સામાન્ય રીતે આપણે દુઃખ અને દર્દને એકબીજાના સમાનાર્થી તરીકે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પરંતુ વાસ્તવમાં દુઃખ એ દર્દ નથી. દુઃખ જેવી કોઇ વસ્તુ વાસ્તવમાં છે જ નહિ. ધર્મગ્રંથો અનુસાર દર્દ એ અયોગ્ય કર્મ અને અયોગ્ય દિનચર્યા કે પાપનું ફળ છે. દર્દ જેવી બાબતનું અસ્તિત્વ છે પરંતુ દુઃખ જેવી વસ્તુનું તો કોઈ અસ્તિત્વ જ નથી. દર્દ એ છે કે જેને સમજી શકાય, દર્શાવી શકાય, જણાવી શકાય, વર્ણવી શકાય કે બતાવી શકાય કેમ કે દર્દ શરીર સાથે જોડાયેલી બાબત છે જેમ કે પગ દુખે, કમર દુખે, માથુ દુખે, તાવ આવે, ઝાડા-ઉલટી થાય, શરીરનું કોઈ અંગ ઘાયલ થાય, ફ્રેકચર થાય, બીમારી કે રોગ થાય વગેરે દર્દ કહેવાય. જે ડોક્ટર પાસે જઈ સમજાવી શકાય, બતાવી શકાય, વર્ણવી શકાય, નિષ્ણાંતની મદદ લઇ શકાય, દવા કે ઈલાજ કરી શકાય. પરંતુ દુઃખ બાબતે આમાનું કશું જ શક્ય નથી કેમ કે દુઃખ શરીર સાથે નહીં મન સાથે જોડાયેલી સમસ્યા છે. દુઃખી વ્યક્તિ એમ કહી શકે કે હું બહુ દુઃખી છું, મને મજા નથી આવતી, જીવનમાં આનંદ નથી આવતો, થોડું અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે, બહુ લો ફિલ થાય છે વગેરે વગેરે પરંતુ આ બધું ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, શું કામ થાય છે તે ન તો બતાવી શકાય, ન સમજાવી શકાય, ન જણાવી શકાય કે ન વર્ણવી શકાય કેમ કે વાસ્તવમાં તેનું કોઈ અસ્તિત્વ જ નથી. એ તો અજ્ઞાનયુક્ત મનની અવસ્થા છે. મન દ્વારા જ તે ઊભું થયું છે.
દુનિયામાં દરેકના જીવનમાં દર્દ જોવા મળે છે. જીવ માત્ર સાથે દર્દ જોડાયેલું છે પછી તે પશુ હોય પક્ષી હોય કે કીડા મંકોડા હોય. દેહધારી જીવો માટે દર્દ સ્વાભાવિક છે. જેને જણાવીને, નિષ્ણાતોના અભિપ્રાય મુજબ દવા લઈને દૂર કરી શકાય છે. પરંતુ દુઃખ દૂર કરવાની આજ સુધી કોઈ દવા શોધાઇ નથી કે ન તો દુઃખમુક્તિના કોઈ નિષ્ણાંતો છે કે જેમની પાસે જઈ તકલીફનું વર્ણન કર્યું, દવા લીધી અને દુઃખ દૂર થઇ ગયું. વળી દુઃખ માત્ર અને માત્ર મનુષ્યયોનિમાં જ જોવા મળે છે. પશુ-પક્ષી, કીડા-મકોડા, વનસ્પતિ જેવા અનેક સજીવોમાં થોડાઘણા અંશે દર્દ છે પરંતુ દુઃખ નથી કેમ કે દુઃખ એ વિકસિત મનની સ્થિતિ છે. જેની પાસે મન નથી તેના જીવનમાં દુઃખ નથી. દુઃખ પાછળ મુખ્યત્વે અતિશય ઇચ્છાઓ, કામનાઓ, સ્વાર્થ, અહંકાર, ઈર્ષા, સંબંધોની આસક્તિ જવાબદાર છે જેનું અસ્તિત્વ માત્ર મનુષ્ય નામના પ્રાણીમાં જોવા મળે છે. (તિર્યંચયોનીમાં એટલે કે પશુ-પક્ષી વગેરેમાં કે અન્ય જીવસૃષ્ટિમાં ન તો અતિશય ઇચ્છાઓ કે કામનાઓ છે, ન સ્વાર્થ, ન અહંકાર, ન ઈર્ષા, ન સંબંધોની વધુ પડતી આસક્તિ જેથી દુઃખ પણ એટલું નથી)
ટૂંકમાં દુઃખ માટે મનુષ્ય પોતે જ જવાબદાર છે અને દુઃખમુક્તિ કોઈ નિષ્ણાંત કે ડોક્ટર પાસે જવાથી મળી શકતી નથી. દુઃખમુક્તિ માટે તો પોતે જ પોતાના ડોક્ટર બનવું પડે. જો દુઃખ માટે અતિશય કામનાઓ અને અસંતોષ જવાબદાર હોય તો સંતોષી બનવાનો અભ્યાસ કરવો પડે, ઈચ્છાઓને છોડતા શીખવું પડે. સંબંધોની આસક્તિ પીડા ઊભી કરતી હોય તો પશુ-પક્ષી પાસેથી એટલે કે એમના નિરીક્ષણ દ્વારા શીખવું જોઈએ કે આપણા જેટલી જ મહેનત તેવો પણ બાળકો માટે કરે છે પરંતુ બચ્ચાઑને પાંખ આવ્યા પછી તેવો બચ્ચાઓની માયા છોડી દે છે. એટલી સ્વભાવિક રીતે આપણે પણ મોહ-માયાને છોડી સહજ બની શકીએ તો જીવનમાંથી દુઃખની બાદબાકી ખૂબ સરળતાથી થઈ શકે. આપણે જો આપણા જીવન તરફ નજર કરીએ તો સમજાશે કે દર્દની માત્રા લગભગ ૧૦થી ૨૦ ટકા જેટલી જ હોય છે એટલે કે શારીરિક તકલીફો કે સમસ્યાઓનો હિસ્સો જીવનમાં ૧૦થી ૨૦ ટકા જેટલો જ હોય છે. દુઃખોનો રેશિયો ખુબ ઊંચો હોય છે.

દુઃખની સરખામણીમાં દર્દો ખૂબ ઓછા છે કેમકે તે દેહ સાથે જોડાયેલા છે જે પ્રકૃતિગત છે. પરંતુ દુઃખો આપણા સ્વભાવ, કર્મો, પ્રકૃતિ, આદતો, સંસ્કાર વગેરે દ્વારા આપણે ઊભા કરીએ છીએ. અતિશય અયોગ્ય કર્મો આપણે વાણી વિચાર અને વર્તનથી કર્યા કરીએ, અતિશય જક્કી સ્વભાવ રાખીએ, ખરાબ આદતોને છોડી ન શકીએ, જડ પ્રકૃતિને પકડી રાખીએ, સંસ્કારના નામે અનેકોને હેરાન કરીએ તો દુઃખો આવવા તો સ્વાભાવિક છે કારણ કે દુખો માટે જવાબદાર કારણો આ બધા જ તો છે. શારીરિક દર્દો કે જે દેહ સાથે જોડાયેલા પ્રાકૃતિક હોવાથી માત્ર પ્રાકૃતિક જીવનશૈલીથી દૂર કરી શકાય. પ્રકૃતિના નિયમો અનુસાર જીવન જીવવામાં આવે તો દર્દોની પણ જીવનમાંથી બાદબાકી થઇ શકે. વળી દર્દો સહન કરવાની પ્રકૃતિગત શક્તિ ઈશ્વરે દરેકને પહેલેથી જ આપેલી હોય છે કેમ કે દર્દો દેહ સાથે જોડાયેલા હોવાથી ઈશ્વર પણ જાણે છે થોડીઘણી દેહની મુશ્કેલીઓ દરેક જીવને રહેવાની. પરંતુ યોગ્ય જીવનશૈલી આપણને દૈનિક તકલીફો અને દૈહિક દર્દોથી મુક્ત અવશ્ય કરી શકે અને દુઃખ જેવી તો કોઈ વસ્તુ કુદરતના સામ્રાજ્યમાં છે જ નહીં એટલે એને તો દૂર કરવાનો સવાલ જ ઉદભવતો નથી, એ તો માનસિક વિકૃતિથી વિશેષ કશું જ નથી જેથી માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરી નેવું ટકા દુઃખોથી બચી શકાય તેમ જ પ્રાકૃતિક જીવન જીવી દસ ટકા શારીરિક દર્દોમાંથી બચી શકાય આમ સંપૂર્ણ જીવનને સો ટકા દુઃખ અને દર્દમુક્ત અવશ્ય કરી શકાય.
ઈશ્વરે આપણને મનુષ્યયોનિ મહામાનવ બનવા અને મોક્ષપ્રાપ્તિ માટે આપી છે જેથી તેનો યથાર્થ ઉપયોગ કરી લેવો જોઈએ. વળી જેનો હેતુ મોક્ષપ્રાપ્તિ નહિ પરંતુ સુખપ્રાપ્તિ છે તેણે પણ એ સમજી લેવું આવશ્યક છે કે ઈશ્વરના સામ્રાજ્યના કે પ્રકૃતિના ઉત્તમ સુખો માત્ર મનુષ્ય જ ભોગવી શકે છે. આવા અનેક સુખો ભોગવવા અનેક જન્મોના અસંખ્ય પુણ્યકર્મોના ફળ સ્વરૂપે આપણને આ મનુષ્યયોનિ મળી છે તેનો ઉપયોગ સુખ ભોગવવા સાથે દુઃખમુક્તિ માટે પણ કરી લેવો જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય આંખો વડે કુદરતી સૌંદર્ય નિહાળી જે આનંદ મેળવી શકે છે તે અન્ય કોઈ જીવ માટે શક્ય નથી, એ જ રીતે મનુષ્ય સ્વાદના આનંદ દ્વારા જે સુખ ભોગવે છે, કર્ણેન્દ્રિય દ્વારા ઉત્તમ સંગીત સાંભળીને જે આનંદ ભોગવે છે તે કોઈ અન્ય જીવ માટે શક્ય નથી. એના પરથી એટલું તો અવશ્ય સમજી શકાય કે આવી ઉત્તમ વિકસિત યોની અને ઇન્દ્રિય આપણને સુખ ભોગવવા માટે જ મળી છે પરંતુ ભોગને મર્યાદામાં રાખી દુઃખદર્દથી બચવા જેટલી સક્ષમતા તો કેળવવી જ જોઈએ. દુઃખદર્દથી બચવું એક અતિ વિકસિત અને સમજદાર પ્રાણી તરીકે મનુષ્ય પાસે અપેક્ષિત છે.
માનવયોનિ જેવી ઉત્તમ વિકસિત યોનીના બે જ પરિણામો છે ૧) મનની અતિ વિકસિત સ્થિતિને કારણે જે દુઃખ કોઈ અન્ય જીવને નથી ભોગવવાં પડતા તે મનુષ્યે ભોગવવા. અન્ય કોઈ જીવમાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા જેવા અવગુણો નથી જેથી તેમના જીવનમાં મનુષ્ય જેવા દુઃખો પણ નથી. ૨) વિકસિત ઇન્દ્રિયો દ્વારા ભોગવાતા અલભ્ય સુખો જે ઈશ્વરે માત્ર મનુષ્યને આપ્યા છે તે ભોગવો એટલે કે ઇન્દ્રિયોના વિષયો મર્યાદામાં ભોગવી સ્વર્ગનો આનંદ માણો. હવે એ તો આપણા પર છે કે આ બંને વિકલ્પમાંથી આપણે શેની પસંદગી કરવી. દુઃખો માટે જવાબદાર કારણોને દૂર કરી સુખ ભોગવવું છે કે દુઃખો માટે જવાબદાર કારણો સાથે મોહ રાખી જીવનને નર્ક બનાવવું છે એ તો આપણે જ નક્કી કરવું પડે. ટૂંકમાં દુઃખ અને દર્દ બંને અલગ છે, દુઃખ જેવી કોઈ વસ્તુ કુદરતના સામ્રાજ્યમાં છે જ નહીં અને દર્દોને યોગ્ય સમજણ અને કાળજી સાથે પ્રાકૃતિક જીવન જીવી દૂર કરી શકાય છે. દર્દ વાસ્તવિક છે પરંતુ પ્રાકૃતિક છે જેથી ઓછું પણ છે સહય પણ છે, જ્યારે દુઃખ કાલ્પનિક અને અવાસ્તવિક છે જે માત્ર આભાસથી વિશેષ કશું જ નથી જેને દૂર કરવા યથાર્થ સમજણ જ કાફી છે.
~ શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ


















































