આ હૃદયથી ઉતરે, એને કહે સારી ગઝલ,
આ સાવ એકલતા મહીં, સાથી બને પ્યારી ગઝલ.
એ મોતના મુખ માંથી પણ, પાછો વળી ને જીવશે,
લે, દોસ્ત માણી લે કહી, આપો એને મારી ગઝલ.
બસ એક વાર ચશ્માં ઉતારીને જરા તું જોઈ લે,
કાળા હશે અક્ષર છતાં, રંગીન છે આખી ગઝલ.
મળશે નહીં ક્યારેય પણ, એની વફાદારી સમું,
ને એટલે તો લાગણીની, સંગતે પાળી ગઝલ.
આવ્યો નહીં આ કોઈને પણ, ખ્યાલ જો એનો હવે,
તું દાદ આપે છે મને, હૈયું રચે તારી ગઝલ.
કાગળ ઉપર કાયમ રહે, મોહતાજ ના કાગળ તણી,
બસ એક ‘વાહ’ જે આપી દે, એને મળે મારી ગઝલ.
બસ એક શેઅર સાંભળી, મુસ્કાન જો દેખાય તો,
પાગલ બનીને દોડશે, તારી કને મારી ગઝલ.
દિપેશ શાહ.


















































