એક હતા રાજા… પ્રથમ રાજા, એ ખૂબ જ પ્રજાવત્સલ, ન્યાયપ્રિય,અને લોકપ્રિય રાજવી હતા. રાજાનું નામ નાભિરાય, અને રાણીનું નામ મરુદેવા..હતું.
એ યુગલિક કાળ હતો. યુગલીક એટલે જે પણ બાળક જન્મે એ યુગલ જ હોય. એક કન્યા અને એક પુત્ર એમ, અને એ જ યુગલ પરણે. રાજાના પુત્રનું નામ ઋષભ હતું. એ પણ પોતાની સાથે જન્મેલી કન્યા સાથે જ પરણ્યા હતાં.
એક વખત રાજા સભા ભરીને બેઠા હતા. ત્યારે એક માણસ આવે છે, અને કહે છે. કે પોતાને ત્યાં જન્મેલા યુગલમાંથી પુત્રના માથે ઝાડ પરથી ફળ પડ્યું.અને એ બાળકનું મૃત્યુ થયું. હવે હું મારી આ કન્યાનું શુ કરું? મહારાજ કંઈક ન્યાય કરો.
રાજા થોડીવાર વિચારીને કહે છે, આ કન્યા ઋષભની પત્ની થાઓ અને રાજસભા મહારાજા ના જયઘોષ થી ગુંજી ઉઠી.
આ રીતે યુગલિયા ધર્મનું નિવારણ થયું.
વખત જતાં કુમાર ઋષભ રાજા બને છે. અને એ પણ ખૂબ જ પ્રજાવત્સલ હોય છે. પ્રજા ખૂબ ભોળી અને રાંક છે.
રાજા રોજ રોજ પ્રજાને અલગ અલગ આજીવિકા મેળવવા માટેના માર્ગ બતાવે છે .નવા નવા કાર્યો શીખવે છે.રાજાને સો પુત્રો અને બે પુત્રી હોય છે.
એમની બન્ને પુત્રીઓ માં પહેલી બ્રાહ્મી ભાષાની શોધ કરેછે. અને પ્રજાને લેખન કળા શીખવે છે. એ ભાષા બ્રાહ્મી લિપિ તરીકે ઓળખાય છે. બીજી સુંદરી એ ગણનાં અને ક્રમ એ ગણિત પ્રજાને શીખવે છે. આમ મહારાજ ઋષભના રાજ્યમાં પ્રજા સુખી છે.
એક દિવસ મહારાજ સભા ભરીને બેઠા છે…અને એ વખતે, ત્યાં એક ખેડૂત આવે છે અને કહે છે કે મહારાજ તમે અમને ખેતી કરતા શીખવ્યું, પણ જ્યારે હળ ચલાવીએ ત્યારે જોતરેલા બળદ બધું ધાન ચરી જાય છે. એ બળદ ને ખૂબ પેટ ભરીને ખવડાવ્યા પછી પણ એ આખો પાક બગાડે છે. ઉભો મોલ ચરવા લાગે છે. હવે કંઇક ઉપાય કરો..!
મહારાજ ઋષભ કહેછે કે બળદના મોઢે લગડું બાંધો એટલે આ નુકસાન થી બચી શકાય. ખેડૂત આશિષ આપી નમન કરીને જાય છે.
આ વાતને વરસો વીત્યા. મહારાજ ઋષભે ઘણા વરસ રાજ્ય કર્યું. ત્યારબાદ દીક્ષા લઈ મૌનપણે વિચરે છે.
પ્રજા ભોળી છે, કોઈ જાણતું નથી કે પ્રભુને શું આપવું. એમણે રાજપાટ છોડયા છે તો એમને કદાચ ધનની જરૂર હશે, એમ જાણી કોઈ ધન આપે છે. કોઈ પોતાની કન્યા આપે છે. કોઈ કપડાં. સૌ કોઈ અનેક પ્રકારની વસ્તુઓ આપવાનો પ્રયાસ કરે છે. પણ, કોઈ આહાર આપતું નથી.
રોજ પ્રભુ ગોચરી માટે નીકળે, અને રોજ આહાર વિના જ પાછા ફરે. આમ જ મૌનપણે અનેક જગ્યાએ ફરી વળ્યાં પણ આહાર ન મળ્યો તે ન જ મળ્યો.
આમને આમ બાર મહિના સુધી પ્રભુને ભિક્ષા મળતી નથી અને પ્રભુ મૌન છે .
હવે તેરમો માસ જાય છે પ્રભુને ગોચરી મળી નથી. એક દિવસ એમના પૌત્ર શ્રેયાંસ કુમાર પ્રભુને પારણા કરાવવા માટે કહે છે અને ઇક્ષુરસનાં એકસો આઠ ઘડા વડે ઇક્ષુરસ વ્હોરાવી પ્રભુને પારણા કરાવે છે. આ રીતે એક વરસે પ્રભુને પારણા થયા એ તપ વર્ષીતપ કહેવાયો.
પૂર્વમાં પોતે રાજા હતા ત્યારે બળદના મોં પર લગડું બાંધવા માટે ખેડૂતને કહ્યું પણ છોડવાનું કહ્યું નહીં, ભોળો ખેડૂત તો રાજાએ કહ્યું એટલું જ કરે. એણે બળદને લગડું ખોલ્યું નહીં અને બાર કલાક સુધી બળદ ભૂખ્યો રહ્યો. જેવું રાજા ભોજન કરવા બેસે છે કે એમને યાદ આવ્યું. એમણે તરત જ બળદનું મોં પર થી લગડું ખોલવાનું ખેડૂતને કહેવડાવ્યું .
આ રીતે બાર કલાક બળદ ને ભૂખ્યા રાખ્યા એ કર્મ પ્રભાવે, બાર મહિના પ્રભુને ભૂખ્યું રહેવું પડયું.
ચાહે રાજા હો યા રંક, આમિર કે ગરીબ, એ ગમે તેવો ધર્માત્મા હોય, કે તીર્થંકર ને પણ કર્મરાજા છોડતા નથી. દરેકને કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે.એટલે જ તો કહેવાય છે, કે કરમ ને શરમ નહિ. સૌ થી મોટો રાજા કર્મરાજા.
Related