કલમથી કાગળની ધાર કાઢવા દિલનું ફરમાન જોઈએ છે;
ને લાગણીઓ ને વાચા આપવા શબ્દો જાજરમાન જોઈએ છે!
ફક્ત બે-ચાર સપનાં જોવાથી જિંદગી આખી નહીં કઢાય;
મારે તો પૂરા કરવાં પેટી ભરીને અરમાન જોઈએ છે!
રહેતાં હશે સુખી તેઓ, જમીનનાં ટુકડા પર રાજ કરીને;
મારે તો રાજ કરવાં આખુંય આસમાન જોઈએ છે!
તાળીઓના ગડગડાટ ઉપર ફિદા થતાં હશે ઘણાં;
મારે તો સામે મોઢે કરેલું અપમાન જોઈએ છે!
થાકી ગયો છું એકતરફી પ્રેમમાં લાગણી નિચોવીને;
મારે તો હવે લાગણીનો પ્રવાહ સમાન જોઈએ છે!
શ્વાસ રોકીને બેઠો, ક્યારથી આ નફરતની હવામાં;
મારે તો શ્વાસ લેવા પ્રેમનું હવામાન જોઈએ છે!
સેના જોઈએ જેને નથી વિશ્વાસ પોતાના બાહુબળ પર;
મારે તો બસ હું, મારો દુશ્મન, ને રણમેદાન જોઈએ છે!
ગાંડીવ હાથમાં લઈને, નથી મજા જંગ જીતવામાં;
મારે તો યુદ્ધ કરવાં કર્ણનું કમાન જોઈએ છે!
બધાં સાથે સારાં રહેવાનો જમાનો ગયો ‘અનંત’;
મારે તો ખરાબ સાથે ખરાબ થવાનું ગુમાન જોઈએ છે!
-પલાશ બારોટ
અમદાવાદ


















































