રાજ્ય સરકારની ૨ લાખ વિદ્યાર્થીને રૂ.૨૫ હજારની લેપટોપ સહાય યોજનાની બોગસ જાહેરાત કરતી પીડીએફ VEલ અને વેબસાઇટ બનાવી ૭૧ લોકો સાથે ૩૫ હજારથી વધુની ઠગાઈ કરનાર બે ભેજાબાજને સાઇબર સેલે ઝડપી લીધા છે. વેબસાઇટની વિઝિટ કરીને ઓનલાઇન ફોર્મ ભરનાર પાસે આરોપીઓ સહાય આપવાના નામે રૂ. ૫૦૦ પડાવતા હતા.
પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ, રાજ્ય સરકારની ધોરણ ૧૨ પાસ કરનાર માટે ‘નમો ઈ ટેબ’ નામની સહાય યોજના અમલમાં છે. આ અંગે નોલેજ કોન્સોટીયમ ઓફ ગુજરાત શિક્ષણ વિભાગના ‘નમો ઈ ટેબ’ યોજના અંતર્ગત ટેબ્લેટ વિતરણની જવાબદારી સંભાળતા ગ્રેડ-એ કન્સલ્ટન્ટ તરીકે ફ્રજ બજાવતા અપેક્ષા શાહે આરોપીઓ વિરુદ્ધ સાયબર સેલમાં ગુરુવારે સાંજે ફરિયાદ કરી હતી.
ફરિયાદ અનુસાર, સાઇબર સેલે નેટવર્ક માર્કેટિંગનો વેપાર કરતા સંજય મનુભાઈ સુમરા (ઉં.વ.૨૮, ભાવનગર) અને ધર્મેશ દિનેશ ગોહિલ (ઉં,૨૫,અમરેલી)ની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ આરોપીઓએ http://gujaratindia.getenjoyment.netનામની ફેક વેબસાઇટ અને લેપટોપ સહાય યોજનાની ખોટી પીડીએફ VEલ બનાવી હતી. જેના થકી લોકોને રૂ. ૨૫ હજારની લેપટોપ સહાય અપાવવાનો ખોટો ભરોસો આપ્યો હતો. બાદમાં લોકોને razorpayના પેમેન્ટ ગેટ-વેની લિંક આપી આરોપી સંજયે પોતાના ખાતામાં બારોબાર વ્યક્તિ દીઠ રૂ.૫૦૦ની રકમ ભરાવી ૭૧ લોકો સાથે રૂ. ૩૫,૫૦૦ની ઠગાઈ આચરી હતી.
સાઇબર સેલના અધિકારીઓએ રાજ્ય સરકારના નામે લેપટોપ સહાય યોજનાની બોગસ વેબસાઈટ બનાવી ઠગાઈ થતી હોવાની જાણ શિક્ષણ વિભાગને કરી હતી. જો સાઇબર સેલએ આરોપી પકડયા ન હોત તો શિક્ષણ વિભાગ સમગ્ર બાબતથી અજાણ જ રહ્યું હોત અને બીજા અન્ય લોકોને પણ ઠગાઈનો ભોગ બની પૈસા ગુમાવવા પડતા.
http://gujaratindia.getenjoyment.net/નામની આરોપીઓએ બનાવેલી લેપટોપ સહાયની ફેક વેબસાઇટની વિઝિટ સાઇબર સેલના અધિકારીએ કરી હતી. આ વેબસાઇટના હોમ મેનુ પર ક્લિક કરતા રાજ્ય સરકારની ઓરિજીનલ વેબસાઇટ રિડાયરેક્ટ થતી હતી, જેથી અધિકારીને શંકા જતા તેમણે ટેક્નિકલ એનાલિસિસ કરાવ્યું હતું, જેમાં જાણવા મળ્યું કે, સંજય સુમરા નામનો શખસ લેપટોપ સહાયના નામે ઠગાઈનું રેકેટ ચલાવી રહ્યોછે.
VR Sunil Gohil


















































