“તમારા આશીર્વાદ ગણો.”
આ ત્રણ શબ્દોમાં ઘણી શક્તિ છુપાયેલી છે, પ્રાર્થના, ભાવના અને હિમ્મત. આજે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં આજુબાજુ બહુ બધું નકારાત્મક જોવા અને સાંભળવા મળે છે. પાંચમાંથી એક વ્યક્તિ એવી જરૂર મળશે જે દુઃખી હશે કે પછી ફરિયાદ કરતી હશે. ઘર, પરિવાર, સમાજ યા પછી સરકાર થી નાખુશ હશે.
ફરિયાદ કરવી કે પછી બધી વસ્તુમાં વાંક કાઢવો એ નબળાઈના લક્ષણ છે. જ્યારે કોઈ પોતાની જવાબદારી થી દૂર ભાગે, કે હિમ્મત હારી જાય, કે પછી એને પ્રભુ પર વિશ્વાસ ન રહે ત્યારે ફરિયાદ કરે.
પણ દોસ્તો, એક મિનિટ થોભી જાવ. આજુબાજુ નઝર ફેરવો. ફરિયાદ શેની છે? અરીસા સામે ઊભા રહો. ફરિયાદ શેની છે? પ્રભુ એ એટલું સુંદર જીવન આપ્યું, એની? રહેવા માટે છત, ખાવા માટે ભોજન, જીવવા માટે સહવાસ અને સંબંધો.
અફસોસ, માનવ જીવ ઘણો સ્વાર્થી, લાલચી અને કૃતઘ્ન છે. અને આપણે ઘણું બધું ગ્રાન્ટેડ લઇ લીધું છે. પાંપણ ના પલકારા પણ આશિર્વાદ છે. તો
જો તમે કોઈ એક વસ્તુ માટે પ્રભુ નો આભાર માનો, તો એના માટે આ જીવન ઓછું પડે. તો આપણા પર એના આશીર્વાદની કોઈ સીમા જ નથી.
સારાપણું.. સારાપણાને આકર્ષણ કરે અને બુરાઈ બુરાઈને. આ કુદરતનો નિયમ છે. પોતાના આશીર્વાદ ગણો અને એનો આભાર માનો. નક્કી એમાં વધારો થશે. જયારે આપણા થી કમનસીબ લોકોને જોશો, તો સમજમાં આવશે કે આપણા પર પ્રભુની કેટલી મહેરબાની છે.
એક પ્રખ્યાત વ્યક્તિ યાદ આવી. હેલેન કેલર- મૂંગા, બહેરા અને આંધળા હતા. પણ એ સ્ત્રીઓ માટે સક્રિયતાપૂર્વક કામ કરનારા હતા. Count your blessings નું આનાથી મોટું ઉદાહરણ નથી હોય શકતું.
અને એક ઉક્તિ પણ યાદ રાખવા જેવી ખરી જે આપણને સકારાત્મકતા તરફ પ્રેરે છે.
“હું જૂતા માટે ફરિયાદ કરી રહી હતી. પણ પછી મેં એવી વ્યક્તિ ને જોઈ, જેની પાસે પગ નહોતા.”
અંત માં ફક્ત એટલુંજ કહીશ. તમારી પાસે જે છે અને જેટલું છે, એની કિંમત કરો અને આભાર માનો. શું ખબર કાલે એજ બધી વસ્તુ માટે તરસી જાવ ?!
-શમીમ મર્ચન્ટ


















































