એકવાર એક રાજાના દરબારમાં સભા ભરાઈ હતી. તેમાં ઘણા વિદ્વાનો બેઠા હતા.વિવિધ ચર્ચાઓ ચાલતી હતી .વાતવાતમાં ચર્ચાનો વિષય નીકળ્યો કે-” શ્રેષ્ઠ ફુલ કયું ?શ્રેષ્ઠ પુત્ર કોનો? શ્રેષ્ઠ તેજ કોના ?અને શ્રેષ્ઠ નીર ક્યા ગણવા ?”સૌ પોતપોતાની રીતે વિચાર કરવા લાગ્યા.
એક વિદ્વાને ખુબ સુંદર ઉત્તર આપ્યો .”ફૂલમાં શ્રેષ્ઠ ફુલ ગુલાબનું ફૂલ ,પુત્ર મા શ્રેષ્ઠ રાજાનો પુત્ર, કિરણોમાં શ્રેષ્ઠ આંખોના કિરણ અનેનીર મા શ્રેષ્ઠ ગંગાના નીર.”
ગુલાબનું ફૂલ સુગંધી અને પવિત્ર હોય છે. વળી તેની આસપાસ કાંટા હોય છે .તેથી તે એક સુંદર સંદેશ આપે છે કે, જીવનમાં ગમે તેવો કાંટાળો માર્ગ મળે તો પણ તેમાં જીવનને સરળતાથી ખીલવી શકાય છે .રાજાનો પુત્ર રાજ્ય સંભાળી ને પોતાની પ્રજાને સુખી કરે છે .આંખનું તેજ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે દ્રષ્ટિહીન માણસ આ સુંદર જગતને ક્યારેય નિહાળી શકતો નથી. તેનું જીવન અંધકારમય હોય છે .નીર- પાણીમાં શ્રેષ્ઠ ગંગાજલ છે. શિવજીની જટામાં બિરાજીને, અમરકંટક માંથી નીકળી ને, આ સુંદર ધરા પર નદી સ્વરૂપે ખડખડ વહેતી મા ગંગા સૌને પવિત્ર કરે છે. આ સુંદર અર્થઘટન સાંભળીને રાજા પ્રસન્ન થયા.
ત્યાર પછી બીજા એક વિદ્વાને પણ પોતાની રીતે આ વિષય પર સુંદર અભિપ્રાય આપ્યો. તેણે કહ્યું કે” ફૂલમાં શ્રેષ્ઠ ફૂલ કપાસનું ફૂલ ,પુત્રોમાં શ્રેષ્ઠ ગાવડી નો પુત્ર ,કિરણોમાં શ્રેષ્ઠ સૂર્યના તેજ અને નીર માં શ્રેષ્ઠ ઇન્દ્રના નીર.”
કપાસ એટલે રૂ .રૂ માંથી વસ્ત્ર બને છે .વસ્ત્ર લોકોને પહેરવા કામ લાગે છે .તેથી તે ઉત્તમ ફુલ ગણાવી શકાય .ગાવડી નો પુત્ર નંદી. મહાદેવનું વાહન નંદી. જગતના તાતને જ્યારે ખેતર ખેડવાનું હોય ત્યારે નંદી વગર કેમ ચાલે? અનાજ પકવવા માટે નંદિની જરૂર પડે છે .અને તેનાથી સમગ્ર સૃષ્ટિ તૃપ્ત થાય છે. સૂર્યનું તેજ અતિ પવિત્ર છે. ભગવાન સૂર્યનારાયણ અવિરત પણે પોતાના દિવ્ય અને તેજસ્વી પ્રકાશ થી સમગ્ર સૃષ્ટિને પ્રકાશિત કરી રહ્યા છે. આ તેજ ના કારણે વરસાદ પડે છે, વૃક્ષો લીલાછમ રહે છે, અને હાનિકારક વિષાણુ નાશ પામે છે .તથા ઉર્જા અને પ્રકાશ નો તે સૌથી મોટો સ્ત્રોત છે .ઇન્દ્રના નીર -વરસાદ પીવાલાયક પાણીનો સૌથી ઉત્તમ સ્ત્રોત છે .પાણી વિના તો જીવન શક્ય જ નથી. આથી તે શ્રેષ્ઠ છે.
આ વાત સાંભળીને રાજા તેમજ દરબારીઓ પ્રસન્ન થયા. બંને વિદ્વાનોની રાજાએ પ્રશંસા કરી. અને તેમને ઉત્તમ ઇનામ આપીને વિદાય કર્યા. આમ ,કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે સંબંધોની શ્રેષ્ઠતા પુરવાર કરવા માટે માણસની પોતાની અંગત વિચાર ધારા મહત્વનો ભાગ ભજવે છે. ઉપરોક્ત બંને વિદ્વાનો એ પોતપોતાના મતાનુસાર જગતની શ્રેષ્ઠ વસ્તુઓ ની વ્યાખ્યા કરી.
બસ બંનેની વિચારધારા અને દ્રષ્ટિકોણ માં ફરક છે. તુંડે તુંડે મતિ ભિન્ના.
અસ્તુ.
હર્ષા ઠક્કર.


















































