इक दिन बिक जाएगा, माटी के मोल
जग में रह जाएंगे, प्यारे तेरे बोल
વર્ષો પહેલા આ ગીત રેડિયો પર વાગતું અને આજે એ જ ગીત રેડિયો માટે એકદમ ઉપયુક્ત છે. રેડિયોની શરૂઆત ભારતમાં જૂન 1923 થી થઈ. મુખ્ય ત્રણ શહેર બોમ્બે, મદ્રાસ અને કલકત્તામાં રેડિયો સેવા શરૂ થઈ. એ સમયે રેડિયો એ એક લકઝરી ગણવામાં આવતું હતું, ગામના પાદરે, શેરીને નાકે અને શહેરના ચોકે રેડિયોમાં સમાચાર સાંભળવા માણસોના ટોળે ટોળાં એકઠા થતાં હતા. એમાં રેડિયો એ લોકપ્રિયતા વધુ પકડી આઝાદીની ચળવળને કારણે વાયુવેગે રેડિયો ઘર ઘરમાં પ્રચલિત થઈ ગયો.
વિવિધ ભારતીએ રેડિયોની શકલ સુરત બદલી દીધી, તેમાં આવતા કાર્યક્રમો અને ખાસ કરીને આવતા એ સમયના એવરગ્રીન ગીતો. સૌથી વધુ જેનો અવાજ પ્રખ્યાત થયો અને જેણે આર. જે તરીકેનું એ જૂના જમાનામાં નામ કમાયું એ અમીન સયાની.
“જી, હા બહેનો ઔર ભાઈઓ, તો પેશ કરતે હૈ..”
આ અવાજ એ સમયે કોઈ ફિલ્મ સ્ટાર કરતાં પણ વધારે પ્રચલિત હતો. તેમની બોલવાની છટા, રજૂઆત બધા કરતાં કાઈક જુદી જ હતી. એક પુરુષ નો અવાજ આટલો સોફ્ટ અને કર્ણપ્રિય પણ હોય શકે એ અમીન સયાની એ સાબિત કરી બતાવ્યું. આજે આ નવા યુગમાં પણ આજની ઘણી ફિલ્મોના ગીતોમાં તેમનો અવાજ રેકોર્ડ કરાવવામાં આવે છે, એવું કહેવું અતિશયોક્તિ નહીં લાગે કે અમીન સયાનીએ રેડિયોમાં ક્રાંતિ આણી હતી.
હિન્દી ફિલ્મો તેની પટકથા અને સંવાદ કરતાં વધારે તેમાં રહેલા સંગીતમય ગીતોથી વધુ ઓળખાતી. લતા મંગેશકર, કિશોર કુમાર, મોહમદ રફી, મુકેશ, મન્ના ડે વગેરે વગરે ગાયકોના ચાહકો તેમના ગીતોને રેડિયોમાં સાંભળવા માટે પત્ર મોકલતા. અઠવાડિયામાં એક વાર એ કાર્યક્રમ પ્રસારિત થતો કે જેમાં અમીન સયાની એમની આગવી અદામાં ગીતોની રજૂઆત કરતાં,
“તો અગલી ફરમાઇશ આઈ હૈ બબલું, સોનું, સતીશ, કૌશિક ઔર ઉનકે બહોત સે દોસ્તો કી તરફ સે, જૌનપુર યુ. પી સે. ગાના હૈ ફિલ્મ જંગલી સે “અય્યયયા કરું મે ક્યાં સુકકું સુકકું” કલાકાર હૈ શમ્મી કપૂર ઔર હેલન, ઈસે ગાયા હૈ મોહમદ રફીને બોલ હૈ શૈલેન્દ્ર કે ઔર સંગીત હૈ શંકર જયકીશનકા, તો આઈએ સુનતે હૈ યે મસ્તીભરા ગાના “અય્યયયા કરું મે ક્યાં સુકકું સુકકું”.
આ જાહેર થતાં જ જેનું જેનું નામ રેડિયો પર આવતું એ હદ એ ખુશ થઈ જતા કે જાણે પદ્મશ્રી એવોર્ડ એમને મળ્યો હોય. એ જ સાચું સુખ હતું, નાની નાની વાતોને ઉજવવી ખુશ રહેવું. રેડિયો એ સમયે ખુશ રહેવાનું એક સાધન બની ગયું હતું. ભારત દેશ જ્યારે આઝાદ થયો અને એ જાણ જવાહરલાલ નહેરુએ રેડિયો પર કરી ત્યારે આખો દેશ પોતાના કાન રેડિયોને અડાવીને બેઠેલો અને સમાચાર સાંભળતા જ ભગવાન શ્રી રામ જેમ વનવાસ પૂર્ણ કરી આવેલા અને ઉત્સવ મનાવેલો તેમ એ સમાચાર રેડિયો પર સાંભળીને લોકો એ ઉત્સવ મનાવેલો.
રેડિયો એ સમયમાં પ્રેમીઓ માટે એક ખૂબ જ સારું માધ્યમ હતું, પોતાની પ્રેમિકા સંગીતા માટે ગીત સમર્પિત કરવા માટે રાજેશ વિવિધ ભારતીમાં પત્ર લખે અને કોઈ ને ખબર ના પડી જાય કે સંગીતા અને રાજેશ પ્રેમી છે એટલે સંગીતાના નામ સાથે ઘણા લોકોના નામ જોડી દે અને રાજેશની ફરમાઇશ પણ આપણાં અમીન સાહેબ ખૂબ જ પ્રેમથી રજૂ કરતાં,
“અહા, બહેનો ઔર ભાઈઓ લગતા હૈ પ્યાર કા મૌસમ આ ચુકા હૈ ઔર અગલી ફરમાઇશભી પ્યાર કે લિએ હી હૈ. અહેમદાબાદ ગુજરાત સે રાજેશ, ભાવેશ, સુરેશ, મહેશ ઔર ઉનકે બહોત સે દોસ્તો કી, ફિલ્મ અજનબી કા ગાના “હમ દોનો દો પ્રેમી દુનિયા છોડ ચલે”, ઈસે ગાયા હૈ કિશોર કુમાર ઔર લતા મંગેશકરને, બોલ હૈ આનંદ બક્ષી કે ઔર સંગીત દીયા હૈ આર. ડી. બર્મનને. તો આઈએ પ્યાર સે સુનતે હૈ “હમ દોનો દો પ્રેમી દુનિયા છોડ ચલે.”
રજૂઆત આવતા જ, જો રાજેશ અને સંગીતા સામે સામે જ રહેતા હોય તો ગીત રેડિયોમાં વાગતું હોય અને બન્ને એકબીજાને રાજેશ ખન્ના અને ઝીન્નત અમાનની જેમ સમજવા લાગ્યા હોય.
દેશમાં શું થઈ રહ્યું છે, ક્યાં યુદ્ધની સ્થિતિ છે? પ્રધાનમંત્રી ક્યાં દેશમાં છે? રમત જગતમાં કોણ જીત્યું કોણ હાર્યું? આવા અસંખ્ય સવાલોના જવાબ એક પાસેથી જ મળી આવતા અને એ હતું રેડિયો. હાલ તો નવી પેઢી મુજબ એફ. એમ આવી ગયું છે પણ એ જે રેડિયોની મજા હતી, એમાં ફ્રિક્વન્સી મેળવવા માટે ઉપર એન્ટિના ઘૂમાવવા ચડવું પડે ઘણીવાર તો અમુક પરિવારમાં પાંચ છોકરા હોય તો એમાં એક તો છાપરે જ ચડયો હોય એન્ટિના સેટ કરવા માટે એમ જ લાગે કે એનો જન્મ એન્ટિના સેટ કરવા માટે જ કરવામાં આવ્યો હોય. રેડિયો જો બંધ થઈ જાય તો જોરથી એક ટપલી મારવાની એટલે રેડિયો પાછો શરૂ થઈ જાય. એ સમય કદાચ પાછો તો નહીં આવે પણ એ યાદો હમેશાં મનમાં વસેલી ને વસેલી જ રહેશે.
આપણાં પ્રધાનમંત્રી પણ રેડિયોની અહેમિયત સમજે છે એટલે જ કદાચ એ દર રવિવારે મનની વાત કરીને કાર્યક્રમ રેડિયો પર જ ચલાવે છે કારણ કે હજી ઘણા ગામડાઓમાં એ જૂના રેડિયો એ ગામના ભાભાએ સાચવીને રાખ્યા છે.
રેડિયો ફક્ત શ્રાવ્ય માધ્યમ છે પરંતુ હું તો કહીશ કે રેડિયો એ એક સંપૂર્ણ માધ્યમ છે કે જે પહેલા પણ મનોરંજન આપતું હતું, અત્યારેપણ આપે છે અને ભવિષ્યમાં પણ આપતું રહેશે જ.
રેડિયો માટે અમીન સયાનીના જ અંદાજમાં કહું તો,
“જી હા બહેનો ઔર ભાઈઓ અગલા ગાના હૈ ફિલ્મ શોર સે, “એક પ્યાર કા નગમાં હૈ” જીસે ગાયા હૈ લતા મંગેશકર ઔર મુકેશને, બોલ હૈ સંતોષ આનંદ કે ઔર સંગીત દીયા હૈ લક્ષ્મીકાન્ત પ્યારેલાલને.”
एक प्यार का नगमा है
मौजों की रवानी है
एक प्यार का नगमा है
मौजों की रवानी है
ज़िंदगी और कुछ भी नहीं
तेरी मेरी कहानी है।
एक प्यार का नगमा है
मौजों की रवानी है
ज़िंदगी और कुछ भी नहीं
तेरी मेरी कहानी है
एक प्यार का नगमा है।
સુનિલ ગોહિલ “માસ્તર”


















































