“જ્યારે આત્મજનના જીવન પર તલવાર ખડી,
ત્યારે જ તો જિંદગીની કિંમત ખબર પડી.”
મારી કલમ કલ્પનાથી ચાલે છે પણ હું જે લખુ છું એ ઘણાં લોકોએ અનુભવેલી વાસ્તવિકતા હશે.
જીવનની કિંમત શું હોય વિચાર કર્યો છે ક્યારેય!? જીવનની કિંમત આંકી છે ક્યારેય..!..? એ ત્યાં સુધી ન સમજાય જ્યા સુધી આપણા જીવનમાં કટોકટીની ક્ષણ આવે. જિંદગી અને મોતની વચ્ચે ખૂબ નજીવો સમય હોય. આ વાત તમારા માનસ પટ પર ઉપસાવું તો વધુ સહજતાથી સમજાય.
નવ નવ મહિના સુધી ખુદથી વધુ જેની ઝંખના કરી હોય , બાળકના હિતનો જ વિચાર કર્યો હોય, ખાવા પીવાથી માંડીને સુવા અને ઉઠવાનું પણ બાળકને લક્ષ્યમાં રાખીને જ વિચાર્યું હોય .ઘરના દરેક સ્વજને આવનાર બાળકની અનેક કલ્પના કરી હોય . બાળકના દાદા દાદી, નાના નાની, મામા, માસી, ફૈબા, અને બાળકનાં માતા પિતાએ અનેક સ્વપ્ન સજાવ્યા હોય એ નવ મહિનાની પ્રતિક્ષા હવે હોસ્પિટલના બિછાને પહોંચી ગઈ.
માતાની અનેક કષ્ટ અને યાતના પછી પણ ડોક્ટર ઓપરેશન હાથ ધરે છતાં માતા પોતાની હિંમત સાચવી રાખે, પણ જ્યારે ઓપરેશન પછી બાળક ન રડે, ત્યારે માતાનો શ્વાસ અધ્ધર થઈ જાય અને ડોક્ટરોની મહેનત પછી એ બાળક રડે ત્યારે એ જીવન અને મૃત્યુની અકલ્પનીય કટોકટીની ક્ષણની વચ્ચેથી જીવન હેમખેમ પસાર થાય ત્યારે જીવનની અમૂલ્ય કિંમત સમજાય.
Related