નમસ્તે! આજના આધુનિક ભારતની સૌથી જૂની ઓળખ. આપણી સંસ્કૃતિ ઐતિહાસિક છે અને એ કહેવું ખોટું નહીં કે સૌથી પ્રાચીન સંસ્કૃતિ આંખા વિશ્વમાં કોઈ છે તો એ ભારતીય સંસ્કૃતિ છે. નમસ્તે શબ્દ મૂળ સંસ્કૃત ભાષામાંથી આવેલો છે. જો નમસ્તેની સંધિ વિગ્રહ કરીએ તો નમ: + તે બને છે, જેનો અર્થ કરીએ તો નમ: એટલે જુકવું અને તે એટલે તમારી સામે, તો સંધિ જોડી જ્યારે નમસ્તે બને છે, તેનો અર્થ એવો થયો કે તમારી સામે જુકીને પ્રણામ કરું છું. કોઈ વ્યક્તિને નમસ્કાર કહેતી વખતે, આપણે આપણા બંને હાથ સમાન સ્થિતિમાં રાખવા જોઈએ. બધી આંગળીઓ અને અંગૂઠા સમાન હોવા જોઈએ અને બંને હાથ જોડાવા જોઈએ. આ પછી, બંને હાથ તમારા હૃદય સાથે જોડાયેલા હોવા જોઈએ. તેની લાગણી એ છે કે અમે અમારા હૃદયથી તમારું સન્માન કરીએ છીએ, તમારી સામે અમે વિનમ્ર છીએ.
આપણી પરંપરા લગભગ ૫૦૦૦ વર્ષ જૂની છે છતાં પણ આજે આપણી પરંપરાઓ વિશે દુનિયાભરમાં સારી વાતો થઈ રહી છે. ખૂબ જ પ્રખ્યાત ફિલ્મ નમસ્તે લંડન ફિલ્મમાં સુપ્રસિદ્ધ કલાકાર અક્ષય કુમારનો પણ એક પ્રખ્યાત ડાઈલોગ છે, “હમારી ૫૦૦૦ સાલ પુરાની પરંપરા કી વજહ સે હમ સભી કો જુક કે નમસ્તે કરતે હૈ ક્યૂ કી હમ કિસીકો ભી અપને સે બડા યા છોટા નહિ સમજતે.” ૨૦૦૭ માં આવેલ આ ફિલ્મ ઘણા યુવાનોએ કદાચ નહીં જોઈ હોય પણ એકવાર જોયા બાદ એ ખ્યાલ આવે કે એક નમસ્તેને કારણે ભારત દેશ બાકી બધા જ દેશો કરતાં અલગ ઓળખાઈ આવે છે.
સુર્ય નમસ્કારમાં પણ નમસ્તે ને એક આસન તરીકે ગણવામાં આવ્યું છે. આપણાં યોગ મહર્ષિ પતંજલિએ જે યોગશાસ્ત્ર બનાવ્યું એમાં જ પ્રથમ ચરણમાં કહ્યું છે ધ્યાન આજ્ઞા ચક્ર પર કેન્દ્રિત કરો. આપણે એ નમસ્તે ને ફક્ત એક ઔપચારિકતા સમજી લીધી જે ખરેખર એક આસન છે અને જેનાં કારણે તમને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ મળે છે. એ જ યોગનું મહત્વ સમજીને દર વર્ષે ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ.
ઘણાબધા મનોવૈજ્ઞાનિક સંશોધનો પણ થયા કે એવું તો ખાસ શું છે આ નમસ્તેમાં? એક જ નિષ્કર્ષ આવ્યું જે દુનિયાભરના મનોવૈજ્ઞાનિક માની ગયા કે નમસ્તેને કારણે તમે જુકીને હાથ જોડીને ઊભા છો જેથી તમે ઉચ્ચેથી બોલી નથી શકતા જે દર્શાવે છે કે તમે સામે વાળા વ્યક્તિનું સમ્માન જાળવી રાખો છો, એ વ્યક્તિનું તમે વિનમ્ર બની અભિવાદન કરો છો. આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો બન્ને હાથમાં એક એક નાડી છે, ડાબા હાથમાં ઇડા અને જમણા હાથમાં પિંગલા, તો બન્ને હાથ ભેગા કરી માથું શ્રદ્ધાથી જ્યારે જુકાવીએ છીએ ત્યારે શરીરમાં લોહીનો સંચાર વધે છે અને જીવનમાં એક સકારાત્મકતા આવે છે અને નકારાત્મકતા ધીરે ધીરે ઓછી થાય છે.
વર્ષોથી જે લોકો નમસ્તે કરતાં ભૂલી ગયા હતા એ પણ આ કોરોનાના સમયમાં લોકોને યાદ આવી ગયું. હું કોઈ એવી ટીકા નથી કરતો કે હાથ મેળવવો કે ગળે મળવું ખરાબ છે પરંતુ આપણી જે સંસ્કૃતિ છે એને ખરાબ સમજવું અથવા તો એનાથી શરમ અનુભવવું એ વાત ખરાબ છે. ગુજરાતીના એક પાઠ્યપુસ્તકમાં એક પાઠમાં લેખક જણાવે છે કે ભારતીય મૂળના અમુક લોકો જે હવે વિદેશ સ્થાહી થઈ ગયા તેમના છોકરાઓને એમના દાદા – દાદી અને માતા – પિતાની અમુક ભારતીય આદતોથી શરમ અનુભવે છે, ખાસ કરીને એ જુકીને દરેકને નમસ્તે કરે છે એ. પરિવર્તન જરૂરી છે પણ પરિવર્તન સાથે સભ્યતા ના ભુલાઈ એ ખાસ જરૂરી છે અને આપણું ભારતીય નમસ્તે એ સભ્યતા શીખવે છે એટલે જ કદાચ આજે વિશ્વના દિગ્ગજ નેતા જેમ કે અમેરિકાના પ્રેસિડેન્ટ, ઇઝરાઈલના પ્રેસિડેન્ટ અને ઈંગ્લેન્ડના પ્રેસિડેન્ટ ગળે મળવા અથવા તો હાથ મેળવવાની જગ્યા એ નમસ્તે વધુ પસંદ કરે છે. નમસ્તે એ દુનિયામાં વસતા દરેક ભારતિયનું આધારકાર્ડ છે.
નમસ્તે પરથી એક ખૂબ જ ઉમદા ઉદાહરણ યાદ આવ્યું જે અહી મૂકવું એકદમ યોગ્ય છે. બનારસ ડાયરીના લેખકશ્રી વિવેકભાઈ દેસાઇએ તેમના પુસ્તકમાં એક ઉત્તમ વાત કરી છે. વેનેસા નામની એક છોકરી જે મૂળ સ્પેનના મેડ્રિડ શહેરની અને તે વર્ષના ૪ મહિના બનારસમાં વિતાવે. ભારતીય સંસ્કૃતિથી ને અધ્યાત્મના રંગથી રંગાઈ ગયેલી. તે રોજ બનારસના ઘાટ પર પદ્માસન લગાવી ને ત્યાંથી જે કોઈ નીકળે એને સરસ સ્માઇલ આપતી અને નમસ્તે કહેતી. વિવેક્ભાઈએ એમને એકવાર પૂછ્યું, “તું રોજ કેમ બધાને બે હાથ જોડીને નમસ્તે કહે છે?” એણે કહ્યું, “અમારા દેશમાં ભેટવાનો રિવાજ છે. એમાં માંત્ર સ્પર્શની અનુભૂતિ છે. બે વ્યક્તિઓ ભેટે ત્યારે બન્ને એકબીજાના મોઢાના હાવભાવ જોઈ નથી શકતી અને આ હિન્દુસ્તાની નમસ્તે! બે હાથ જોડી નમસ્તે કહીને સહેજ હસી દો એટલે સામે એવો જ પ્રતિસાદ મળે, કેટલી અદભૂત વાત છે! સામેવાળાના હ્રદયની લાગણી પણ તમે માત્ર નમસ્તે પરથી માપી શકો, એટલે જ મે આ ‘નમસ્તે’ અપનાવ્યું છે.”
અંતે તો એટલું જ કહીશ કવિ શ્રી પ્રેમશંકર ભટ્ટ સાહેબના શબ્દોમાં,
તું નાનો, હું મોટો
એવો ખ્યાલ જગતનો ખોટો.
આ નાનો, આ મોટો
એવો મૂરખ કરતાં ગોટો.
મન નાનું તે નાનો
જેનું મન મોટું તે મોટો.
નમસ્તે! ફરી મળીએ.
સુનિલ ગોહિલ “માસ્તર”


















































