મનુષ્યમાત્રનો સ્વભાવ છે કે જે વસ્તુને તે કિંમતી અને મૂલ્યવાન સમજે તેને એકત્રિત કરવા માટે પ્રયત્નશીલ અને સક્રિય બનતો હોય છે. વ્યક્તિ જન્મે ત્યારથી જ અન્યને પૈસાની પાછળ ભાગતા જોઈ એવું સમજી બેસે છે કે જીવનમાં તમામ સુખ-સાહીબીના સાધનો ધનદોલતથી જ ખરીદાય છે. જેથી તે જીવનપર્યંત ભૌતિકમૂડી પ્રાપ્તિની દોડમાં મગ્ન રહે છે કારણ કે તેનું જ્ઞાન અને સમજણ તેને જણાવે છે કે ભૌતિકમૂડી સંસારિક જીવનમાં પદ-પ્રતિષ્ઠા, સંબંધો, પ્રેમ વગેરેની પ્રાપ્તિની પૂર્વ શરત છે. વળી મનુષ્યની એક બીજી લાક્ષણિકતા એ પણ છે કે તેને મહત્ત્વની કે અગત્યની લાગતી કીમતી વસ્તુને તે માત્ર એકત્રિત જ નથી કરતો પરંતુ તેને ખૂબ સાચવીને રાખે છે, તેની અતિશય કાળજી લે છે કે જેથી તે છીનવાઈ ન જાય. એ તો સર્વવિદિત છે કે ગાભા-ડૂચા, પોતા-મહોતા, ફાટેલા કપડાં, ટૂટીફૂટી વસ્તુઓ પ્રત્યે મનુષ્ય એકદમ નિષ્ક્રિય અને બેદરકાર રહે છે. પરંતુ સોનું, ચાંદી, હીરા જેવી કિંમતી વસ્તુને બરાબર સાચવીને લોકરમાં રાખે છે. સમયે-સમયે તે બરાબર છે કે નહીં તેનું નિરીક્ષણ કરતો રહે છે. કારણ માત્ર એક જ છે કે તે વસ્તુ તેની નજરમાં મૂલ્યવાન છે.
જ્યાં સુધી મનુષ્યને એ નહીં સમજાય કે ભૌતિકમૂડી કરતાં આધ્યાત્મિકમૂડી અનેકગણી વધુ કિંમતી અને મૂલ્યવાન છે, વળી એકવાર તે પ્રાપ્ત કર્યા પછી કદી કોઈ છીનવી શકતું નથી અને માત્ર આલોક જ નહીં પરંતુ પરલોકને પણ તે સુધારે છે, આત્માની અવિરત સફર માટે તે અતિ ઉપયોગી અને આવશ્યક છે ત્યાં સુધી તે અધ્યાત્મિકમૂડીને અવગણતો રહેશે પરંતુ જયારે તેને વાસ્તવિકતા સમજાશે ત્યારે તે અવશ્ય ભૌતિકમૂડી કરતાં વધુ મહત્વ આધ્યાત્મિકમૂડીને આપતો થઈ જશે. ભૌતિક અને આધ્યાત્મિક મૂડીમાં મૂળભૂત તફાવત છે. ભૌતિકમૂડી અસ્થિર, પરિવર્તનશીલ, નાશવંત અને અતિ ચંચળ છે જે એક જગ્યાએ કદી ટકી શકતી નથી કે હરહંમેશ પોતાની થઈ શકતી નથી. વળી તેની અતિશય કાળજી રાખવી પડે છે કેમ કે ચોરી થવાનો ભય કાયમ રહે છે. જે સ્વભાવગત જ કોઈની થઈ શકતી નથી તેને પોતાની સમજી એકત્રિત કરવામાં કે સાચવવામાં સમગ્ર જીવન ખર્ચી નાખવું મૂર્ખામીથી વિશેષ કશું જ નથી કેમ કે સમગ્ર જીવનના ભોગે જે મેળવ્યું તે અંતે જો છોડવાનું જ હોય પ્રાપ્તિનો અર્થ જ શું? ભૌતિકમૂડીનો અંત દૂર છે કે નજીક તે પણ સંપૂર્ણપણે અજ્ઞાત હોય છે એટલે કે તે ક્યારે સાથ છોડી દેશે તે કોઈ જાણી શકાતું નથી. વળી એ સાચા સુખનું કારણ પણ નથી. જ્યારે આધ્યાત્મિકમૂડી અવિનાશી, સ્થિર-સ્થાયી, ચિરંજીવી, ખૂબ સાત્વિક અને વફાદાર છે. તે એક વખત જો તમારી થઈ ગઈ તો કદી તમારો સાથ છોડતી નથી અને તમને મુક્તિનો આનંદ આપે છે. તમારા આલોક અને પરલોકની ક્ષણે-ક્ષણને ખુબ કિંમતી બનાવે છે. આધ્યાત્મિકમૂડી આનંદ અને મુક્તિની એક અવિરત લહેર છે જેની પ્રાપ્તિ ખૂબ કિસ્મતવાળી વ્યક્તિને થાય છે. પ્રારબ્ધવાન, પ્રમાણિક, નૈતિક અને પરમાત્માને પ્રિય ગુણો ધરાવનાર વ્યક્તિ જ અધ્યાત્મિકમૂડીનો સાચો હકદાર છે.
સામાન્ય રીતે આપણે કોઈ નાની યાત્રાનું આયોજન કરીએ તો પણ યાત્રામાં જરૂરી અનેક વસ્તુને સાવચેતી સાથે યાદ કરી કરીને સાથે લઈ લઈએ છીએ જેથી આપણી યાત્રા સુખદ રહે. પરંતુ આત્માની જે મૂળભૂત યાત્રા (પરલોકની) છે તે અંગે કંઈ તૈયારી કરતા નથી કે જરૂરી એવી વસ્તુઓ-મૂડી (આધ્યાત્મિક મૂડી) જેને લીધે યાત્રા સુખરૂપ બની શકે તે જ લેવાનું ભૂલી જઈએ છીએ. સમગ્ર જીવન જે પદ, પ્રતિષ્ઠા, પૈસારૂપી ભૌતિકમૂડી પ્રાપ્ત કરીએ છીએ તે તો ઘણીવાર આ લોકમાં પણ સુખશાંતિનું સાચું કારણ બની શકતી નથી તો પરલોકની તો વાત જ શું કરવી. આપણે સૌ જાણીએ છીએ કે ભૌતિકમૂડી મૃત્યુ બાદ સાથે આવતી નથી અને જે મૃત્યુ બાદ પણ સાથ નીભાવે એવી મૂડી છે તે તો કમાવવાનું, એકત્રિત કરવાનું કે સાચવવાનું આપણે સદંતર ભૂલી જ ગયા છે. આ તો વાસી ખાઈ ઉપવાસી રહેવા જેવી વાત છે. મને અહી એક વાર્તા યાદ આવે છે. એક સાસરે ગયેલી દીકરીને માતા પિતાએ ખબરઅંતર પૂછતા કહ્યું બેટા કેમ છે, સાસરે બધું બરાબર તો છે ને, તને કોઈ દુઃખ તો નથી ને! ત્યારે દીકરીએ જવાબ આપ્યો કે આમ તો બધુ બરાબર છે પણ અમે તો વાસી ખાઈને ઉપવાસ કરી રહ્યા છીએ. આ વાત સાસુ-સસરાની જાણમાં આવતા એમણે વહુને પૂછ્યું બેટા આપણા ઘરમાં તમને શું દુઃખ છે કે મમ્મીના સવાલનો તમે આવો જવાબ આપ્યો, શું અમે તને ખાવા નથી આપતા, ઉપવાસ પર રાખીયે છીએ કે વાસી ખોરાક ખવડાવીએ છીએ? ત્યારે ડહાપણથી ભરેલી દીકરીએ જવાબ આપ્યો કે આપણા ઘરમાં સત્કર્મોની આધ્યાત્મિકમૂડીનો અભાવ છે. આપણા ઘરમાં પૂજા-પાઠ, ભક્તિ કે આધ્યાત્મિક પુણ્યકાર્યો થતા નથી એ દૃષ્ટિએ આજે આપણે જે કંઇ સુખ ભોગવી રહ્યા છીએ તે આપણા પૂર્વજન્મના કર્મનું ફળ છે એટલે મેં કહ્યું કે અમે વાસી ખાઈ રહ્યા છીએ અને હાલમાં એવી કોઈ પુણ્યકર્મોની આધ્યાત્મિકમૂડી ઊભી કરી રહ્યા નથી કે જેના ઉત્તમ ફળ ભવિષ્યમાં ભોગવી શકાય, એ દૃષ્ટિએ આવતા સમયમાં ઉપવાસી રહેવું એ જ કદાચ આપણાં બધાનું કિસ્મત બની જશે. આ વાર્તા જીવનમાં આધ્યાત્મિકમૂડીની આવશ્યકતાનો બોધપાઠ આપે છે.
આધ્યાત્મિક મૂડી એટલે પુણ્યકર્મ અને સદગુણોની મૂડી. આધ્યાત્મિકમૂડીથી આધ્યાત્મિક ઉન્નતિ શક્ય બને છે, જે જીવાત્માની જન્મોજન્મની યાત્રાને સુખદ કરે છે અને અંતે જન્મ-મરણના ફેરામાંથી મુક્ત કરે છે. આવી આધ્યાત્મિકમૂડી પ્રાપ્તિનું અમોઘ શાસ્ત્ર એટલે બ્રહ્મજ્ઞાન અને આત્મબોધ. આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે કે આધ્યાત્મિક ઉન્નતિ માટે દરરોજ કમ-સે-કમ સવાર-સાંજ અડધો કલાક ભગવત ચિંતન, કે સ્વપ્રાપ્તિનો પ્રયત્ન થવો જોઈએ. ધ્યાન માટેની એક સુંદર વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. તમને પ્રિય હોય એવા મંત્રનો જાપ એ આધ્યાત્મિકમૂડી પ્રાપ્તિનું ભૂબ સરળ અને ઉત્તમ સાધન છે. વેદો-ઉપનિષદોનો અભ્યાસ, મહાત્માઓનો સત્સંગ, પવિત્ર તીર્થધામમાં વર્ષમાં એકવાર સંસારને ભૂલી યાત્રા કરવાની આદત, શક્ય એટલા વધુ સદગુણપ્રાપ્તિનો અભ્યાસ કરવાની આદત, બને એટલા પુણ્યકર્મો નિસ્વાર્થકર્મ કરવાની આદત વગેરે દ્વારા અતિ દુર્લભ અને કીમતી એવી આધ્યાત્મિકમૂડીની પ્રાપ્તિ થાય છે. જે તુરંત મોક્ષ કદાચ ન કરાવી શકે તો પણ નવા ઉત્તમ જન્મનું કારણ અવશ્ય બને છે. આત્માથી આત્માનો ઉદ્ધાર કરવો એ જ સાચી આધ્યાત્મિકમૂડી છે જે ખૂબ અમૂલ્ય છે એ ન સમજાવું જીવનની સૌથી મોટી કરુણતા છે.
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ


















































