આપણે દરરોજ ઘણી બધી વ્યક્તિઓના સંપર્કમાં આવતા હોઈએ છીએ. એમાંથી અમુક વ્યક્તિઓ એવી હોય છે જેમની સાથે તમારે બહુ ઓછો સમય સંપર્કમાં રહેવાનું થાય પણ તેઓ આપણા માનસપટ પર પોતાની એક આગવી છાપ છોડી જતા હોય છે. હમણા બે દિવસ પહેલા બજારમાં જવાનું થયું ત્યારે અચાનકથી હેન્સીનું ધ્યાન ફૂટપાથ પર બેસીને ટેબલ ક્લોથ વહેંચતા છોકરા તરફ ગયું, મને કહે એક્ટિવા ઊભું રાખ, આપણે ટેબલ ક્લોથ લેવાના છે ને.
આઠ થી દસ વર્ષના એ છોકરાની વેપાર કરવાની કળા અને બોલવાની છટા જોઈને અચંબિત થઈ જવાયું અને બીજી જ ક્ષણે ટેબલ ક્લોથ વેચીને મળેલા પૈસા ક્યાંય સુધી ગણતા એ છોકરાનું બાળપણ એનું ભોળપણ જોઈને હૃદય દ્રવી ઉઠ્યું કે ક્યાં એની ભણવા, રમવાની ઉંમર અને ક્યાં આ વેપારનો ભાર. તે દિવસે એ સ્થિતિમાં કશું સૂઝ્યું નહીં, પણ આજે વળી બજારમાં એક કામથી જવાનું હતું તો થયું કે પેલા છોકરા માટે આઈસ્ક્રીમ લઈ જઈએ, લગભગ તો એ ત્યાં જ હશે અને જો નહીં હોય તો દાને દાને પે લીખા હૈ ખાનેવાલે કા નામ અને બન્યું પણ એવું જ.
એ આજે ત્યાં નહોતો. અમે જે કામ પતાવવાનું હતું ત્યાં ગયા પણ ત્યાં હજુ વાર લાગે એમ હતી એટલે થયું કે ત્યાં કુબેરનાથ મંદિર જતા આવીએ. મંદિરમાં સરસ દર્શન કર્યા પછી મંદિર બહાર નીકળ્યા તો એક માનસિક રીતે થોડા અસ્વસ્થ માસી બધાને પૈસા માટે કહી રહ્યા હતા, એમને જોઈને ડીકીમાં પડેલી આઈસ્ક્રીમ યાદ આવી ગઈ, પણ થયું કે આટલીવાર થઈ હવે કદાચ પીગળી ગઈ હશે, પણ પાર્કિંગમાં જઈને ચેક કર્યું તો આઈસ્ક્રીમ હજુ એવી જ પડી હતી.
ઝડપથી એ માસી પાસે ગઈ. આઈસ્ક્રીમ લઈને ખોલતી વખતે એમના ચહેરા પર જે સ્માઈલ આવી એ જોઈને અમારા ચહેરાની સાથે મન પર પણ સ્મિત આવી ગયું અને થયું કે આજે મહાશિવરાત્રિના પર્વ પર અમારાથી શિવજીને દૂધ કે જલનો અભિષેક નથી થઈ શક્યો પણ કદાચ આવી મસ્ત મજાની સ્માઈલથી શ્રેષ્ઠ અભિષેક બીજો ક્યો હોઈ શકે અને કોઈના ચહેરા પર સ્મિત લાવવા માટેના નિમિત્ત બનાવવા માટે મનોમન શિવજીને થેન્ક યુ કહીને અમે ત્યાંથી નીકળ્યા.
તમારી જિંદગીમાં ભલે સત્તર જાતના પ્રોબ્લેમ હોય પણ જ્યારે ઈશ્વર તમને કોઈના ચહેરા પર સ્મિત લાવવા માટે નિમિત્ત બનાવે ત્યારે સમજી લેવું કે એ છે તમારી સાથે, દુનિયાના દરેક જીવ સાથે. એ બધું જ જુએ છે, એ દિવ્ય શક્તિ તમારાથી એક પળ માટે પણ અલગ નથી થતી. ઘણી વખત જિંદગીમાં એવા સંજોગો ઊભા થાય ત્યારે એ દિવ્ય શક્તિ પ્રત્યેનો વિશ્વાસ ડગમગી જાય પણ જ્યારે પણ આવું કંઈક બને ને ત્યારે શ્રદ્ધા વધુ ગાઢ બની જાય કે એ ઉપરવાળો હંમેશા બધાની સાથે છે.
– જાગૃતિ તન્ના “જાનકી”
Related