે!
“ અમદાવાદમાં આજે રમેશભાઇએ મગનલાલ સાથે ઝગડો થતાં હુમલો કર્યો.“
ન્યુઝ રીડર :
બ્રેકીંગ ન્યુઝ
અમદાવાદમાં આજે રમેશભાઇએ મગનલાલ સાથે ઝગડો થતા હુમલો કર્યો.
જી હા.
રમેશભાઇએ મગનલાલ પર હુમલો કર્યો છે.
આજ રોજ રમેશભાઇએ મગનલાલ પર હુમલો કર્યાના સમાચાર મળ્યા છે.
અમદાવાદમાં મગનલાલ સાથે રમેશભાઇને ઝગડો થતા હુમલાનો આ ગંભીર બનાવ બન્યો છે.
અમે આપને જણાવી ચૂક્યા છીએ કે હુમલાના આ બનાવમાં રમેશભાઇ અને મગનલાલ વચ્ચે ઝગડો થયો છે ને એને લીધે રમેશભાઇએ મગનલાલ પર હુમલો કર્યો છે. આ ઘટના અમદાવાદમાં બની છે, જ્યાં મગનલાલ સાથે ઝગડો થતા રમેશભાઇએ હુમલો કર્યો હતો.
અમદાવાદમાં આ ગમખ્વાર બનાવ પર અમારા સંવાદદાતા મીતા સતત નજર રાખી રહ્યા છે.
મીતા અમારી સાથે જોડાઇ ચૂક્યા છે.
આ અંગે મીતા પાસેથી વિગતો જાણીએ.
જી મીતા, આજરોજ અમદાવાદમાં રમેશભાઇએ મગનલાલ સાથે ઝગડો થતાં હુમલો કર્યો છે. તો આ અંગે તમારી પાસે વિશેષ વિગતો હોય તો જણાવો.
જી, સુરેખા
ચોક્કસથી,જો વાત કરવામાં આવે તો કહી શકાય કે આ હીચકારા હુમલામાં મગનલાલનું શર્ટ ફાટી ગયું હતું.
ખરેખર , ખાસ કરીને કહી શકાય કે આજરોજ અમદાવાદમાં જે છે તે કે રમેશભાઇએ મગનલાલ પર હુમલો કર્યો છે.
જોવા જઇએ તો ક્યાંક ને ક્યાંક આ હુમલો કરવા પાછળનું કારણ ઝગડો છે.
ખાસ કરીને તમે જોઇ શકો છે કે ક્યાંક ને ક્યાંક જે છે તે અમદાવાદમાં રમેશભાઇને મગનલાલ સાથે ઝગડો થયો તે આ હુમલા પાછળ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.
હું અમારા કેમેરા મેન સંદીપને વિનંતિ કરીશ કે એ ચોક્કસથી ઘટનાસ્થળનાં દ્રશ્ય બતાવે.
જી હા. આ જ એ ગોઝારું સ્થળ છે જ્યાં મગનલાલ પર રમેશભાઇએ કરપીણ હુમલો કર્યો હતો. ઝગડાને કારણે જે છે તે આ હુમલો થયો હતો.
સામાન્ય રીતે વાત કરીએ તો આ તમામ જે દ્રશ્યો તમે જોઇ રહ્યાં છો તે તમામ દ્રશ્યો એ સ્થળનાં છે.
ચોક્કસથી અમદાવાદ ખાતે રમેશભાઇ અને મગનલાલ વચ્ચે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ઝગડો થયો છે તે એને માટે જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.
રમેશભાઇએ મગનલાલ પર ઝગડાને કારણે હુમલો કર્યો એને કારણે આપ જોઇ શકો છો કે
તમામ પ્રકારની ખાસ કરીને તપાસ કરવામાં આવી રહી છે.
જી.
ન્યુઝ રીડર :
આભાર મીતા આ સુંદર માહિતી આપવા બદલ.
તો આપે જોયું કે અમારા સંવાદાતાએ ગ્રાઉન્ડ ઝીરો પરથી આપેલી માહિતી મુજબ ક્યાંક ને ક્યાંક અમદાવાદના રમેશભાઇ સાથે થયેલ મગનભાઇનો ઝગડો જે છે તે આ હુમલાનું કારણ બન્યો.
હુમલા પાછળ જોઇ શકાય છે કે ક્યાંક ને ક્યાંક રમેશ ભાઇનો મગનલાલ સાથે ઝગડો થયો હતો.અમદાવાદમાં રમેશભાઇ ને મગનલાલ સાથે થયેલ ઝગડો હુમલાનું કારણ છે એમ બહાર આવ્યું છે.
????????
આને કહેવાય માનસિક ત્રાસ.?


















































