આપણી ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી જ યજ્ઞનું પ્રાધાન્ય જોવા મળે છે. વૈદિક યુગમાં ઋષિમુનિઓ નિયમિત રીતે યજ્ઞ કરીને લોકોની સુખાકારી માં મહત્વનું યોગદાન આપતા હતા. શ્રીમદ્ ભગવત ગીતાના ત્રીજા અધ્યાયમાં શ્લોક 9 થી 16 માં યજ્ઞાદિ કર્મ કરવાની શા માટે જરૂર છે તેને વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યું છે.
બ્રહ્માજીએ સૃષ્ટિના આરંભે યજ્ઞ કર્યો. અને પ્રજાઓ નું સર્જન કર્યું. અને તેમને કહ્યું કે તમે યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત તો ભોગ આપશે.(ગીતા અ.૩ શ્લોક 10) બધા જ પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે. અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. અને વરસાદ યજ્ઞથી થાય છે. (શ્લોક 14) આમ, જન્મથી મૃત્યુ સુધી આપણને જે કંઈ પ્રાપ્ત થાય છે તે યજ્ઞ દ્વારા પ્રાપ્ત થાય છે.
યજ્ઞ નું મુખ્ય તત્વ અગ્નિ છે. અગ્નિમા ખરાબ તત્વો બળી જાય છે અને સારા તત્વો શુદ્ધિ પામે છે. જેમ કે સુવર્ણ. સોનું અગ્નિમાં તપાવવાથી શુદ્ધ થાય છે અને યોગ્ય આકાર પામે છે. દ્વાપરયુગમાં રામાયણના સમયમાં સીતામાતાએ આપેલી અગ્નિ પરીક્ષા સુવિદિત જ છે. તેવી જ રીતે પ્રભુ શ્રીરામની સુગ્રીવ સાથે અને વિભીષણ સાથેની મિત્રતાના શપથ પણ અગ્નિની સાક્ષીએ લેવામાં આવ્યા હતા.
ત્રેતાયુગમાં યાજ્ઞસેની દ્રોપદી, કે જે ખુદ યજ્ઞકુંડમાં થી ઉત્પન્ન થયા હતા તે પોતાના પાંચ પતિ-પાંડવો સાથે વારાફરતી એક એક વર્ષ રહેતા અને એક વર્ષના અંતે અગ્નિ પ્રવેશ કરતા. જોકે આપણા શાસ્ત્રોમાના આવા ઉત્કૃષ્ટ અને ઊંડાણ ભર્યા પ્રસંગોને સમજવા માટે ખૂબ જ ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે.
આજના યુગમાં આપણે ધર્મ કરતા વૈજ્ઞાનિક સંશોધન ને વધારે પ્રાધાન્ય આપીએ છીએ. તેથી વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ યજ્ઞની શુદ્ધતા અને અગત્યતા પુરવાર થઇ ચૂકી છે. યજ્ઞની આહૂતિ માં હોમવામાં આવતી શુદ્ધ અને સાત્વિક વસ્તુઓ તથા શુદ્ધ ઘી ના લીધે જે ધુમાડો થાય છે, તે શરીરને પણ શુદ્ધ કરે છે અને સમગ્ર વાતાવરણને પણ. યજ્ઞનો પ્રજ્વલિત પવિત્ર અગ્નિ અને શુદ્ધ મંત્રોચ્ચાર સમગ્ર વાતાવરણમાં એક સાત્વિક ઉર્જા નો સચાર કરે છે.
આ સાથે આપણે એ પણ જાણવું જોઈએ કે, યજ્ઞ કુંડમાં આહુતિઓ આપીને યજ્ઞ કરવામાં આવે એટલું જ પૂરતું નથી. સમગ્ર જીવન પણ એક યજ્ઞ બને તે જરુરી છે. હોમવાની વસ્તુઓએ ત્યાગની સૂચક છે. કારણ કે તે પુનઃપ્રાપ્ત થવાની નથી. આથી ત્યાગ પૂર્વક પોતાના નિયત કર્મો કરતા રહેવું એ જ સાચો યજ્ઞ છે. એટલે કે નિષ્કામ ભાવથી થતું કર્મ એ છે યજ્ઞ. અગ્નિનો ગુણ શુદ્ધતા અને પવિત્રતા જાળવવા નો છે. તેથી એમ કહી શકાય કે જીવનમાં વૈચારિક શુદ્ધતા હોય અને આચરણ પણ શુદ્ધ હોય તો યજ્ઞ સમાન જ છે.
અસ્તુ.
Related