ખબર નથી એને કે શું ચાલી રહ્યું છે એના પોતાના જીવનમાં,
બસ એને તો ફક્ત રસ છે બીજાના જ જીવન જોવામાં,
બીજાનું જોવામાં ને જોવામાં ક્યાંક પોતાનું ના રહી જાય,
સંભાળજે! ક્યાંક તારા જીવનની પળો કોઈ બીજા ના લઇ જાય.
મનુષ્ય એક સામાજિક પ્રાણી છે.સમાજની વચ્ચે જ તેનો ઉછેર થાય છે અને સમાજની વચ્ચે રહીને જ તેના જીવનની દરેક બાબતોની તાલીમ તે સમાજના લોકો દ્વારા જ પામતો હોય છે.જીવનમાં થતા સારા અને નરસા અનુભવો પણ આ સામૂહીક જીવનનો જ એક ભાગ છે. સમાજની જો વિસ્તૃત વાત કરીએ તો,સમાજની અંદર દરેક પ્રકારના વ્યક્તિઓનો સમાવેશ થાય છે.આપણા જ આ સમાજમાં અમુક એવા લોકોનો પણ સમાવેશ થાય છે કે જેમને બીજાના જીવનમાં શું ચાલે છે? એ જોવામાં એમને ખાસ રસ હોય છે.પોતાના અંગત જીવનને અવગણીને પણ બીજાના જીવનમાં ડોકિયા કરવાની તેમને બહુ ખરાબ આદત હોય છે.બીજાની અંગત વાતો જાણીને સમાજમાં જાણે એવી રીતે પ્રસરાવે કે જેમ કોઈ બહુ મોટી ધાડ ન મારતા હોય! બીજાની એ વાતો અંગે વધારે કોઈ ખ્યાલ હોય કે ન હોય,એ વાતો કેટલી સાચી છે કે કેટલી ખોટી એની પણ કોઈ દરકાર લીધા વગર જ તેમની જેમ ઇચ્છા થાય એમ લોકો સમક્ષ રજૂઆત કરતા ફરે છે.તેમની આ ખરાબ આદત બીજાના જીવનમાં શું અસર કરશે? એ બાબતનો એક ખ્યાલ શુદ્ધાય તેઓ નથી રાખતા.”બીજાનું જે થવું હોય તે થાય એમને તો બસ પોતાની જ મજાનો ખ્યાલ રહેતો હોય છે.અહી મને “હિન્દી પિકચરનો એક બહુ જાણીતો ડાયલોગ યાદ આવે છે કે જેનો ગુજરાતી અનુવાદ કઈક આ રીતે થાય છે,” જેમના પોતાના ઘર કાચના હોય તેમણે બીજાના ઘર પર પથ્થર ના ફેકાય”.બીજાની વાતો કરતા પહેલા તેઓ એવું કેમ ભૂલી જાય છે કે,હું પણ આ સમાજનો જ એક ભાગ છું.બીજાની સાથે આજે જે કઈ પણ બન્યું છે,તે કયારેક મારી સાથે પણ બની શકે છે.પરંતુ,આવો વિચાર તેમને આવે જ ક્યાંથી? બીજાના અંગત જીવનમાં ડોકિયા કરવામાંથી,તેમને સમય મળે તો આવું વિચારે ને! સમાજમાં રહેતા અમુક આવા પ્રકારના લોકોને મને બસ એક જ વાક્ય કહેવાનું મન થાય છે કે,”તમે તમારું કામ કરો ને! “Mind your own business”.
આપણે વિદેશી સંસ્કૃતિને બહુ ઝડપથી આપણા દેશમાં તથા આપણા પોતાના જીવનમાં અપનાવી રહ્યા છીએ,પરંતુ વિદેશીઓ ક્યારેય કોઈ બીજાના અંગત જીવનમાં દખલ નથી કરતા એ બાબત હજી સુધી કેમ આપણે નથી અપનાવી શકયા? પોતાના દીકરા કે દીકરી ક્યાં જાય છે એનો ખ્યાલ નહી હોય પરંતુ પાડોશીના દીકરા કે દીકરી ક્યાં જાય છે?શું કરે છે?કેટલા વાગે જાય છે?કેટલા વાગે આવે છે? એ બધો જ ખ્યાલ હશે.મફતમાં બીજાના ઘરની ચોકીદારી કરવાનો હક તેમને કોણે આપ્યો હશે? અને જ્યારથી સ્માર્ટ ફોનનો જમાનો આવ્યો છે ત્યારથી તો આવા લોકોને ખાસ ભાવતું મળી ગયું છે.ઘરે બેઠા વગર મહેનતે બીજાના અંગત જીવનની ખબર તેમને whatsapp ના status દ્વારા જ મળી જાય છે.ઘરે બેઠા શાંતિથી જો બીજાનાં જીવનની અંગત વાતો જાણવા મળે,એનાથી વધારે ખુશીની વાત બીજી કઈ હોય? બીજા લોકોના વેકેશનથી માંડીને તેમના જીવનના ટેન્શન સુધીની ખબર એક નાનકડા સ્માર્ટ ફોન દ્વારા મળી જતી હોય છે.ટેકનોલોજીનો આનાથી મોટો સદુપ્યોગ બીજો કયો હોય? અને એમાય જો તેમના જાણીતા પરિવારમાંથી કોઈની દીકરી ભાગી જાય તો, પોતાની અમૂલ્ય વાણીનો લાભ બીજાને આપવાનું તો નહી જ ભૂલે કે,”બહુ છૂટ આપીએ તો આવું જ થાય!” અરે! પણ બીજાના જીવનની અધુરી વાતો જાણીને એક પુરા તથ્ય તરીકે બીજાને રજુ કરવાનો હક તેમને કોણે આપ્યો હશે? તમે કઈ તમારું પોતાનું ભવિષ્ય જોઇને બેઠા છો! કે તમારી સાથે આવું ક્યારેય નહી જ બને.અને અમુક લોકો તો આવા સમયે પણ પોતાના હું-પણામાંથી ઊંચા જ નહી આવે અને તરત કહેશે કે “જો મારી દીકરી આવું કરે તો તેને તો હું જીવતી જ દાટી દઉં. અહી બસ એક જ સવાલ થાય છે કે,”બીજાના ઘરના વંટોળમાં ઉડવાનો આટલો બધો શોખ કોઈ વ્યક્તિ કેમ રાખતું હશે? પોતાના જ ઘરમાં એક વડીલ તરીકે પોતાનું વર્ચસ્વ હોય કે નહી હોય પણ બીજાના ઘરમાં એક વડીલ તરીકે પોતાનું વર્ચસ્વ થોપવાનો હક તેમને કોણે આપ્યો હશે? આપણા ગુજરાતીઓમાં એક બહુ જૂની કહેવત છે કઈક આમ છે કે,” જેની સાસુ ન હોય તેની સત્તર જણ સાસુ બનવા આવે” કોઈ વહુ હોય અને તેના ઘરમાં જો કોઈ સાસુ ન હોય તો બીજા સત્તર જણા સાસુ બની તેને સલાહ આપવા ઉભા થઇ જાય.લગ્ન પછી સંતાન લાવવાની ચિંતા જેટલી એક પતિ-પત્નીને નહી થતી હોય તેનાથી વધારે બીજાને થતી હોય છે.બીજાના અંગત જીવનમાં પોતાની આ માથું મારવાની ટેવને લોકો કેમ હજી પણ સુધારી નહી શકતા હોય? હવે જો કોઈને એક બાળક હોય તો એમના માટે નવો એવો સવાલ ઉભો કરશે કે હવે બીજું બાળક ક્યારે લાવશો? જેમ છોકરાઓને જન્મ આપ્યા પછી એમણે જ મોટા કરવાના ન હોય! લોકો વણમાંગી સલાહો આપવાની પોતાની આ આદત કેમ નહી છોડી શકતા હોય? છોકરો કે છોકરી લગ્ન માટે પાત્રની પસંદગી કરે એમાય બીજાને વાંધો! ઘરમાં આવનાર પાત્રની ચિંતા જેટલી ઘરના સભ્યોને નહી થતી હોય તેનાથી વધારે બીજાઓને થાય છે.અને એમાય બીજાના લગ્ન પહેલા તેના નક્કી કરેલા પાત્રને જોઇને એટલી બધી ભવિષ્યવાણી કરશે કે જેમ પોતે સાક્ષાત ભવિષ્ય જોનાર કોઈ જ્ઞાની પંડિત ના હોય! અરે,”ધીર બાપુડિયા ધીર મુજ વીતી તુજ વીતશે” તમારા ઘરમાંય તમારા દીકરા કે દીકરી પરણવાના જ છે.શું તમારા દ્વારા નક્કી કરેલું પાત્ર સો ટકા સારું જ હશે? તમારા દ્વારા લેવાતા નિર્ણયો હમેશા સાચા જ પડશે આવું સમજવાની ભૂલ ક્યારેય ન કરતા.દુનિયામાં આપણે ઘણા એવા લોકોને જોયા હશે કે જેઓ પહેલા બીજા લોકોના લગ્નજીવનની વાતો કરે અને પછી પોતાના જ કે પોતાના અંગતના લગ્નજીવન તેમણે તેમની નજર સામે તૂટતા જોયા હશે.”જેવું કરશો એવું પામશો” આજે તમે બીજાની વાતો કરો છો ક્યારેક એવો પણ દિવસ આવશે જયારે બધા તમારી વાતો કરશે,અને એક દિવસ તમે પણ બીજાની હાંસીના પાત્ર બનશો.બીજાના જીવનમાં જોવા કરતા પોતાના જીવનને સંભાળીને બેસી રહેવું એ વધારે હિતાવહ છે.
કોઈ માણસનું શરીર વધવા કે ઘટવામાં જેટલી ચિંતા એ વ્યક્તિને પોતાને નહી થતી હોય તેનાથી વધારે બીજાને થતી હોય છે.બીજાની દીકરી જાડી હશે તો કહેશે કે,અરે! “કેટલી જાડી થઈશ, પછી સારો મુરતિયો નહી મળે” અને જો કોઈ પાતળું હશે તો કહેશે કે ,અરે! આખી જિંદગી કેટલું બળીશ? તારું શરીર તો જો,સાવ મરવા પડી છે.કોઈ જાડુ હોય તોય ચિંતા અને કોઈ પાતળું હોય તોય ચિંતા! પણ શું દરેકના શરીર બેલેન્સમાં કરવાની જવાબદારી તમે જ લીધી છે? “જેનું જીવન એનો હક અને જેનું શરીર એને ચિંતા”બીજાના શરીર વધવા કે ઘટવાની નકામી ચિંતા આપણે શું કામ કરવાની? બીજાના દીકરા કે દીકરીઓ જ્ઞાતિ બહાર પરણે તો કહેશે કે,”આને સમાજમાં ક્યાય મળતું નહી હોય એટલે જ બીજી જ્ઞાતિમાં કર્યું હશે” અને પછી જો આગળ જતા પોતાના જ ઘરના દીકરા કે દીકરીઓ સમાજની બહાર લગ્ન કરે તો તરત જ પોતાનો જવાબ બદલીને કહેશે કે,અરે! આપણા સમાજમાં ક્યાં હવે સારા છોકરા કે છોકરી છે? એટલે અમે તો સારું મળતું હતું તો બીજી જ્ઞાતિમાં કરી નાખ્યું.એનો મતલબ એ થયો કે “આપણે જે કઈ પણ કરીએ તે યોગ્ય અને બીજા જો કઈ પણ કરે તો એ બધું અયોગ્ય”તમારી જાતે જ દરેકના જીવનના નિર્ણયોનો હિસાબ કરવાનો હક તેમને કોણે આપ્યો? આવા પ્રકારના માણસોને મને બસ એક જ વણમાંગી સલાહ આપવાનું મન થાય છે કે, “તમે તમારું કામ કરો ને! .
એક અંગ્રેજી વાક્ય “Mind your own business” કે જેને મેં મારા આ લેખનું શીર્ષક આપ્યું છે.આવો જ અર્થ કરતી એક ગુજરાતી કહેવત જે આપણા ગુજરાતીઓમાં બહુ જૂની કહેવત છે.આ અંગ્રેજી વાક્ય તો આપણે હમણાં વાપરતા થયા,પણ પહેલાના જમાનામાં જયારે કોઈ વ્યક્તિ બીજાના ઘરમાં ખુબ ડોકિયા કરે અને પોતાનું સંભાળે નહી.એવા લોકો માટે એક કહેવત હતી કે”ડાહી સાસરે જાય નહી ને બીજાને સલાહ આપે” પોતે જે નિયમ પોતાની આખી જિંદગીમાં પણ અનુસર્યો નહી હોય અને એ નિયમ બીજા ઉપર થોપવાની કોશિષ કર્યા કરે.કોઈ બાળકના પરીક્ષામાં પાસ થયા ઉપર જેટલો ઉત્સાહ ક્યારેય નહી દેખાડ્યો હોય,તેનાથી પણ વધારે દુખ કોઈ બાળકના નાપાસ થયા ઉપર દેખાડશે.પોતાને બધી જ ખબર હોવા છતાં પણ સામે ચાલીને પૂછશે કે બેટા!તું નાપાસ થયો? અરે! બધું જ ખબર છે છતાય બીજાનું દુખ શા માટે વધારો છો?અને પાછું જેટલું ચહેરા ઉપર દુખ દેખાડતા હશે ,તેનાથી પણ બમણું અંદરથી રાજી થતા હશે.અરે! આવો ખોટો ઢોંગ કરવાનો હક તેમને કોણે આપ્યો હશે? બીજાને એમની જિંદગી જીવવા દો ને! ઘણા માણસો પોતાના જીવનમાં સફળ થયા હશે કે નહી,પરંતુ બીજાની સફળતાના કે નિષ્ફળતાના ભવિષ્ય ભાખવાની એમને બહુ ખોટી આદત હોય છે.કોઈના પણ બાળકને જોયા પછી કમેન્ટ કરવાનું તો નહી જ ભૂલે કે”આ બાળક તો એના જીવનમાં કઈ કરી શકે એમ નથી”જે માણસને ખુદના ભવિષ્યની ખબર નથી એ બીજાના ભવિષ્યનો નિર્ણય કેવી રીતે લઇ શકે? અને જેમ પોતે કોઈ મનોચિકિત્સક ડૉકટર ન હોય એમ બીજાના બાળકના ડાહયા કે ગાંડા હોવાના સર્ટીફીકેટ આપતા ફરે.આવા લોકો ગમે તેટલા ફોરવર્ડ થઈ ગયા પણ હજી એમ કેમ નથી સમજી શકતા કે હવે ખરેખર જમાનો ઘણો બદલાઈ ગયો છે.લોકોના જીવન પણ ઘણા બદલાવા માંડ્યા છે.આપણે વિચારી પણ ન શકીએ એટલી અગણિત તકો બધે જ છે.માણસ પણ ક્યાંથી ક્યાં પહોચી જાય એનું કઈ જ નક્કી નથી.જ્યાં ખુદ એક ડૉકટર પણ એક સચોટ તથ્યને રજુ કરતું સર્ટીફીકેટ કોઈના માટે ન આપી શકે ત્યાં આપણે કઈ રીતે કોઈના જીવનની આટલી મોટી વાત બધાની સામે કરી શકીએ? કોઈનું જીવન આગળ જશે કે પાછળ,કોઈ ગાંડુ થશે કે ડાહ્યું, એવું નક્કી કરવાનો હક તેમને કોણે આપ્યો?
કોઈપણ વ્યક્તિ ગમે તેવા કપડા પહેરે કે ગમે તે professionમાં જાય એ જોવાની જવાબદારી એના ઘરના વ્યક્તિઓની કે એ માણસની પોતાની છે.બીજાના પહેરવેશ ઉપર કે તેમના કોઇપણ નિર્ણય ઉપર વાતો કરવાનો હક તેમને કોણે આપ્યો? ખરેખર જો જીવનમાં આગળ વધવું હોય અને સુખી થવું થવું હોય તો બીજા શું કરે છે ?એ જોવાનું બંધ કરીને મારે શું કરવાનું છે ?એવો વિચાર કરતા થઈ જાઓ.અહી મારો અર્થ એવો પણ નથી કે તમે સ્વાર્થી બની ફક્ત પોતાના જ કામથી કામ રાખો.કોઈને આપણી જરૂર હોય તો બેશક એમના દુઃખમાં ભાગીદાર થાઓ,અને બીજાના સુખને પણ પોતાનું ગણીને માણતા શીખો.વગર વિચારે બસ કોઈના જીવનમાં દખલ ન કરશો.નિવૃતિના સમયમાં જો બીજું કઈ કામ ન હોય તો ભગવાનનું પણ આ સમયે સ્મરણ કરી શકીએ.આવા સમયે બીજું કઈ કામ નહી આવે પણ ભગવાનની કૃપા આપણને જરૂર કામ આવશે.આપણી પોતાની જવાબદારીઓ પ્રત્યે સભાન થઈએ.
બીજાનાં જીવનમાં બે કટાક્ષ ભર્યા શબ્દો કહેવાને બદલે “બીજાને ગમે એવા બે સારા શબ્દ કહેતા શીખીએ અને આપણા કામથી કામ રાખતા થઈએ”
-ઉર્વશી મનીષ બ્રહ્મભટ્ટ


















































