“શું ભાભી! ભાઈને પરલોક સિધાર્યાને છ મહિના નથી થયા, અને તમે ઘરે ઘરે માંગવા નિકળ્યા?”
દિયર, રાજેશના મોઢે મહેણાં ટોણા સાંભળીને મને આઘાત સાથે દુઃખ એટલે થયું, કે તકલીફના વખતે સગા મદદ નહીં કરે તો કોણ કરશે? તે છતાં, મેં ધીરજ રાખતા કહ્યું,
“તમારા ભાઈ જે દેવું મૂકી ગયા હતા, એ ચૂકવતા ચૂકવતા મારી કમર તૂટી ગઈ. જો દિનેશની એન્જીનયરિંગ કોલેજના પૈસા નહીં ભરીએ, તો એને એડમિશન નહીં મળે. હું વચન આપું છું, એક વર્ષમાં તમારા પૈસા ચુકવી દઈશ.”
રાજેશ કટાક્ષમાં હંસ્યો,
“અચ્છા! એવો કયો ચમત્કાર થશે, કે તમે એક વર્ષમાં મને બે લાખ રૂપિયા પાછા આપશો?”
મારા આંસુ છલકવાની કગાર પર હતા.
“ખૂબ મહેનત કરીશ અને તમારી એક એક પાઈ….”
“ના બાપા! મારી પાસે બાપદાદાની મિલકત નથી કે દાન કરતો ફરું. જો ભાભી, તમારામાં તાકત નથીને, તો દિનેશને એન્જિનિયર બનાવવાની શું જરૂર છે?”
હું દુઃખ અને નિરાશા સાથે દિયરના કડવા વેણ પી ગઈ, પરંતુ મારો સંકલ્પ ન મુક્યો. દિનેશને એન્જિનિયર બનાવવું, એના પપ્પા, દિલિપનું સપનું હતું. એને કેવી રીતે અવગણી શકાય? દિલિપની બીમારીની પાછળ બધી મૂડી જતી રહી, નહિતર આમારા આવા દિવસો હોત?
દિનેશે ખૂબ વાંધો ઉપાડ્યો, પણ મેં એની એક ન સાંભળી. પોતાનું ઘર વેચીને, અમે ભાડાના ઘરમાં રહેવા જતા રહ્યા. કેટરિંગ સર્વિસની સાથે, મેં ટેલરિંગના ઓર્ડર્સ પણ લેવાનું શરૂ કર્યું. દિનેશને માત્ર તેના ભણતર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો કડક આદેશ આપ્યો.
પાંચ વર્ષના સંઘર્ષ પછી, આખરે મારો પુત્ર એન્જિનિયર બન્યો. ભગવાનના આશીર્વાદથી, દિનેશને એક મોટી કંપનીમાં સારી નોકરી મળી. અમારા દિવસો ઉજ્જવળ દેખાવા લાગ્યા. બે વર્ષ પછી, તેની કંપનીએ દિનેશને અમેરિકા મોકલવાનું નક્કી કર્યું.
રાજેશના કાને આ વાત પહોંચી, અને એણે એક રાત અમને જમવા પર આમંત્રિત કર્યા.
“વાહ દિનેશ વાહ! મને તારા પર ગર્વ છે. આખરે તે મોટા ભાઈનું નામ રોશન કર્યું. બેટા, તું અમેરિકામાં સેટ થઈ જાય, પછી પ્રયત્ન કરજે, કે રોહન પણ ત્યાં આવી શકે. એટલું કરીશ ને તારા નાના ભાઈ માટે?”
જ્યારે અમે ઘરે પાછા જઈ રહ્યા હતા, ત્યારે કાર ચલાવતી વખતે, દિનેશે ટિપ્પણી કરી, “મમ્મી, કેવી તો બાજી પલટી ગઈ? અવિશ્વસનીય, કે તે એ જ કાકા છે જેમણે વર્ષો પહેલા આપણું અપમાન કર્યું હતું.”
ઉદાસી ભર્યા સ્મિત સાથે, હું માત્ર એક જ વાક્ય બોલી.
“હા દીકરા. કહેવાયને, પૂજે જનો સૌ ઉગતાં રવિને!”
શમીમ મર્ચન્ટ,


















































