દામોદર કુંડ સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ ખાતે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો કુંડ છે. તે પ્રખ્યાત યાત્રાસ્થળ અને રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-120) છે. દામોદર કુંડનું તળાવ 257 ફૂટ લાંબુ અને 50 ફૂટ પહોળું છે અને માત્ર 5 ફૂટ ઊંડું છે. તે એક સારા ઘાટ દ્વારા ઘેરાયેલું છે. ગીરનાર પર્વતો ઉપર જવા માટેના પગથીયાઓ દામોદર કૂંડની નજીક છે. પૌરાણિક કથા મુજબ બ્રહ્માએ તથા ઈન્દ્રે આ તીર્થમાં ઘણા યજ્ઞો કર્યા. એમાં બધા દેવ-દેવીઓ ઉપસ્થિત રહેલાં.

એ દરેકને પોત પોતાના સ્થાનમાં તીર્થ સ્થાન કરવાની ઈચ્છા થઈ, આથી બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી ગંગાજીને પ્રગટ કરી પધરાવ્યાં, બીજાં તીર્થોને પણ ત્યાં બોલાવ્યાં. આમ આ કુંડમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, ક્ષિપ્રા, ચર્મણ્યવતી, ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપ ગણાતી નદીઓએ ત્યાં વાસ કર્યો. બ્રહ્માના નામ પરથી એ કુંડનું નામ બ્રહ્મકુંડ પડ્યું. બ્રહ્માના વચનથી સૌ દેવતાઓ અહીં દામોદર સ્વરૂપે બિરાજ્યા, તેથી આ તીર્થ દામોદર નામે પ્રસિદ્ધ થયું. અહીં મનુષ્યનાં અસ્થિ પધરાવવાથી તદ્દન ગળી જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ગોમતીમાં પધરાયેલાં અસ્થિ ચક્રરૂપ, ગંગામાં શેવાળ રૂપ અને દામોદરમાં જળ રૂપ બને છે. નરસિંહ મહેતાની એક પંક્તિ જાણીતી છે:
ગિરિ તળેટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી ના’વા જાય. જુનાગઢ શહેરથી ગિરનાર તરફ જવાના રસ્તામાં સોનરખ નદીમાં આ પવિત્ર અને પ્રાચીન દામોદર કુંડ આવેલો છે. સોનરખ નદી ગિરનાર ઉપરથી હાથીપગા પાસેથી નીકળીને ૩૩૦ મીટર નીચે ઉતરી, ભવનાથ મંદિરની ઉત્તર દિશાએથી વહીને દામોદર કુંડ પાસેથી વહે છે. આગળ જતાં આ નદી શક્કરબાગ પાસે ઉબેણ નદીને મળે છે. જોગણીયા ડુંગર પાસેથી નીકળતી પલાશિની નદી દામોદર કુંડ પાસે સોનરખ નદીને મળે છે. પલાશિની નદીના ઉદ્ગમ સ્થાને પલાશ(ખાખરા)ના અનેક વૃક્ષો હોવાથી એ નદીનું નામ પલાશિની પડયું હોવાનું કહેવાય છે. દામોદર કુંડની ઉત્તરમાં કુમુદ પર્વત આવેલો છે, જેનું બીજું નામ અશ્વત્થામા પર્વત છે. સાત ચિરંજીવીમાંના એક અશ્વત્થામા પ્રતિદિન પ્રાત:કાળે બ્રહ્મ મુહૂર્તમાં અને સંધ્યાકાળે દામોદર કુંડમાં આવે છે એવી મુમુક્ષુઓની અનુભૂતિ છે. આ કુંડના કાંઠે આવેલા દામોદરરાયનું પ્રાચીન મંદિર આવેલું છે. સ્કંદ ગુપ્તના સૂબા ચક્રપાલિતે ઇ.સ. ૪૫૭-૪૫૮માં ચક્રભૂત વિષ્ણુનું આ મંદિર બંધાવ્યાનો પર્વતિય શિલાલેખમાં ઉલ્લેખ છે. આ મંદિરની પૂર્વ દિવાલ તથા તેના શિખરનો જીણોદ્ઘર કરાવામાં આવેલો છે. કાલયવન રાક્ષસના નાશ માટે શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા હતા એટલે તે રણછોડ કહેવાયા હતા. તેઓ ભાગીને સદેહે દામોદર કુંડ ઉપર પધાર્યા હતા. લોકવાયકા પ્રમાણે જયારે શ્રી કૃષ્ણનું અવસાન વેરાવળ પાસેના ત્રિવેણી સંગમ પાસે એક પારધીનું તીર તેમના પગમાં વાગવાથી થયું એ બાદ તેમમના અસ્થિનું વિસર્જન તેમના પૌત્ર વજનાભના હસ્તે આ કુંડમાં કરવામાં આવેલું છે. દામોદર કુંડ સાથે અનેક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. લોકાકિત મુજબ ભકતકવિ નરસિંહ મહેતા અહીં રોજ દર્શને આવતાં અને જુનાગઢના માંડલિકે જયારે તેમની ભકિતની કસોટી કરવાનો પડકાર આપ્યો ત્યારે દામોદરરાયે અહીંથી જ હાર આપી હતી એમ કહેવાય છે.

મહેતાજી જુનાગઢથી ચાલીને પ્રતિદિન પ્રાત:કાળે સ્નાન કરવા આવતાં અને દામોદરરાયના મંદિરમાં કિર્તન કરતાં હતાં. એવું કહેવાય છે કે સ્વયં દામોદરરાયે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભાદરવા વદ, પાંચમના શનિવારે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ઘ સરાવી તર્પણ કરેલું હતું. આથી ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી ભાદરવા મહિનામાં પિતૃ તર્પણ માટે અનેક લોકો દામોદર કુંડ આવે છે અને આ પવિત્ર કુંડ પાસે પિતૃ તર્પણની વિધી કરાવે છે. જુનાગઢની બજારમાં નીકળીએ ત્યારે એમ લાગે કે, હાથમાં કરતાલ અને બીજા હાથમાં તપેલી લઇને પિતાનું શ્રાદ્ઘ લેવા નીકળેલા મહેતાજી અહીંથી પસાર થયા હશે ત્યારેનું દ્રશ્ય કેવું અદ્ભૂત હશે! હાલમાં પણ નરસિંહ મહેતાની સુંદર પ્રતિમા આવેલી છે. દામોદર કુંડ પાસે વિક્રમ સંવત ૧૪૭૩ના વર્ષનો એક શિલાલેખ છે તેમાં જણાવ્યા પ્રમાણે દામોદર નામના કોઇ શ્રેષ્ઠીએ કુંડની બાજુમાં મઠ બંધાવી આપ્યાનો ઉલ્લેખ છે. દામોદર કુંડની પાસે મહાપ્રભુજીની 64 મી બેઠક પણ આવેલી છે. આમ, દામોદર કુંડ પ્રાચીન ધરોહરની સાથે ધાર્મિક મહત્વ પણ ધરાવે છે. ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ પ ની એક વાર્તા ભૂત રૂવે ભેંકાર માં આ કુંડનો ઉલ્લેખ આવે છે. તે કથા અનુસાર માંગડા વાળાના અવગતે ગયેલા જીવને તેના અસ્થિમાં ખૂંચેલી બરછીની કરચને કાઢી, હાડકાને દામોદર કુંડમાં પધરાવતા મુક્તિ મળી તેવી કથા છે.


















































