હું ૨૩ વર્ષની થઈ આજે, જીવનની એ પથારીએ સૂતી પડી છુ, જ્યાં ન તો કોઈ સમય, ન તો કોઈ ઈચ્છાઓ મને જગાડવા પ્રેરણાઓ આપી શકે.
આ ચારેબાજુની સફેદ-ભૂખરા રંગની ચાર દિવાલોને હવે મારે બગીચો સમજી, અહી વિચારોને ખીલવી, તેમની સુંગંધ પ્રસરાવી, અહી જ કોઈ સમયે તેમને મુરજાવી દેવાનું.
તમે વિચારતા હશો ક ચાર દીવાલો? શું હું જેલમાં છુ? ના, જેલ નહિ પરંતુ આ હોસ્પિટલો જેલથી ઓછી પણ ક્યાં હોઈ છે?
હા, એક વસ્તુ સારું છે આ ચાર દીવાલોમાં મારી સુંગંધને તાજી બનાવી રાખવા બે વ્યક્તિ હમેશા મારું ધ્યાન રાખે છે, એક ડોક્ટર અને બીજી નર્સ. તેમની હું આભારી છુ, મહદંશે મારા મનના બીજને એમને જ પાણી અને ખાતર આપી મારા જીવનના છોડને ટેકો આપી રાખ્યો છે અને મારો પરિવાર, જો એમને હિંમત ન આપી હોત, તો મનનું ફુલડું ક્યાંક કચદાયને સુકાય ગયું હતે
પરંતુ આજે મુશ્કેલીઓ નો વિચાર ન કરતા, મારો આ
પત્ર લખવાનો હેતુ છે કે હું આજે કહેવા માંગું છું કે હું ખુશ છું, જેમ કોઈ ઓરડાના અંધારામાં, સૂરજની એક કિરણ પસાર થઈ અજવાળુ પ્રસારે, તેવા મળેલા વર્તમાનના અજવાળા માટે હું આભારી છું. ( તમે સમજી રહ્યા હશો હું એક પીડિત મારી દુખી વ્યથા લખું છુ, ના પરંતુ મારા મનની એક ઈચ્છા જે આજે પૂર્ણ થઇ તે વ્યક્ત કરવા માંગું છું.)
બાળપણથી જ મને મારા પિતાના વર્તનથી હંમેશા ફરીયાદ રેહતી. મારી શાળાના મિત્રોના પિતા કરતા એમનો સ્વભાવ અને કાર્ય પદ્ધતિ અલગ હતી, અને તેના કારણે મને પોતાની જાત પર સવાલ થતો, કે મારી શું ભૂલ હશે? મારા પિતાની અને મારી ગાઢ મૈત્રી નથી? એમને શું દ્વેષ હશે કેમાં મને એકવાર પણ નથી પૂછતા કે દીકરા કેમ ચાલે છે જીવન, કોઈ મુશ્કેલી નથી ને? ના એમને કોઈ દુઃખ નથી આપ્યુ, કોઈ વસ્તુની ખામી પણ નથી આવવા દીધી, જે વસ્તુની જરૂર પડે બધી માંગણી પૂરી કરેલ છે, બસ તેમની લાગણી દર્શાવ્યા વગર.
સમય જતા જાણ થઇ, સંબંધ જ સાચો ન હતો, લાગણીઓ સાચી લાવવી ક્યાંથી?. હું ૧૬ વર્ષની હતી જયારે એક વાતે વીજળીના ચમકારાની જેમ ઝબકો આપ્યો, કે હું જેમને પિતા માનતી હતી એ પાલન કરનારા તો હતા પરંતુ જન્મ આપનારા ન હતા.
સમય ચાલતો રહ્યો, એક દિવસ લાઈબ્રેરી જતા રસ્તામાં હું ઢળી પડી,પછીનું કઈ યાદ નહિ પરંતુ આંખો ખુલી, ત્યારે સેટ ટોપ બોક્ષને જેમ વાયરો જોડ્યા હોઈ, તેમ મારા શરીરે બોટલોની ટ્યુબો લાગેલ હતી, મારા દરેક વિચારોના ગોળાએ મગજમાં એક ગાંઠનું સ્વરૂપ લઇ લીધું હતું, યેસ બ્રેઈન ટ્યુમર.
હજુ એ શરૂઆતના સ્ટેજ પર હતું ડોક્ટરની સારવાર સાથે મને ડીસ્ચાર્જ મળી ગયો હતો. આજે હું ૬ મહિના પછી મૃત્યુ-જીવન વચ્ચે આ પથારીએ આવી પહોચી છું, આજે મારું ઓપરેશન છે. ૧૨ કલાક સુધી કોઈ ખોરાક ન લેવાનું ડોક્ટર કહી ગયા છે.
પરંતુ આજે આ સમયે પણ હું ખુશ છું. મારા માતા-પિતાના આંખોના આંસુ કોઈ ઝરણાની જેમ ધોધમાર વરસી જ રહ્યા છે, હું ખુશ છું, ભલે બિમારીના માધ્યમથી પરંતુ મને આજે પિતાની મૈત્રીનો અભાવ વર્તાતો નથી. આ ૬ મહિનામાં જીવન પણ’ ખપી પડે એટલો પ્રેમ પિતાએ વર્તાવી દીધો.ઓપરેશન ના ડોકટરે ૫૦-૫૦ ચાન્સીસ કહ્યા છે બસ ૧ કલાકમાં ઓપરેશન છે, એજ ક્ષણે પિતાએ મારો હાથ પકડી કહ્યુ “તું મારી હિંમતવાળી દીકરી છો,જેમ રાત ધરતા સૂરજ આકાશમાં ચમકે ને, તું આ જીવનની ની કસોટી પાસ કરી મારા જીવનમાં રોશની લાવશે, લવ યુ દીકરા”.
એ ક્ષણે એમના આંખોમાં ઉમરતી પ્રેમની લાગણી અને મારામાં તેમનો વિશ્વાસ જોઈ, હું એ સમયની આભારી છું, જીવનની કસોટી પર જજુમી રહી છું પરંતુ એ ક્ષણે મને જીતાવી દીધી છે. ખરા અર્થ માં મારા પિતાની વિશ્વાસુ દીકરી હોવાનો ગર્વ અનુભવી રહી છુ પિતાના પ્રેમ ની હું હકદાર બની છુ. આજે હું ખુશ છું.
“પિતા લીમડા સમાન હોય છે
તેમના પાંદડા કડવા હોય છે,
પરંતુ છાયા ઠંડી જ આપતા હોય છે.”


















































