જાતને ઓળખી શકાય નહીં!
એટલું દૂર પણ જવાય નહીં!
ધન તમારું તો પારકી થાપણ,
જાત પર ખર્ચ જે કરાય નહીં!
જીતવાનું જ લક્ષ્ય જેનું હોય,
એની સાથે કદી રમાય નહીં.
છાત્ર માટે ગુરુ તો હોય જ છે,
બાકીનાનો કોઈ ઉપાય નહીં!
સમજી સમજાવી ન શકો જે ખુદ,
એટલું, એવું તો લખાય નહીં!
વાર હથિયારનો તો ટાળી શકો,
ઢાલથી તો કદી બચાય નહીં!
જીદ કરે, એ તો નાનું બાળક છે,
મન જે માંગે બધું અપાય નહીં!
સંદીપ પૂજારા


















































