તેં સીવેલા સંબંધોને આજે પણ પ્હેરું છું વટથી,
દિલ દઈને લીધેલા ટાંકા, એમ નથી કૈં તૂટતા ઝટથી!
આવી રીતે ધોળે દિવસે, પડછાયો થૈ સાથે ના ફર,
ઈર્ષ્યા થાશે સૂરજને પણ, તારી મારી આ ઘરવટથી!
કૂવાકાંઠો પડખે છે પણ બેડું તોય રહ્યું છે ખાલી,
લેણાદેણી ક્યાં છે મારે એક ટકો પણ આ પનઘટથી?
સઘળી વાતે સુખ છે કિન્તુ નાની સરખી મુશ્કેલી છે,
ઘર છે મારું આ કાંઠે ને પ્રીત કરી છે સામા તટથી!
અટકાવું તો ખિન્ન થશે ને ધમકાવું તો ઓર વટકશે,
કામ ખરેખર લેવું પડશે, ઇચ્છા સાથે સમજાવટથી!
તારી જેમ નથી વેડફતો, ગમ્મે ત્યારે માંગી જોજે,
આંસુના પ્રત્યેક ટીપાનો રાખું છું હિસાબ ચીવટથી!
વરસાદી ત્રમઝટમાં કેવો કોરોકટ્ટ રહ્યો છું આજે?
પૂરેપૂરો પલળી ગ્યો ‘તો, તે દિવસે ઝીણી વાછટથી!
ડાળી પરથી પાન ખર્યું તો તેનો શો અફસોસ કરું હું,
ફૂટવાની છે કૂંપળ પાછી, એ જ જગ્યાએ કાલ ઊલટથી!
જ્યારે ત્યારે તરભેટા પર લાવીને એ છોડી દે છે,
ઈશ્વરથી બહુ દૂર થયો છું, ઈશ્વરની આવી ખટપટથી!
*
~ કિશોર જિકાદરા


















































