સત્યજીત ખાસ રજા મંજૂર કરાવી અને પોતાના ગામ ૫ વર્ષની આકરી આર્મીની ટ્રેનીંગ પૂર્ણ કરી આવી રહ્યો હતો. આ ખબર તેના ગામમાં પહોંચતા જ આખા ગામમાં ઉજાણીનો માહોલ બની ગયો. તેના ગામમાંથી તે પહેલો યુવક હતો જે ભારતીય સેનામાં જોડાયો હતો. જેવો તે બસમાંથી નીચે ઉતર્યો કે આખું ગામ તેના સ્વાગતમાં ઉમટી પડ્યું, નાના મોટા ગામના એક એક વ્યક્તિ તેની એક ઝલક જોવા માટે આતુર થતાં હતા. ગામમાં એવો માહોલ બની ગયો જાણે કે કોઈ બહુ મોટો નામચીન વ્યક્તિ આવ્યો હોય. સત્યજીતે કામ પણ એવું કરેલું, અને એમાં પાછો એના ગામના દરેક પરિવારનો એ લાડકો.
આ બધી ઉજાણીમાં એક તરફ ઊભી રહેલી નિશા, દૂરથી જ સત્યજીતને નિહાળી રહી છે, ખૂબ જ ગૌરવ અનુભવે છે કે જેને એ બાળપણથી પ્રેમ કરે છે તે આજે ભારતીય સેનામાં પસંદ થયો છે. બીજી એ વાતની ખુશી છે કે તે ખાસ રજા મંજૂર કરાવીને આવ્યો છે એટલે બન્ને નું સગપણ નક્કી થશે અને બન્ને વિવાહના એક તાંતણે બંધાઈ જશે. સત્યજીતની આંખો પણ ધોળા દિવસે નિશાને શોધી રહી છે, અને તે એને થોડે દૂર એક ઝાડ પાસે દેખાય છે. સત્યજીત બધાના આશીર્વાદ લઈને નિશા તરફ દોટ મૂકે છે, તેની પાસે આવીને તેને ગળે લગાવી લે છે.
“૫ વર્ષ પછી આજે તને જોવ છું, આ ૫ વર્ષમાં તારા માટે ખૂબ જ અધીરો બની ગયો છે. આજે જ તારા બાપુ પાસે આવીને સગપણની વિધિ નક્કી કરી લેવી છે, હવે આ વિરહ વધુ સહન નહીં થાય, હવે તો લગ્નની ઉજાણી કરવી છે, તારા ને મારા પ્રેમની ઉજાણી કરવી છે.” સત્યજીતે એક શ્વાસે મનની વાત કહી દીધી. નિશા શરમાઈને ત્યાંથી દોડી ગઈ સીધા તેના બાપુ પાસે. સાંજ પડે સત્યજીતનો પરિવાર, નિશાના ઘરે આવે છે અને તેનું સગપણ નક્કી કરે છે. ત્યાં ને ત્યાં જ બન્નેના ગોળધાણા ખવાય છે અને લગ્નની તારીખ પણ. બન્નેના ઘરમાં ઉજાણીનો માહોલ શરૂ થઈ ચૂક્યો છે, જાત જાતના પકવાનો, મહેમાનો ઘરમાં આવવા લાગ્યા છે.
લગ્નની આગલી રાત્રે ચોરી છૂપે સત્યજીત અને નિશા મળવાનું નક્કી કરે છે, પોતાના મનની વાતો કરવા માટે. સત્યજીતે મળીને નિશાને એ વાતે તૈયાર કરી કે તે એક ભારતીય સૈનિકની પત્ની બનવા જઈ રહી છે અને ભારતીય સૈનિકની પત્ની ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં ઢીલી ના પડવી જોઈએ. યુદ્ધ થાય અને સત્યજીતને જો તેમાં જવાનું થાય તો, નિશાનો પ્રેમ તેને દુર્બળ નહીં પરંતુ તાકાત આપવો જોઈએ, વિરાહનું દુખ નહીં, દેશ માટે યુદ્ધ કરે છે તે માટેની મનમાં ઉજાણી હોવી જોઈએ.
બીજા દિવસે લગ્ન લેવાયા અને ફેરા ફરતા સમયે અચાનક જ, બોર્ડર પરથી એક સંદેશો આવે છે કે, લદાખ પર ચીનના સૈનિકો ઘૂસણખોરી કરી રહ્યા છે એટલે, સ્પેશિયલ ફોર્સના બધા જ સૈનિકોની રજા તાત્કાલિક નામંજૂર કરવામાં આવી છે અને સત્યજીતને આ મિશન માટે લીડર નિયુક્ત કરેલ છે, તેને કોઈ પણ કામ મૂકીને તાત્કાલિક લદાખ બોર્ડર પર આજે જ રિપોર્ટ કરવાનું છે. સત્યજીત માટે ધર્મસંકટ છે, અધૂરા લગ્ન પૂરા કરવા કે લગ્ન મૂકીને દેશ માટે રવાના થવું. ખૂબ જ વ્યથિત હાલતમાં તે એ સમજી નથી શકતો કે શું આ તેના લગ્નની ખુશી, ઉજાણી ફક્ત ક્ષણિક જ હતી?
નિશા, સત્યજીતના મનની હાલત સમજી જાય છે અને, તેનો હાથ પકડીને મંડપ પરથી તેને નીચે ઉતારીને કહે છે, “દેશ સૌથી પહેલા છે મારા માટે, લગ્ન તો ફક્ત એક રીતિ છે, રિવાજ છે, હું તો તને મનથી પરણેલી છું. મારા માટે તો એજ ઉજાણી છે કે મે તને પસંદ કર્યો અને એવા વ્યક્તિને પસંદ કર્યો જે મને ખુશ રાખવા માટે આ યુદ્ધમાં જશે અને દુશ્મનને હરાવીને આવશે. મારા માટે એજ સાચી ઉજાણી હશે લગ્નની.” સત્યજીતનું કઠણ કાળજું પણ ત્યારે રડી પડ્યું અને તેણે ગર્વથી કહ્યું, “મારી શક્તિ, મારી હિંમત જો મને દેશ માટે બલિદાન આપવા ખુશી ખુશી કહી દે છે, તો એના થી સૌથી મોટી મારા જીવનની ઉજાણી શું હોય. સત્યજીત, અંદર જઈ યુનિફોર્મ પહેરી બહાર આવે છે ત્યારે તે બહાર આવી સૌથી પહેલું સેલ્યુટ નિશાને કરે છે અને તેને માથા પર ચૂમી વિદાય લે છે.
સમય રણના રેતીની જેમ ઊડતો જાય છે અને ૩ વર્ષ પછી, બોર્ડર પર બધુ સામન્ય થતાં સત્યજીત પાછો આવે છે અને નિશા સાથે તેના અધૂરા લગ્ન પૂરા કરીને તેના જીવનની આ નવી ઉજાણી સુખભરી રીતે જીવે છે.


















































