મનુષ્ય જીવનને ટકાવી રાખવા માટે ત્રણ મુખ્ય તત્વો જરૂરી છે…
‘હવા, પાણી, ખોરાક’.
અહીં હવા અને પાણી કુદરતી સ્ત્રોત છે. જેમાં આપણને વિશેષ ફેરફારને અવકાશ મળ્યો નથી. એટલે એને લગભગ ‘જેમ છે એમ’ સ્વીકારી લીધાં છે.
હવે વાત રહી ખોરાકની…
આમ તો એ પણ કુદરતી રીતે જ મળતો અને મનુષ્ય સિવાયના બધાં જ પ્રાણીઓ એનો ઝાઝા ચેડાં કર્યાં વગર જે તે સ્થિતિમાં જ ઉપયોગ કરે છે. પરંતુ, આપણે તો વિશેષ બુધ્ધિજીવી ને.. એટલે જે કંઈ શક્ય બન્યાં એ બધાં જ અખતરાઓ આ ત્રીજી જરુરિયાત પર શરું કર્યાં. એમાંય પાછા ભારતીય ને છોગામાં ગુજરાતી… એટલે તો પુછવું જ શું?
જી હાં, મારે વાત કરવી છે, એક એવી ચીજની જે ખોરાકનો આવશ્યક ભાગ એટલે કે દાળ,ભાત શાક, રોટલી એમ નથી. પરંતુ ગુજરાતી થાળી જેનાં વગર અધૂરી, એવી ગુજરાતી થાળીની આન, બાન, શાન એટલે..

‘ચટણી’.
વૈજ્ઞાનિક અભિગમ જોઈએ તો ચટણી એ એન્ટીઓક્સીડેન્ટ, પાચનમાં ઉપયોગી, લોહીના પ્રવાહને વેગવંતો કરે, રોગો સામે લડવાની શક્તિ આપે… આવાં અનેક ફાયદા. કેમકે એમાં વપરાતી દરેક વસ્તુઓ શરીર માટે અતિ ઉપયોગી. દા.ત. કોથમીર, મરચાં, મીઠો લીમડો,લસણ,શીંગદાણા, દાળીયાદાળ, લીંબુ… અરે શું શું નથી વપરાતું?
જેમ બાર ગાવે બોલી બદલે એમ દરેક ગુજરાતીનાં ઘરની ચટણી બનાવવાની અલગ રેસિપી..
એમાંય રાજકોટની લીલી ચટણી એટલે…
ઈસ્વીસન ૧૯૬૯થી પ્રખ્યાત, આગવા સ્વાદ અને અતિ સામાન્ય રીત છતાં દેશવિદેશમાં પ્રખ્યાત. ગોરધનભાઈ અને રસિકભાઈની આ પ્રખ્યાત લીલી ચટણી પાણીના મિશ્રણ વગરની હોવાથી દોઢથી બે મહિના ફ્રીજમાં ટકે. સૂકી ચટણી અને બટાટા ચીપ્સ(જાળીવાળી),જેને સૌરાષ્ટ્રમાં વેફર કહે એની મજા અચૂક માણવા જેવી. આ બન્ને દુકાનમાંથી કંઈ પણ ખરીદો.. ચટણી સાથે મળે જ! પાણી કે દહીં નાખી ઢીલી કરી બીજી અનેક વાનગીઓ સાથે પણ ખાઈ શકાય. એનો તીખો,ખાટો અને સ્હેજ તમતમતો સ્વાદ બધીજ સ્વદેન્દ્રીયોને જાગૃત કરી ભોજનને ચાર ચાંદ લગાવી દ્યે છે.
આમ, જાતજાતની વાનગીઓ અને વાટકીઓ વચ્ચે થાળીમાં પોતાનું આગવું સ્થાન ધરાવતી સ્વાદની રાણી એટલે ‘ચટણી’.
✍️ – રીટા ભાયાણી.


















































