“1 Espresso
1 Cappuccino
1 Walnut Brownie
બિલ હજી મારા હાથમાં જ હતું… અને આંખો ચારેકોર તેને શોધતી હતી. સૂર્યાસ્ત થયે ન જાણે કેટલો સમય થઈ ગયો હતો. રિવરફ્રન્ટ પરનાં મોટાભાગના લોકો છુટા પડી ગયા હતાં; આવતીકાલે ફરીથી મળવા માટે. પણ તે મને કાલે પાછી મળવાં આવશે, તેની કોઈ જ ખાતરી તે મને આપીને નહોતી ગઈ. અને એટલે જ, તેને સાથે લીધાં વગર રિવરફ્રન્ટથી પાછું જવું મંજૂર નહોતું.
એલિસબ્રિજ નીચે ઊભાં-ઊભાં નજર નહેરુબ્રિજ થી પણ આગળ સુધી જતી હતી. શૂન્યમનસ્ક થઈ તાકતાં-તાકતાં સામેથી એક આકાર દોડતો આવતો દેખાયો. જ્યારે તેનો ચહેરો દેખાયો ત્યારે મારા હાથ અનાયાસે જ હવામાં ફેલાઈ ગયા તેને બાહુપાશમાં લેવા. તે બસ દોડીને મને ભેટવાની જ હતી ને ત્યાં…”
________________
હું ઝબકીને ઉઠી ગયો. 20℃ એ રૂમનું AC ચાલતું હોવા છતાં હું પરસેવે રેબઝેબ હતો. નવરાત્રીનું કદાચ ચોથું નોરતું હતું… હં ‘કદાચ’… કારણકે મારા માટે ગરબા રમવાનું, કે પછી નવરાત્રીમાં ભાગ લેવાનું એક માત્ર કારણ તે જ હતી. ત્રણ તાળી કે ફ્યુઝન ગરબા તો છોડો, મને તો એક તાળી ગરબા રમતાં પણ નહોતું આવડતું. હજી નથી આવડતું. પણ તેને તૈયાર થતાં જોવાની, ગરબા રમતાં જોવાની અલગ જ મજા આવતી. સુંદર તો તે એમ પણ હતી જ, નવરાત્રીના નવ નોરતામાં તેનું રૂપ સોળે કળાએ ખીલી ઉઠતું. પણ જ્યારથી તે ગઈ, મારી પાસે નવરાત્રીની રાહ જોવાનું પણ કોઈ કારણ ના રહ્યું. પછી તો નવરાત્રી ક્યારે આવે ને જાય, કોઈ ભાન નથી રહેતું. નવ નોરતામાં સાવ 9 વાગ્યામાં સુઈ જઉં છું. કારણકે દરેક ગીત, દરેક ગરબામાં મને તેની યાદ આવતી. એક-બે વાર તો મિત્રો જબરજસ્તી ખેંચીને લઈ ગયા. તરત 10 મિનિટમાં પાછો વળી જઉં. કેમ? મને દરેક ચણિયાચોળી પહેરેલી છોકરીમાં તેનો આભાસ થતો. દિલ તો એમ પણ ખોવાઈ ચૂક્યું હતું; હું મારા મગજનું સંતુલન નતો ખોવા માંગતો.
મને ખ્યાલ હતો હવે ઊંઘ નહોતી આવવાની. છેલ્લા એક વર્ષથી બસ આ જ એક સપનું regularly જોતો હતો. દર વખતે અહીં જ સપનું તૂટી જતું, ને પછી ઊંઘ નહોતી આવતી. કંટાળીને ઉપર ધાબા ઉપર પહોંચ્યો ને પાળી ઉપર બેઠો. શિયાળો બેસવાની અણીએ હતો. આછી-આછી ઠંડક હતી વાતાવરણમાં. ધાબેથી સોસાયટીનો કોમન-પ્લોટ દેખાતો હતો. વચ્ચે માતાજી બિરાજેલા હતાં અને આસપાસ ખેલૈયાઓ હિલોળે ચઢ્યા હતાં. દરેક વીતતાં નોરતાની સાથે ગરબાનો ઉત્સાહ અને ઉમંગ દરેક જગ્યાએ વધતો જાય અને નવમે નોરતે તેની ચરમસીમાએ હોય. આજે ચોથા નોરતે એટલે જ, ૨ વાગ્યા હોવા છતાં ખેલૈયાઓના પગમાં જોમ અકબંધ હતું. મેં ફોન ખોલ્યો. આમ તેમ સ્વાઈપ કર્યું, કારણ વગર. ગેલેરી ખોલી, ફોલ્ડરનાં ઢગલા વચ્ચે એક ફોલ્ડર તેને dedicated હતું. અમારી તમામ પળો, નાની-મોટી મસ્તી, ટીખળ બધું જ અંદર ‘saved’ હતું. અને જે ફોનમાં save નતું, એ મારાં મનમાં save હતું.
આ જ વિચારોમાં તરબોળ હતો ત્યાં જ એક નોટિફિકેશન આવ્યું. સ્ક્રીન ઝબકી મારું ધ્યાન ખેંચવા. મેં જોયું. કોઈકની ‘Follow Request’ આવી હતી ઈન્સ્ટાગ્રામ ઉપર. ખોલીને જોયું, તો કોઈક છોકરીનો ફોટો હતો. ચહેરો જાણીતો હતો, પણ જાણે તેનાં ગયા પછી બીજા કોઈ ચહેરા યાદ જ નથી રહેતાં. આને પણ યાદ કરવાં મથતો હતો, ત્યારે જ ક્યાંકથી સીટી વાગી. આજુબાજુ નજર ફેરવ્યા પછી જ્યારે નીચે નજર પડી, ત્યારે જોયું તે ઉભી હતી. અમારી સોસાયટીમાં જ રહેતી હતી, અને કોમન ફંકશનમાં અવારનવાર ભટકાઈ જતાં. ખબર નઈ તેને શું ઘેલછું હતું, મારી આસપાસ રહેવાનાં હંમેશા મોકા શોધતી.
તે નીચે ઉભી હતી. મારી નજર પડી એટલે હાથ હલાવીને ‘Hi’ કર્યું. મેં સામે બસ હાથ ઉભો કરીને નાનકડું સ્મિત ફરકાવ્યું. મને નથી ખબર તેને આટલા અંધારામાં એ સ્મિત દેખાયું હશે કે નહીં, તે તો કદાચ મને જોઈને જ ઘેલી થઈ ગઈ હતી. એણે આંગળીથી મોબાઈલ તરફ ઈશારો કર્યો, મારો ફોન ચેક કરવાં. જોડકા જોડાઈ ગયાં, Follow Request નો ઉદ્દેશ્ય સમજાઈ ગયો હતો. પણ કદાચ મેં તેની સામે બાઘાની જેમ લૂક આપ્યો, એટલે બેવ હાથોથી મોબાઈલ પડતો મુકવાનો કહીને નીચે આવવાનો ઈશારો કર્યો. મેં ચહેરાથી અણગમો દર્શાવીને આદરપૂર્વક ના પાડી. તેનું મોઢું પડી ગયું. પીઠ ફેરવીને પછી ગરબા રમવા જતી રહી.
હું હજુ કંઈક વિચારું તે પહેલાં જ બાજુમાં થી અવાજ આવ્યો, “જો બિચારી કેવી દુઃખી થઈને જાય છે!”
એક વર્ષ પછી. હાં, પૂરા એક વર્ષ પછી તેને ખુલ્લી આંખે નિહાળતો હતો; નહીંતર અત્યાર સુધી તો બસ પેલા સપનામાં જ દેખાતી હતી તે. પહેલાં તો ડાબા હાથે ચૂંટલી ભરીને ખાતરી કરી લીધી કે આ સપનું નહોતું. પછી થોડો સ્વસ્થ થઈને બોલ્યો:
“તને પેલીનું દુઃખ દેખાય છે… પણ મારા દુઃખનું શું? કે તું મને પેલા દિવસે કહ્યાં વગર ચાલી ગઈ?”
“હું ક્યાં ચાલી ગઈ હતી? મેં તને એ મુલાકાતે પણ કહ્યું હતું ને આજે પણ કહું છું કે હું હંમેશા તારી સાથે જ તો છું!”
હું બસ તેને જોઈ રહ્યો. મારા અણગમાનો કદાચ તેને અહેસાસ થાય ગયો હશે એટલે વાત ફેરવતાં બોલી,
“પેલી છોકરીને કેમ જવાબ નથી આપતો? કેમ સરખી રીતે વાત નથી કરતો?”
“શું વાત કરું? મને નથી ખબર તેના મનમાં શું ચાલે છે, પણ મારે તેને કોઈ ખોટો message નથી આપવો. मैं भला, और मेरी तन्हाई भली!”
બન્નેવ ચૂપ રહ્યાં. કેટલીયે વાર સુધી. તેણે મારો હાથ પકડી રાખ્યો હતો. રાત્રી આકાશને નિહાળતા રહ્યાં અને સાથે-સાથે ગરબાના ગીતોને માણતાં રહ્યાં. વચ્ચે-વચ્ચે જ્યારે અમારું મનપસંદ ગીત આવી ચડે ત્યારે એકબીજા સામે જોઇને હસી પડતાં. ધીમેથી તેણે પોતાનું માથું મારા ખભે ઢાળ્યું અને જાણે સ્વર્ગની અનુભૂતિ થઈ હોય તેમ લાગ્યું મને. પણ આ ખુશી, આ અનુભૂતિ બઉ લાંબી ટકી નહીં. ધીમેથી બોલી;
“ખબર છે? આપણે ભેગા થયાં હતાંને, ત્યારે તે એક વચન લીધું હતું; અને મને પણ લેવડાવ્યું હતું. આપણે સ્વયંને Promise કર્યું હતું કે જો ભવિષ્યમાં આપણે છુટા પડીશું તો પણ તેનું દુઃખ, કે ન ટકેલ સંબંધની નિરાશાને બસ એક મહિના સુધી જીવીશું. પરંતુ Break-up ને આપણી ઉપર હાવી નઈ થઈ જવા દઈએ. યાદ છે?”
તેની આ જ આદત હતી. જ્યારે મારા મનનું લાગણીઓનું સરોવર છલોછલ ભરાઈ ગયું હોય, ત્યારે જ આવા સવાલો કરતી, જેથી હું ખોટું ના કહી શકતો. મેં ધીમેથી હા પાડી.
“તો પછી કેમ આપણાં ભૂતકાળને પાછળ નથી મૂકી શકતો? કેમ બીજા કોઈ સાથે આગળ નથી વધી શકતો? કેમ હજી મારા ફોટા તારા ફોનમાં સચવાયેલા છે?”
“કારણ કે મને કોઈ તારા જેવું મળતું જ નથી! જ્યાં જાઉં છું ત્યાં બસ તું જ દેખાય છે, ને જ્યાં તું નથી દેખાતી, ત્યાં કોઈ બીજાને જોવાની ઈચ્છા પણ નથી થતી. મારા દિલનાં દરવાજા તે જતાં-જતાં હંમેશા માટે બંધ કરી દીધા છે! તને ખબર છે, મારા દિવસો કરતાં મને મારી રાતો વધારે ગમવા માંડી છે. ભલે સપનાંમાં તો સપનામાં, atleast દરરોજ રાત્રે તને જોવું તો છું! તારા ગયાં પછી, Move-On કરવાનું તો દૂરની વાત, મને લોકો જોડે હળવા-મળવાનું પણ નથી ગમતું હવે! ના ઇચ્છવા છતાં, પોતાની જાતને એક Shell માં બંધ કરીને બેઠો છું…”
તે સમસમી ગઈ હતી; આઘાતમાં કે ચિંતામાં, એ મને નથી ખબર. થોડી વાર રહીને મેં પૂછ્યું, “છેલ્લી વખતે કોફી પીધી હતી, આજે પણ company આપીશ?” મોઢા પર મુસ્કાન સાથે તેણે માથું હલાવ્યું.
“પણ એક જ શરતે …. હું કોફી બનાવવા જાઉં ત્યારે ગયા વખતની જેમ તું મને કીધાં વગર ક્યાંય નહીં જાય!”
“Promise.” તેણે મારી હથેળી દબાવીને આંખોથી હા પાડી.
કોફી બનાવીને લાવ્યો ત્યારે કંઈક મક્કમ નિર્ધાર કરી લીધો હોય એમ બેઠી હતી. મારે કોઈક ઘટસ્ફોટ માટે તૈયાર રહેવાનું હતું. કોફીના 2-3 ઘૂંટ લીધા પછી તે ધીમેથી બોલી;
“તને કઈ કોફી વધારે ગમે? ચાની કીટલી વાળી, કે પછી શંભુની?”
“શંભુની.”
“શંભુ કે પછી Crush Coffee?”
“Crush Coffee…”
“Crush Coffee કે પછી Starbucks?”
“Starbucks…”
“& finally, Starbucks ની કોફી ગમે કે મેં પોતે બનાવેલી કોફી?”
“Ofcourse તારા હાથની જ ને!”
“એટલે જો તને દરરોજ સવારે 8 વાગે મારા હાથની કોફી પીવા ના મળે, તો તું કોફી પીવાનું છોડી દે? Infact, આટલા વખતમાં છોડી દીધી છે? બીજી કોઈ કોફી પીતો જ નથી?”
“ના એવું તો નથી. જે સમયે જે કોફી મળે એ માણી લેવાની… જીભને તો ફક્ત કોફીની લત છે, ક્યાંની હોય તેનાથી શું ફરક પડે છે!”
“તો પછી દિલને પણ ફક્ત પ્રેમની જ લત હોય છે ને; કોની પાસેથી મળે તેનાથી શું ફરક પડે છે?”
તેણે આ એક જ વાક્ય બોલીને મને નિઃશસ્ત્ર કરી દીધો. તેણે કીધું હતું તે રીતે કદાચ મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. તે આગળ બોલી:
“Remember, no matter how good you’re, you can always be replaced…”
“એટલે તું ઈચ્છે છે કે હું તને બીજા કોઈ સાથે replace કરું?”
“હાં, જેમ મેં કર્યો…”
“તે મને replace કર્યો?”
ખચકાટ સાથે તે હા બોલી, પણ પાછળ છુપાવેલા હાથમાં બે આંગળીઓ માબે Cross કરેલી દેખાઈ. તે આજે પણ જૂઠ બોલતાં પહેલા આમ જ કરતી.
“ભલે તારા દિલના દરવાજા બંધ કરીને હું જ ગઈ હતી; પણ તેને તાળું તે જ માર્યું છે… અને એ તાળાંની ચાવી પણ તારી પાસે જ છે; બસ તને એની ખબર નથી…”
આકાશમાં અજવાળું થઈ ચૂક્યું હતું. સૂરજની પહેલી કિરણો બસ ઉગતી જ હતી ક્ષિતિજ ઉપર. અચનકથી તે ત્યાં ઈશારો કરતાં બોલી, “ભૂતકાળનો ધુમ્મસ હટયાં પછી ભવિષ્યનો સૂરજ કેટલો મસ્ત હોય છે જો!”
તેની આંખોમાં આંખો પરોવીને, કડવાશ સાથે હું બોલ્યો, “આ વખતે તારી આ Modus Operandi માં હું નથી ફસાવાનો. ગયા વખતે પણ તું મને ક્ષિતિજની પેલે પાર જોવાનું કહીને અચાનક ગાયબ થઈ ગઈ હતી. આ વખતે હું તને મારી નજરો સામેથી ક્યાંય નઈ જવા દઉં.”
“જવું તો મારે પડશે… અને મને ખબર છે કે તું મને નહીં જવા દે… પણ જ્યાં સુધી તું મારી સામે જોતો રહીશ; ત્યાં સુધી મારાથી જવાશે પણ નહીં…. વિદાય વેળાએ કોઈ મનદુઃખ ના રહે એટલાં માટે આ કરું છું…”
મારી આંખોમાં આંસુ હતાં… તેણે હળવેથી મારા ચેહરાને પકડીને સૂર્યોદયની દિશામાં ફેરવ્યો. મારાથી વધારે સહન નહોતું થતું… મારી આંખો બંધ થઈ ગઈ….
________________
આવતીરાત્રે ધાબે જ બેઠો હતો. આગલી રાત્રે જે બન્યું એ વિશે વિચારતો હતો. ગરબા માટે બધાં ભેગા થવા માંડ્યા હતાં… પેલી છોકરી પણ આવી… આજે થોડી વધારે તૈયાર થઈ હતી… આવતાંની સાથે જ મારા ઘરની દિશામાં આવી મને બોલાવવા… પણ પછી તેને લાગ્યું કે હું આજે પણ તેને ના પાડી દઈશ… એટલે કશું કહેતાં પહેલાં જ પાછી વળી ગઈ.
Account માં પેલી Follow Request હજી pending હતી. મેં Accept and Follow Back કર્યું. તેનાં મોબાઈલમાં નોટિફિકેશન ચમકયું… આશ્ચર્ય અને ઉમળકાની સાથે તેણે પાછી વળીને મારી સામે જોયું… મેં હાથથી ઈશારો કરીને કહ્યું કે “હું આવું છું…”
પલાશ બારોટ



















































