કોઈ તમને તૈયા૨ ક૨તું નથી
મોં ફાડીને તમારી સામે
ઊભા રહી જતા
જંગલી વાઘનો સામનો કરવા
તમને નથી આપેલાં હોતાં
કોઈ મશાલ
કોઈ ભાલો
કોઈ બંદૂક
ધીમા ધીમા ને નિશ્ચિત
તમારી તરફ વધતાં એ પગલાંઓને
તમારા શ્વાસની જેમ અધ્ધર રોકતાં
કોઈ શીખવતું નથી
તમારી આંખની કીકીઓ
એના પંજા પર
લોખંડી ખીલાની જેમ જડી દઈ
એને આગળ વધતાં ડરાવતાંય
તમને કોઈ શીખવતું નથી.
એની ત્રાડને ભરી શ્વાસમાં
થથરતી હિંમત ભરીને હાડમાં
એને લલકારતા
તમને કોઈ શીખવતું નથી
અંધારામાં તમને તગતગતી
બે પીળી આંખોના અજવાળામાં
ખોળતા રહો છો ચારણકન્યાની
કોઈ બેબાકળી લાકડી
ને થઈ જાઓ છો લીરેલીરા
ત્યાં પેટ ભરાઈ જતાં
લોહી નીગળતા શિકારની જેમ
તમને રસ્તા વચ્ચે છોડીને
ચાલ્યા જાય છે એ પ્રશ્નો
ત્યારે એ અધમૂઆ શરીરને
ઉપાડી ફરી એક વાર
બાકીનું જંગલ કેમ પાર કરવું
તમને કોઈ શીખવતું નથી.
– પ્રતિષ્ઠા પંડ્યા


















































