ગઈ કાલે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાત્રે નવ વાગે, નવ મિનિટ માટે જે દીપ પ્રગટાવવાની પહેલ કરી હતી. જેને ભારતભરની જનતા દ્વારા અભૂતપૂર્વ અને ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો છે જેમાં સામાજિક સંસ્થા તથા સાહિત્યજગતના લોકોએ પણ પોતાનો સહકાર અને રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કર્યુ હતું.
સાહિત્ય અને લેખનક્ષેત્રે નવોદિત યુવાઓને તક આપતા શહેરના ઓર્ગેનાઈઝેશન હાર્ટ ઓફ લિટરેચરની સમગ્ર ટીમે પોતપોતાના નિવાસ સ્થાને દીવા પ્રગટાવીને સામાજિક એકતા દર્શાવી હતી. વિઝન રાવલ, રાજશ્રી સાગર, આનલ વાઘેલા, દેવમ સંઘવી, સુચિતા ભટ્ટ, શમીમ મર્ચન્ટ, જાગૃતિબેન કૈલા, હિતેશ બુદ્ધદેવ, કિંજલ પટેલ, હાર્દિક મકવાણા, સુરી પટેલ અને પ્રિત લીલા ડાબરે પોતાના શબ્દો દ્વારા સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓને બિરદાવ્યા હતા.
હાર્ટ ઓફ લિટરેચરના ફાઉન્ડર આદિત શાહે જણાવ્યું કે લોકો દીપ પ્રગટાવવાની ઘટનાને રાજકારણ સાથે જોડી રહ્યા છે જે એક શરમજનક બાબત છે. આ સમય સાથે મળીને મહામારી સામે લડવાનો છે, આપણી એકતા અને રાષ્ટ્રની અખંડિતતા બતાવવાનો છે. સહસંપાદક રાજશ્રી સાગરે જણાવ્યું કે હાલના સમયમાં કોરોનાનો કાળ સમગ્ર વિશ્વને ભરખી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ દેશ કોરોના સામેના સંઘર્ષમાં ફરી એક થયો છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી 9 મિનિટ દિવાળી જેવો જ નજારો જોવા મળ્યો. દેશભરના લોકોએ દીવા અને મીણબત્તી પ્રગટાવી એકતાનો સૌથી મોટો સંદેશ આપ્યો છે. દેશના દરેક ખૂણાના લોકોએ રાત્રે નવ વાગ્યે નવ મિનિટ માટે લાઈટો બંધ કરી દીવા-મીણબત્તીઓ લગાવી હતી. આ સમય દરમિયાન સમગ્ર દેશએ કોરોના સામે ચાલી રહેલા યુદ્ધમાં પોતાની બહાદુરી અને કટિબદ્ધતાનો સંદેશ પાઠવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અપીલ દ્વારા તેમણે લોકોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે હવે દેશવાસીઓ એક થઈને આ રોગને લડત આપવા સજ્જ છે.
સ્ત્રીત્વના કન્વીનર આરતી પટેલે સમાજને સંદેશ આપતા જણાવ્યું કે આરોગ્યતંત્રના કાર્યરત તમામ ડોક્ટરો, નર્સો, મેડિકલ સ્ટાફના તમામ સદસ્યો અને પોલીસતંત્રના અધિકારીઓને સહકાર આપવો જોઈએ.
વડીલોની સાથે સાથે નાના નાના બાળકોએ પણ પોતાના ઘરોની બાલ્કનીમાં ઊભા રહીને દીવા પ્રગટાવ્યા હતા તો અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ રાધે ગોવિંદ ગેલેક્સીમાં નાના બાળકોએ રંગોળી દોરવાની સાથે દીવા કરીને પોતાનું યોગદાન આપ્યું હતું.



























































