સદ્દગુરુ કહે છે ,” ધ્યાનથી સાંભળો..!” અને આગંતુક કહે છે,”કાનથી સાંભળો..!”
સદ્દગુરુ કહે છે, “મનને વિચારશુન્ય અવસ્થામાં લઈ જાઓ, એવી અવસ્થા જ્યાં સંસારની માયાજાકાનથી સાંભળોળના વિચારો જ ના હોય. રાગ, દ્વેષ, કામ , ક્રોધ, ઇર્ષ્યા આ બધા મનના વિષયો છે. વિચારશુન્ય અવસ્થા જ ઈશ્વરપ્રાપ્તિ માટે શ્રેષ્ઠ ઉપાય છે.
મને થયું, “મન જ આ બધા કકળાટનું કારણ હોય તો મનને જ મારી નાખો.!”
તો સદગુરુ બોલ્યા, “ના આગંતુક, મનને મરાય નહિ, તેનો લય થાય.લય થવું મતલબ ઈશ્વરમાં ભળી જવું, ઇશ્વરમય બની જવું, પછી સહજતાથી બ્રહ્માનંદ મળશે, પરમાનંદ મળશે. પરમઆનંદ એટલે કે સતત મળ્યા કરતો આનંદ. સાંસારિક ભાષામાં કહીએ તો હરક્ષણ દિવાળી.. સાંસારિક કે ભૌતિક બાબતોમાંથી મળતો ક્ષણિક આનંદ મિથ્યા છે, શરૂઆતમાં આનંદ આપતી ભૌતિક અને સાંસારિક બાબતો જ બાદમાં દુઃખનું કારણ બને છે.
મને થયું કે સદ્દગુરુની વાત સાચી છે, “મેં નવીનકોર ગાડી છોડાવી એ દિવસે, તે ક્ષણે હું કેટલો બધો આનંદમાં હતો ? ને હિસાબ માંડવા બેસું છું તો તે ગાડીને લીધે ઉદ્દભવેલા દુઃખ અને ઉદ્વેગના કારણોનું લિસ્ટ ઘણું લાબું છે..!”
પણ ખેર…
આપણે રહ્યા સંસારી જીવ.. એટલે આપણને દુઃખડા પડે તો જ નવા આનંદ માટે સપના જોવા મળે.
અને તે રીતે જોઈએ તો આપણે કેટલા નસીબદાર છીએ ? સ્વપ્ન જેવી દુર્લભ વસ્તુ માત્ર મનુષ્યને ઉપલબ્ધ છે. તે અમિર ગરીબ સૌના ભાગમાં આવે છે. ઈશ્વરને સ્વપ્ન જોવા નથી મળતા.
પણ, સદગુરુ એટલે સદ્દગુરુ…એ બોલ્યા, “સ્વપ્ન એ વિચારોનું પ્રતિબિંબ છે, વિચારો મનમાં આવે છે અને મન એ બીજું કંઈ નહિ આત્મા છે ભાઈ આત્મા, વળી આત્મા એ પરમાત્માનું જ સ્વરૂપ છે…!” આવી અજીબ ત્રિરાશિ માંડીને તેઓ સ્વપ્નને પણ ઈશ્વરનું પ્રતિબિંબ સાબિત કરી દે છે, બોલો..
આમ, સદ્દગુરુના હિસાબે ઈશ્વર… મનુષ્યને સ્વપ્ન સ્વરૂપે મળે, વિચાર સ્વરૂપે મળે, અને શુદ્ધ વિચાર શુદ્ધ કર્મોથી મળે…
( ક્રમશઃ)
અનિરુદ્ધ ઠકકર “આગંતુક”


















































