દરેક જીવને આંતરિક રીતે સ્વતંત્રતા અને નિર્ભયતા પસંદ છે. જીવનપર્યંત તે ઈચ્છે છે કે તેના જીવનમાં કોઈ પ્રકારના બંધનો ન હોય અને તે પોતાની ઇચ્છા પ્રમાણે જીવી શકે. ઉપરાંત કોઈ પ્રકારના ભય તેને સતાવે નહીં પરંતુ કમનસીબે વ્યક્તિ આજીવન પરતંત્ર અને ભયભીત જીવન જ જીવતો હોય છે અથવા અજ્ઞાનવશ એવું જીવન જીવવા તે મજબૂર છે. તેનું એક કારણ એ છે કે જન્મની સાથે જ તે શરીર અને સંબંધો સાથે બંધાઈ જાય છે અને બંધન એ જ પરતંત્રતા છે. બંધાયેલો માણસ કદી સ્વતંત્ર ન હોઈ શકે કેમકે તે કોઈ સાથે બંધાઈ ચૂક્યો છે. બંધનમાંથી છૂટે તો તે સ્વતંત્ર થાય. વળી બંધનમાં અનેક પ્રકારના ભય હોય એ તો સ્વાભાવિક જ છે. આ ભય અને પરતંત્રતા એકબીજાની સાથે સખત રીતે સંકળાયેલા છે, એક સિક્કાની બે બાજુ જેવા છે. જેની સાથે આપણે બંધાતા જઈએ છીએ તેને અજ્ઞાનવશ પોતાના સમજી બેસીએ છીએ અને તે છૂટી જશે તો શું થશે તે અંગેનો ડર જીવનભર સતાવે છે જેમ કે જન્મ સાથે જ આપણે આપણા શરીર સાથે તાદાત્મ્ય સાધી લઈએ છીએ તેને પોતાનું સમજવા માંડીયે છીએ જેના કારણે શરીર પર થતી ઇજા, શરીરને પડતી તકલીફોમાં દુઃખ અને પીડાની અનુભૂતિ કરીએ છીએ. એ જ ઇજા, દુઃખ અને પીડા કોઈ બીજાના શરીર પર જ્યારે થાય ત્યારે તેનો અનુભવ આપણે કરી શકતા નથી કારણ કે તે આપણું નથી તેની સાથે આપણે તાદાત્મ્ય કેળવ્યુ નથી. નાની-મોટી બીમારી કે તકલીફો એ તો શરીરનો ધર્મ છે તેમ છતાં આપણે તેનાથી ભયભીત થઈ જઈએ છીએ કે હવે મારૂ શું થશે. એ જ રીતે જન્મથી મળતું આ શરીર આપણને અનેક સંબંધો સાથે જોડી દે છે. જે આપણને અતિશય પરતંત્ર બનાવે છે.

આપણે આપણી ઇચ્છા પ્રમાણે જીવી જ શકતા નથી. આપણી સાથે જોડાયેલ વ્યક્તિઓને ખુશ રાખવામાં, કુટુંબમાં કલેશ ન થાય, વાતાવરણ ન બગડે તે હેતુથી સતત જીવન સાથે સમાધાન કરતા રહીએ છીએ અને પોતાની સ્વતંત્રતાને ઈચ્છાને ભૂલી જઈએ છીએ. પરંતુ આત્માનો તો મૂળભૂત સ્વભાવ જ સ્વતંત્ર હોવાથી અંદરખાને આપણે સતત પોતાની ઈચ્છા પ્રમાણે જીવી ન શકવાનો અફસોસ કરતાં રહીએ છીએ અને દુઃખી રહીએ છીએ. આવું થવા પાછળનું કારણ પણ માત્ર એટલું જ છે કે આપણે જે સંબંધોને અજ્ઞાનવશ પોતાના સમજી બેઠા છીએ તે આપણાથી ક્યાંક રિસાઈ ન જાય, છૂટી ન જાય. આમ સંબંધો છૂટવાનો કે તૂટવાનો ડર આપણને જીવનભર છોડતો નથી. જેના કારણે આપણે સતત ભયભીત રહીએ છીએ અને પરતંત્રતા અનુભવીએ છીએ. એ જ રીતે જીવનભર આપણને આપણાં કે અન્યના અનુભવ દ્વારા એ જ સમજાયું છે કે જીવનમાં તમામ પ્રકારની સુખસગવડ અને સાહિબી માટે ધન આવશ્યક છે અને તેની પ્રાપ્તિની દોડમાં આપણે અનેક અનૈતિકતા, અપ્રમાણિકતા સાથે જાણે-અજાણે જોડાઈ જઈએ છીએ અને જોડાવું તે જ તો બંધન છે જે વાસ્તવમાં આપણાં આત્માને માફક આવતું નથી પરંતુ ઉદ્દેશ્ય પ્રાપ્તિના સ્વાર્થમાં મજબૂરીથી કરવું પડે છે. જે જીવનમાં અનેક મુશ્કેલીઓનું સર્જન કરે છે. વિભિન્ન પ્રકારની પરતંત્રતા અને અનેક પાપયુક્ત કર્મો દ્વારા જ્યારે ધનપ્રાપ્તિનો ઉદ્દેશો સફળ થઈ જાય છે ત્યારે પણ આટલી મહેનતથી મેળવેલ ધન ગુમાવવાનો ડર જીવનભર સતાવે છે કે કોઈ મારું ધન છીનવી તો નહીં લે ને, ચોરી તો નહીં થઈ જાય ને, ધન માટે મારી સાથે કોઈ વિશ્વાસઘાત તો નહીં કરે ને વગેરે વગેરે.
આમ શરીર, સંબંધો, ધન, માન-પ્રતિષ્ઠા વગેરે દરેક મેળવવા આપણે કોઈને કોઈ સાધનો સાથે જોડાવું પડે છે જે બંધન ઊભા કરે છે અને સ્વતંત્રતા છીનવાઈ જાય છે. વળી તમામની પ્રાપ્તિ બાદ ગુમાવવાનો ડર સતાવે છે આ રીતે સતત અવિરત પરતંત્ર અને ભયભીત જીવન-મરણની યાત્રા ચાલ્યા જ કરે છે. જીવ ક્યારેય નિર્ભય કે સ્વતંત્ર બની શકતો જ નથી. પરંતુ તે જીવનની દરેક ક્ષણે ઈચ્છે છે માત્ર બે જ વસ્તુ નિર્ભયતા અને સ્વતંત્રતા કારણકે નિર્ભય અને સ્વતંત્ર જીવન એટલે જ દિવ્યજીવન. દિવ્યજીવન દરેક આત્માની એક માત્ર કાયમી ઇચ્છા છે. દિવ્યજીવન એટલે સદગુણોયુક્ત જીવન એટલે કે પ્રેમ, સ્નેહ, દયા, સત્ય, અહિંસા, પવિત્રતા, ક્ષમા, સરળતા, ઋજુતા, વિનય, વિવેક, નિસ્વાર્થતતા, ધૈર્ય, સહનશક્તિ સભર નૈતિક અને મૂલ્યવાન જીવન. આવા જીવનની પ્રાપ્તિ સાથે જ વ્યક્તિની સ્વતંત્ર અને નિર્ભય બનવાની યાત્રા ઝડપી બને છે. દિવ્યજીવનનો અર્થ છે સત-ચિત-આનંદયુક્ત જીવન એટલે સત્યસભર ચૈતન્ય અને જ્ઞાનમય તેમજ આનંદયુક્ત જીવન. આવું જીવન મેળવવા સત્યની સાધના કરવી પડે, જ્ઞાનપ્રાપ્તિ કરવી પડે ચૈતન્યમય ઊર્જાપ્રાપ્તિનો કઠિન પ્રમાણિક પ્રયાસ કરવો પડે. જેના માટે જીવનમાંથી અનેક પ્રકારના દુર્ગુણો કષાયો અશુદ્ધિઓની બાદબાકી કરવી પડે. દિવ્યજીવન એટલે જ કષાયોમુક્ત દુર્ગુણો વગરનું અશુધ્ધિઑથી મુક્ત જીવન. મનુષ્યજીવનની મુખ્ય અશુદ્ધિઓ જે યુગોથી આત્માને વળગી છે તે છે કામ-ક્રોધ, મોહ-માયા, લોભ-લાલચ, અહંકાર અને ઈર્ષા. આ તમામ અશુદ્ધિઑને દૂર કર્યા સિવાય દિવ્યજીવનની પ્રાપ્તિ શક્ય નથી અને એ વગર સ્વતંત્ર અને નિર્ભય જીવન પણ અશક્ય છે.

શાસ્ત્રો અનુસાર દિવ્યજીવનની પ્રાપ્તિના મુખ્ય અવરોધો ત્રણ પ્રકારના મળ છે
1) અહંકાર
2) કર્મ અને
3) માયા.
શાસ્ત્રો જણાવે છે કે જીવ જ્યાં સુધી આ ત્રણ ભયંકર મળ (અશુદ્ધિ) માંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી સ્વતંત્ર અને નિર્ભય જીવન જીવી શકશે નહીં. જીવમાત્ર જન્મની સાથે જ આ ત્રણ મળ સાથે જોડાઈ જાય છે અને પછી અજ્ઞાનતાવશ તેમાંથી છૂટી શકતો નથી. અહંકાર એટલે “હુંપણું” જે વ્યક્તિને અન્યથી જુદો પાડી દે છે. પરંતુ જીવની સાચી શક્તિ, સ્વતંત્રતા અને નિર્ભયતા તો સૃષ્ટિના દરેક તત્વ સાથે જોડાઈ રહેવાથી જ પ્રાપ્ત થાય છે. આવું જોડાણ અહંકાર થવા દેતો નથી. અહંકારયુક્ત વ્યક્તિ પોતાને બીજાથી ચડિયાતો ખાસ અને હોશિયાર સમજવા માંડે છે અને બીજાને નબળા હલકા અને અયોગ્ય જાણે છે જ્યાંથી રાગ-દ્વેષ ઉદ્ભવે છે અનેક શત્રુઓ પેદા થાય છે અને દુશ્મનીયુક્ત યાત્રામાં અનેક પ્રકારના ભય સતાવે એ તો સમજી શકાય તેવી સ્વાભાવિક વાત છે. ભયથી છુટવા વ્યક્તિએ અહંકારથી છૂટવું પડે. કોઈની સાથે કોઈ પ્રકારની દુશ્મની જ ન હોય દરેક સાથે પ્રેમ અને મિત્રતા જ હોય તો પછી ડર શેનો, ભયની જીવનમાંથી આપોઆપ બાદબાકી થઇ જાય. જો પ્રેમ અને મિત્રતાયુક્ત વાતાવરણમાં જીવવામાં આવે તો વ્યક્તિ અવશ્ય નિર્ભય બની જાય. અહંકાર બાદ બીજો મળ છે કર્મ જે મનુષ્યના જીવનને ભયભીત અને પરતંત્ર બનાવે છે અથવા દિવ્ય જીવનથી દૂર રાખે છે. જન્મ સાથે આપણે અનેક કાર્યો સાથે જોડાઈ જઈએ છીએ કેમકે કાર્યો વગરનું જીવન તો શક્ય જ નથી. પરંતુ દરેક કાર્યો કે ક્રિયા એ કર્મ નથી વળી કાર્યો કે ક્રિયા વ્યક્તિને પરેશાન કરતી નથી માત્ર કર્મો જ પરેશાન કરે છે. કોઈપણ કાર્ય કે ક્રિયા જ્યારે વ્યક્તિગત સ્વાર્થ અને સંકલ્પ સાથે કરવામાં આવે ત્યારે તે કર્મ બની જાય છે અને કર્મ આત્માને જકડી લે છે, તેની સાથે ચોંટી જાય છે પછી તેમાંથી છૂટવું આત્મા માટે મુશ્કેલ બને છે. જેથી શાસ્ત્રો કર્મને આત્માનો મળ કહે છે, આત્માને વળગેલી અશુધ્ધિ કહે છે અને આપણે સૌ જાણીએ છીએ કે શરીરનો મળ પણ જો ચોંટી જાય તો રોગનું ઘર બને છે એ જ રીતે આત્માનો મળ પણ સખત હાનિકારક છે. એ જ રીતે ત્રીજો મળ માયા પણ અતિ ખતરનાક છે. માયા એક પ્રકારનું આવરણ ઊભું કરે છે જેના કારણે વ્યક્તિ સત્યદર્શન કરી શકતી નથી. તેને સત્ય અસત્ય ભાસે છે અયોગ્ય બધું યોગ્ય લાગે છે અને વ્યક્તિ અયોગ્ય, અસત્ય અને અનૈતિકતાઓ સાથે ગાઢ રીતે જોડાતી જાય છે. જે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જે છે. જે વ્યક્તિને અવિરત ભયભીત કરે છે અને પરતંત્ર બનાવી દે છે. ધીરે-ધીરે વ્યક્તિ પોતાની શક્તિ ગુમાવતો જાય છે કેમ કે કોઈના કાબૂમાં હોય તેવી ગુલામ વ્યક્તિ કદી લાંબો સમય શક્તિશાળી રહી શકે નહીં. આપણો આત્મા જ્યારે આવા ત્રણ પ્રકારના મળ (અહંકાર-કર્મ-માયા) નો ગુલામ બને છે ત્યારે પોતાની તમામ શક્તિ ખોઈ બેસે છે. દિવ્યજીવનની અપેક્ષા રાખનાર તેમ જ નિર્ભય અને સ્વતંત્ર જીવન ઇચ્છનાર વ્યક્તિએ અહંકાર કર્મ અને માયાની ચુંગલમાંથી પોતાની જાતને બને એટલી સત્વરે સ્વતંત્ર કરવી પડે. જેના માટે જ્ઞાનયુક્ત સાધના આવશ્યક છે.
સાધના એટલે સમજણપૂર્વકનો ઉદ્દેશ્યપ્રાપ્તિ માટેનો અવિરત પુરુષાર્થ. ઉત્સાહપૂર્વક અંતિમ ઉદ્દેશ સુધી નિરંતર અભ્યાસ દ્વારા પ્રયાસ કરતા રહેવું અને એ પણ ધીરજ ગુમાવ્યા વગર સંપૂર્ણ શ્રદ્ધા સાથે તેનું નામ સાધના. સાધના પણ સાચા જ્ઞાન વગર શક્ય નથી. સાચું જ્ઞાન એટલે આત્મા પરમાત્માની ઊંડી સમજણ જે શ્રદ્ધા વગર પ્રાપ્ત થઈ શકે નહીં કેમકે જે વ્યક્તિને આત્મા કે પરમાત્મા જેવી વિભાવનાઓ પર વિશ્વાસ જ નથી તે તો આ શરીરને જ આત્મા સમજવાનો જેથી આત્માપ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો તો સવાલ જ ઉદભવતો નથી. હવે જો પ્રયત્નો શરૂ જ ન થાય તો નિરંતર અભ્યાસની તો વાત જ ક્યાંથી આવે અને જ્ઞાનયુક્ત નિરંતર અભ્યાસ વગર વાસ્તવિકતાને સમજવી કે સ્વતંત્ર અને નિર્ભય બનવું શક્ય નથી. નિર્ભયતા અને સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા વગર દિવ્યજીવનની પ્રાપ્તિ (સંપૂર્ણ સુખ-શાંતિમય સ્વર્ગ જેવી જિંદગી) શક્ય નથી. આપણને બધાને આવી સ્વર્ગ સમાન જિંદગી જોઈએ તો છે પરંતુ તે માટે જરૂરી સાધના કરવાની આપણી તૈયારી નથી અથવા તો કહો કે સાધના અંગે આપણા મનમાં શ્રદ્ધા નથી જેથી ઉદ્દેશ્ય પ્રાપ્તિ થઈ શકતી નથી. આ તો પૈસાદાર બનવું છે પરંતુ તે અંગેનો પુરુષાર્થ કરવો નથી એ તે કેમ બને. ટૂંકમાં નિર્ભયતા અને સ્વતંત્રતાનું અસ્તિત્વ દિવ્યજીવનમાં જ સમાયેલું છે એ તો સમજવું જ રહ્યું.

આપણું ઇહલોકજીવન આત્મિક જીવન (પરલોકજીવન-અલૌકિક જીવન) ની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જ છે અને એ અર્થમાં જ મનુષ્યજીવન ક્ષણિક અને ક્ષણભંગુર હોવા છતાં આશીર્વાદરૂપ છે કેમ કે તેના દ્વારા જ સદાચારયુક્ત જીવન જીવી અનંત શાશ્વત અને દિવ્ય સાતત્ય તરફ પ્રગતિ કરી શકાય છે. એ દૃષ્ટિએ આ સંસાર અપૂર્ણ અને અનેક ખામીઓથી ભરેલો હોવા છતાં આશીર્વાદરૂપ છે કેમકે અહીંયા જ (એટલે કે સંસાર સંબંધો શરીર વગેરે દ્વારા જ) આપણે ઘણું બધું શીખવાનું છે. સામાન્ય લાગતા જીવનને નિર્ભયતા અને સ્વતંત્રતા સાથે દિવ્ય જીવન બનાવવાનું છે. તો ચાલો રેતની જેમ જીવન હાથમાંથી સરી જાય તે પહેલા જાગી જઈએ અને દિવ્યતાની પ્રાપ્તિનો પ્રામાણિક પ્રયત્ન કરી લઈએ જેથી પસ્તાવું ન પડે. શરીર છે જેથી તેની સાથે જોડાયેલ રોગ બીમારી અને મૃત્યુનો ડર કે ભય હંમેશા રહેવાનો, એ જ રીતે સંબંધો છે એટલે છૂટી જવાનો કે તૂટી જવાનો ભય પણ રહેવાનો, સત્તા અને ધન પ્રાપ્ત કર્યા પછી ગુમાવી દેવાનો ભય તો રહેવાનો જ. આમ પરતંત્રતા અને ભય પાછળ જવાબદાર કારણ શરીર, સંબંધો, ધન, પ્રતિષ્ઠા જેવી અનેક બાબતો સાથેનું જોડાણ છે. જોડાણ પાછળ જન્મ જવાબદાર છે અને જન્મ અજ્ઞાન, કર્મ અને ઈચ્છાને આધીન છે. એ દૃષ્ટિએ જન્મ લેનાર દરેક જીવ પરતંત્ર અને ભયભીત રહેવાનો જ. જો એણે નિર્ભયતા અને સ્વતંત્રતા મેળવી હોય તો તેણે જન્મ અને જોડાણથી બચવું પડે. તાત્કાલિક ધોરણે સંપૂર્ણ જોડાણથી છૂટી ન શકાય તો પણ શક્ય એટલા જોડાણ જીવનમાં ઓછા અવશ્ય કરી શકાય.
શિલ્પા શાહ


















































