એક તરફ કેટલાક મિત્રો છે જે મને કૂતરો ગણી શૂશ અને છૂ છૂ કરે છે…….
અને બીજી તરફ હું છું જે તો ય પૂંછડી પટપટાવતો એમના પગે મારી વફાદારી બતાવતો આળોટયા કરું છું……
એક તરફ કેટલાંક સંબંધો છે જે મને દિમકની જેમ અંદરથી ચાટીને ખોખલો કરી દે છે…….
અને બીજી તરફ હું છું જે તો ય દધિચીની જેમ મારા હાડકાના શસ્ત્રો કરી એ કહોવાયેલા સંબંધોનું રક્ષણ કરૂ છું….
એક તરફ આ જિંદગી છે જે મને સાવકો છોકરો ગણી ‘ચલ જા, ચલ જા’ કરી કૈકેયીની જેમ વનવાસ આપે છે…
અને બીજી બાજુ હું છું જે તોય રોજ સવારે સૂરજને લોટો પાણી ચઢાવી બમણાં ઉત્સાહથી એને મનાવવા નીકળું છું….
એક તરફ આ નોકરી અને આ મારો બોસ છે જે bedroomમાં જતા જ મારી ઊંઘને ભોગવી નાખે છે….
અને બીજી તરફ હું છું જે તોય ચોકીદારની જેમ એમની અમાનતો પર દિ’ અને રાત સાબદો પહેરો ભરુ છું……
એક તરફ મારા માં-બાપ હતા જે મારા વધતા કદની જેમ એમનો ખોળો વધ્યો હોત તો આજે પણ ખોળામાં સુવાડતે……
અને આ તરફ હું હતો જે તેમ છતાંય મરતી વખતે એમનાં કૃશ માથાને ખોળો પણ ના આપી શક્યો એને બદલે સૂકી આંખે ખભે ચડાવી આવ્યો…
……અને હવે દ્રવું છું.
ઉમંગ દવે (WA)


















































