આમ તો આખી પૃથ્વી પર કોઈ જગ્યા બાકી નથી, જ્યાં માણસની બર્બરતાના નિશાન ના હોય, પણ ભારતના પંજાબ રાજ્યના અમૃતસરનો એ જલિયાંવાલા બાગ જ્યાં 13 એપ્રિલ 1919 ના રોજ એક હત્યાકાંડ થયો હતો અને સેંકડો નિર્દોષ લોકોની વગર કારણે હત્યા કરી દેવાઈ હતી. જે ઇતિહાસમાં જલિયાંવાલા હત્યાકાંડ તરીકે ઓળખાય છે.
આજુબાજુ મકાનોથી ઘેરાયેલો એક બાગ જ્યાં આવવા-જવાનો એક સાંકડો રસ્તો અને એ રસ્તા ના દરવાજા પર રોલેટ એક્ટ જેવા દમનકારી કાયદા ના વિરોધમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમજ આ દમનકારી કાયદાને સમજવા, શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનું શીખવા માટે ભેગા થયેલા લોકોને કોઈ આગમચેતી વગર કાવતરું કરીને મારવા માટે આવેલો એક રાક્ષસ, જેનું નામ હતું જનરલ ડાયર.
૧૩ એપ્રિલ એટલે વૈશાખીનો તહેવાર અને આ દિવસે અમૃતસરમાં વર્ષોથી મેળો ભરાતો, આ મેળામાં આવેલા લોકો પણ જલિયાંવાલા બાગની સભાની જાણકારી મળતા ત્યાં પહોંચી ગયા હતા, એટલે ત્યાં હજારોની સંખ્યામાં લોકો હાજર હતા. જનરલ ડાયરના ફાયર કહેતાની સાથે જ, અંગ્રેજ સૈનિકોએ તેમની સામે રહેલા હજારો લોકોના સમૂહને, હજારો રાઉન્ડ ગોળીબાર કરી કેટલાય લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. જ્યારે ગોળીબાર થયો ત્યારે લોકોએ ખૂબ દોડાદોડી કરી, બચાવવા માટે ચીખ પોકાર કરી, ત્યાં એક કૂવો હતો, તેમાં પણ જીવ બચાવવા માટે કેટલાયે લોકો કૂદી ગયા. હજારો લોકો મરી ગયા અને હજારો લોકો ઇજાગ્રસ્ત થયા. દસ મિનિટ માટે ચાલેલો આ ખૂની ખેલ સદીઓ સુધી યાદ રહી જાય તેવો હતો… આજે પણ ત્યાંની દીવાલો પર ગોળીઓના નિશાન બોલે છે, પેલા કુવાનું અંધારું ત્યાં દિવસે થયેલા અંધકારરૂપી કૃત્યની સાક્ષી પૂરે છે..
હિન્દુઓના ઋષિમુનિઓ તેમણે લખેલા શાસ્ત્રોમાં વર્ષો પહેલા ચાર યુગોના વર્ણનમાં જે કળિયુગની આગાહી કરી ગયા છે, આ હત્યાકાંડ જોઈને એમ લાગે કે જાણે કળિયુગ ચરમસીમાએ હોય, સત્તા અને સામ્રાજ્ય વધારવા માટે માનવી માનવીનો દુશ્મન થઈ ગયો. અંગ્રેજોની સામ્રાજ્યવાદી નીતિના કારણે કેટલાય વર્ષો સુધી કેટલાય દેશોમાં માનવજીવન બરબાદ થઈ સમાપ્ત થતા ગયા. જરાક વિચાર તો કરી જુઓ એ ગુલામીના સમયનો કે જ્યારે કોઈ આપણા જ દેશમાં આપણી ઉપર રાજ કરે, જીવનનો કોઈ ભરોસો નહીં, જે કામ એ લોકો આપે તે કરવાનું, જે પગાર આપે તેમાં કરવાનું, કામ મફત કરાવે તો કરવાનું, કોઈ પણ વાતનો વિરોધ નહીં કરવાનો, વિરોધ કરો તો જેલ ભેગું થઈ જવાનું. ટૂંકમાં કોઇપણ પ્રકારનો હક્ક નહિ અને જે થોડા ઘણા હક મળ્યા તે પણ કૂતરાને ફેંકીને રોટલી આપે એ રીતે મળેલા, જેની કોઇ તાકાત નોતી. આવા આકરા સમયમાં પણ કેટલાય સ્વતંત્રસેનાનીઓએ પોતાના જીવના જોખમે લોકોમાં જાગૃતિ ફેલાવી દેશના નાગરિકોને એકજૂટ કરીને આઝાદી મેળવી. તેવી મહામૂલી આઝાદીને આપણે સાંભળવી રહી. તેનું જતન કરવું તે આપણું નૈતિક કર્તવ્ય છે. દરેક સ્વતંત્રસેનાનીને હૃદયથી નમન.
જલિયાંવાલા બાગ અને તેના જેવા બીજા ક્રૂરતાપૂર્ણ કૃત્યોથી પણ શીખવા-સમજવા મળે કે વ્યક્તિની યાંત્રિકતા કેટલી હદે તેની પાસે મૂર્ખામી ભર્યા કાર્યો કરાવી શકે.. કોઈને ફક્ત એટલે જ મારી નાખવાનાં કારણ કે સત્તામાં બેઠેલા લોકો દ્વારા તેમને મારવાનો હુકમ મળે છે. વિચાર કરો જનરલ ડાયર અને તેના સાથી સૈનિકોની યાંત્રિકતા એટલી હદે વધી ગઈ હતી કે તેમણે ઠંડે કલેજે હજારો નિર્દોષ જીવન દસ મિનિટમાં રહેસી નાખ્યાં અને આખી જિંદગી તેમને પોતાના એ કામનો ક્યારેય અફસોસ ના થયો કારણ કે તેમણે પોતાના દેશ પ્રત્યે વફાદાર રહીને દેશભક્તિ નિભાવી હતી. કોઈના આદેશથી યાંત્રિક બનીને દેશભક્તિ નિભાવવી અને પોતે દેશ માટે, દેશના નાગરિકો માટે ચેતન અવસ્થામાં કંઈક યોગ્ય કામ કરીને દેશભક્તિ નિભાવવામાં કેટલો ફર્ક છે, તે આપણે આ નકારાત્મકતાથી ભરેલા હત્યાકાંડમાંથી શીખી શકીએ.
છેલ્લું સીન : હત્યા કરતા પહેલા હત્યારાને ખબર પડે કે તે હત્યા કરી રહ્યો છે તો તે હત્યા ન કરી શકે. અયોગ્ય કર્મો થવા પાછળ યાંત્રિકતા અને સુષુપ્તિ જવાબદાર છે.
– પ્રીત લીલા ડાબર “Vibrant writer”


















































