બાકી સઘળું ઈશ્વર કરશે…..
તું તારા હિસ્સાનું કરજે,
બાકી સઘળું ઈશ્વર કરશે;
શ્રદ્ધાપૂર્વક માથું ધરજે,
બાકી સઘળું ઈશ્વર કરશે.
સારી નરસી વેળા આવે,
હિમ્મત રાખી આગળ વધજે;
શ્વાસે શ્વાસે એને સ્મરજે
બાકી સઘળું ઈશ્વર કરશે.
દરિયામાં ઝંઝા તોફાનો,
સાવ સહજ એ ઘટનાક્રમ છે;
તું કેવળ જુસ્સાથી તરજે
બાકી સઘળું ઈશ્વર કરશે.
જીવનમાં જે કંઇ મળશે,
એની ઈચ્છા છે સમજીને;
અંતે એના ચરણે ધરજે
બાકી સઘળું ઈશ્વર કરશે.
જ્યાં પહોંચીને એવું લાગે
પોતીકાં પણ આઘા ભાગે;
ત્યાંથી તુર્તજ પાછો ફરજે
બાકી સઘળું ઈશ્વર કરશે.
જેવું છે એવું જાણીને,
જીવન આખ્ખુએ માણીને;
મૃત્યુ આવે ત્યારે મરજે
બાકી સઘળું ઈશ્વર કરશે.
તારું હોવું કેવળ એના
આયોજનનો હિસ્સો ‘નાદાન’;
સત કર્મોનું ભાથું ભરજે
બાકી સઘળું ઈશ્વર કરશે.
દિનેશ ડોંગરે ‘નાદાન’


















































