સામાન્ય રીતે કામ, ક્રોધ અને લોભને આપણે નર્કના દ્વાર તરીકે ઓળખીએ છીએ એટલે કે આવા દુર્ગુણો કે કષાયો જીવનમાં અનેક નરક યાતનાઓ કે પીડાઓનુ સર્જન કરે છે. જેથી તેનાથી દૂર રહેવાની ધર્મશાસ્ત્રો સલાહ આપે છે. પરંતુ દુનિયાની કોઈપણ સલાહ, સૂચન કે શિખામણને જીવનમાં કઈ રીતે લેવી? તેનો અમલ ક્યારે અને કેવી રીતે કરવો તેનો સંપૂર્ણ આધાર વ્યક્તિની વિવેક બુદ્ધિ પર રહેલો છે. જેમ કે આપણા ત્યાં સમજણની દ્રષ્ટિએ ઉપયોગી ઘણી કહેવતો છે.
દાખલા તરીકે…
(a) ‘ બોલે તેના બોર વેચાય ’ અને
(b) ’ ન બોલવામાં નવ ગુણ.’ બંને કહેવતનો અમલ એક સાથે શક્ય નથી.
વળી એમ કહેવું કે એક સાચી છે અને બીજી ખોટી છે તે પણ ભૂલભરેલું ગણાશે. કેમકે બંને જ સાચી અને મહત્વની છે પરંતુ પરિસ્થિતિને સમજી, તેને અનુરૂપ યોગ્ય ઉપયોગ જ ઉત્તમ પરિણામ આપી શકે. અયોગ્ય સમયે ખોટો ઉપયોગ એટલે કે ચૂપ રહેવું આવશ્યક હોય ત્યાં પહેલી કહેવતનો ઉપયોગ કરવો અને બોલવું અતિ અનિવાર્ય હોય ત્યારે બીજી કહેવતનો જીવનમાં અમલ કરવો, સર્વથા અયોગ્ય ગણાશે અને સમસ્યાઓનું જ સર્જન કરશે. આમ, કઈ સમજણનો કે સલાહ-સૂચનનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો એ જ સાચું શિક્ષણ છે. એવી જ રીતે ક્રોધ પણ જીવનમાં અતિ આવશ્યક છે. પરંતુ તે વિવેકપૂર્ણ હોવો જોઈએ.

એ વાત સર્વવિદિત છે કે ક્રોધની સૌથી વધુ નકારાત્મક અસર કરનાર પર થાય છે. જેમ કે ક્રોધ કરનારનું આયુષ્ય ઘટે છે, રોગોમાં વૃદ્ધિ થાય છે. મન અને આત્માની શક્તિ હણાય છે. ક્રોધ વ્યક્તિના ઉત્સાહમાં ઘટાડો કરે છે, સંબંધોમાં કડવાશ પેદા કરે છે, બીપી, હાર્ટએટેક જેવી સમસ્યાઓમાં વધારો કરે છે. વૈજ્ઞાનિક સંશોધનો જણાવે છે કે ગુસ્સો એક નિર્બળ, તનાવગ્રસ્ત, પીડિત વ્યક્તિ સામાન્ય માણસની સરખામણીમાં વધુ કરે છે. પરંતુ આ ક્રોધની માત્ર એક તરફની સમજણ છે. દરેક સિક્કાની બે બાજુ હોય છે. તેમ ક્રોધનો પણ વાસ્તવમાં બે બાજુથી અભ્યાસ થવો જોઈએ. નમાલા બેસી રહેવું, અન્યાય સહન કરવો, ખોટું ચલાવી લેવું વગેરે અક્રોધ નથી પરંતુ નિર્બળતા છે. ગુસ્સો કે ક્રોધ પણ નૈતિક હોઈ શકે, તે પ્રદર્શિત કરવાની રીત નિરાળી હોવી જોઈએ કે જેથી સામેની વ્યક્તિને તેની ભૂલ સમજાય અને તેનું હૃદય પરિવર્તન શક્ય બને. આવા ક્રોધને આધ્યાત્મિક ક્રોધ કહેવાય. જે સમાજપરિવર્તન માટે, સત્યની સ્થાપના માટે તેમ જ સમગ્ર સમાજને નૈતિક બનાવવા માટે અતિ આવશ્યક છે. જેથી આવા આધ્યાત્મિક ક્રોધને પુણ્ય પ્રકોપ તરીકે ઓળખી શકાય. આવા આધ્યાત્મિક ક્રોધના મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે વર્ણવી શકાય.
૧) જેમાં પરહિતની ચિંતા હોય.
૨) બીજાને નુકશાન કરવાની ભાવના બિલકુલ ન હોય.
૩) તેમાં પ્રેમ અને લાગણીનું તત્વ હોય.
એમાં કોઈ પ્રકારનો સ્વાર્થ ના હોય.
જેમ કે આપણે રસ્તેથી પસાર થતાં હોઈએ અને કોઈ દુષ્ટ માણસ ગરીબ-નિર્બળ વ્યક્તિને હેરાન કરતો હોય, કોઈ બાળક કે અબળા પર ત્રાસ ગુજારતો હોય કે અબોધ જીવની હિંસા કરતો હોય, તેવા સમયે તેને રોકવા તેના પર કરાયેલ ગુસ્સો આવકાર્ય છે. હા, ગુસ્સો પ્રદર્શિત કરવાની રીત ચોક્કસ વિવેકપૂર્ણ હોવી જોઈએ. જ્યારે તમારા ગુસ્સામાં પરદુ:ખ નિવારણની ભાવના હોય, દયા તેમ જ ન્યાયનું તત્વ હોય, દુષ્ટતા સામે લડવાની પ્રેરણા મુખ્ય હોય તો તે ગુસ્સો કે ક્રોધ, સ્વસ્થ ક્રોધ બને છે, જે આધ્યાત્મિક ગુસ્સો છે અને સર્વથા આવકાર્ય છે. આવા સ્વસ્થ અને આધ્યાત્મિક ક્રોધથી સમાજને અનેક લાભો થાય છે.
જેમ કે…
૧) નિર્બળને ન્યાય મળે છે.
૨) દુષ્ટને પાઠ ભણાવી શકાય છે, સજા અપાવી શકાય છે.
૩) સ્વસ્થ સમાજનું ઘડતર થાય છે.
૪) અનીતિ કે અનૈતિકતાનો વિરોધ કરવાનું મનુષ્યનુ પરમ કર્તવ્ય અદા થાય છે.
આવા સ્વસ્થ અને આધ્યાત્મિક ક્રોધ વગરનો સમાજ તો કાયરોનો સમાજ કહેવાય. આધ્યાત્મિક ક્રોધ વ્યક્તિનો શત્રુ નહીં મિત્ર છે. પરંતુ અહી સમજવાનું એ છે કે.ક્યારે ગુસ્સો કરાય? કેવી રીતે કરાય? અને કયા હેતુ માટે કરાય? ઉમદા હેતુ માટે કરાતો ક્રોધ અયોગ્ય હોઈ જ ન શકે. વળી એ પણ સમજવું જરૂરી છે કે માત્ર ફૂંફાડો મારવાથી કામ થઇ જતુ હોય તો કરડવાની જરૂર નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રભુ શ્રી ક્રુષ્ણએ કહ્યું છે કે મને પ્રિય ભકત તો એ જ છે જે અન્યને કોઈ સ્વાર્થ વગર મદદ કરે. આમ આધ્યાત્મિક ક્રોધ દ્વારા કોઈનું ભલું કરવાની સલાહ તો ખુદ ઈશ્વર પણ આપે છે. વળી જે મનુષ્ય ખુદ પોતાની મદદ કરતો નથી, તેની મદદ ઈશ્વર પણ ક્યારેય કરતો નથી. જેથી આધ્યાત્મિક ગુસ્સા દ્વારા નિર્ભય બની અન્યાયનો સામનો કરવો તે પરમ ધર્મ છે. સમાજની મદદ વ્યક્તિ અનેક પ્રકારે કરી શકે. દાન માત્ર પૈસાથી જ થાય એવું નથી. આનંદનું દાન પણ થાય (અન્યના ચહેરા પર સ્મિત લાવી ) જ્ઞાનદાન પણ થાય (યથાર્થ બાબત સમજાવી) અને શક્તિનું દાન પણ થાય જે આધ્યાત્મિક ક્રોધ દ્વારા શક્ય બને. આમ આધ્યાત્મિક ક્રોધ એ તો ખરા અર્થમાં પુણ્યપ્રકોપ છે.
~ શિલ્પા શાહ ડિરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ


















































