તમારા વગર એ કુંવારી જ રહેશે,
તમારી કબર તો તમારી જ રહેશે.
તમે ઘર કે શેરી બદલશો પરતું,
ભીંતોની વફા એકધારી જ રહેશે.
આ બારીથી થઈ ના શકાશે બગીચો,
એ છેવટ સુધી માત્ર બારી જ રહેશે.
ન ફળદ્રુપ થઈ કોઈની પણ હથેળી,
કે ખારી જમીનો તો ખારી જ રહેશે.
પગેરું હયાતીનું જોયું છે કોણે?
કે એ તો ફરારી ફરારી જ રહેશે.
આ હું, આ પથારી ને આ પાસાંબાજી,
છે જૂનાં જુગારી, જુગારી જ રહેશે.
Ramesh Parekh
~ છ અક્ષરનું નામ


















































