ભૂલી ગયા મને? અરે હું કોરોના! અરે યાદ આવ્યું મને તો તમે લોકો વિચારો તો પણ ન ભૂલી શકો. મને ખબર છે કે હું તમારા મગજ માંથી નીકળી જ નથી શકતો. દિવસના અંતે તમને મારી યાદ આવી જ જાય છે. ગયા વખતે મેં તમને લોકોને કહ્યું હતુંને કે હું મારી વેકસીન આવવાની ખબર સાંભળીને મારા અંતિમ દિવસો ગણી રહ્યો છું! પણ હવે હું તમને ફરી કહેવા આવ્યો છું મારી આત્મકથા.
મેં બધી આશા છોડી દીધી હતી. એવું લાગ્યું હતું જાણે હવે મારો અંત ખૂબ જ નજીક છે. હું હવે ફેલાઈ પણ નથી રહ્યો, અને મારો કહેર પણ ઓછો થઈ રહ્યો છે. પણ પછી મને એક આશાની કિરણ દેખાઇ. એ કિરણ હતી દિવાળી. તહેવારમાં સૌ મને ભૂલી ગયા હતા. સૌ ઉત્સાહમાં આવી ગયા હતા. તે લોકો એક બીજાને મળી રહ્યા હતા. તહેવારો ઉજવી રહ્યા હતા. કોઈ તેટલી તકેદારી નહોતી રાખી રહ્યા. પછી શું? મને ખબર પડી કે આ જ સમય છે ફરીથી મારો કહેર બતાવવાનો. મેં મારો કહેર બતાવ્યો. હોસ્પિટલ ફરી દર્દીઓથી ભરાવવા લાગી. મારુ સંક્રમણ ફરી ફેલાવવા લાગ્યું. ફરી લોકોમાં મારો ડર આવ્યો. દિવાળી બાદ બધી જગ્યાએ મારા કેસ ખૂબ જ વધવા લાગ્યા. મને લાગ્યું કે હવે આ લોકો કઈ કરી જ નહીં શકે. પણ જેમ તેઓને ખબર પડી કે કોરોનાના કેસ વધવા લાગ્યા છે, તેઓ ફરી બધી તકેદારી રાખવા મંડ્યા. હું વિચારમાં પડી ગયો, કે મારો કહેર ફરી ઓછો તો નહીં થઈ જાય. પણ ના એટલી જલ્દી મારી હાર નિશ્ચિત નહોતી.
રોજ કેસ તો છતાં વધતા જ હતા. અને હા! એ પહેલાં મારે તમને લોકોને હજુ એક વાત કહેવી છે. તમને લોકોને લાગતું હશે કે હું બહુ ખરાબ છું. સૌને ડરાવીને રાખું છું. પણ મારે કહેવું છે કે તમે માણસો મારા કરતાં પણ વધારે ખતરનાક અને ખરાબ છો. “હવે તમે માણસો કઈ પણ કરી શકો છો.” એ અભિમાન મારે તોડવા આવવું હતું. મારે તમને પ્રકૃતિને બચાવતા અને તેનું મૂલ્ય સમજાવું હતું. ઘરમાં એક-મેકની સાથે પણ મજા આવે એ દિવસો યાદ દેવડાવવા હતા. હું તેના માટે આવ્યો છું. અને ત્યારે જ જઈશ જે દિવસે તમે લોકો આ બધું શીખી જશો. તમારો ઘમંડ તોડશો. મને પણ જોઈ છે કે મારો નાશ થાય. મને પણ નથી જોતું કે હું તમને લોકોને આટલું દર્દ આપું. પણ શું કરું? તમે લોકો સમજતા જ નથી. હવે જલ્દીથી જ તમારી હિંમતથી અને નીડરતાથી તમે મારો નાશ કરશો, અને બધો કહેર મિટાવશો અને પછી બધી શીખ મેળવશો એવી આશા સાથે હું મારા અંતિમ દિવસો ગણી રહ્યો છું.
Related