માર્ચ મહિનાની આઠમી તારીખ એટલે આંતરરાષ્ટ્રીય women’s day કે જેની ઉજવણીનો હેતુ સ્ત્રીઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કે રાજકીય પ્રગતિને બિરદાવવા, પ્રોત્સાહન પૂરું પાડવા તેમજ સમાજમાં સ્ત્રી વિકાસ કે સ્ત્રીસશક્તિકરણની જાગૃતિ ફેલાવવાની સાથે સ્ત્રીઓ સાથેના અન્યાય અને અસમાનતા (gender inequality) દૂર કરી જાતિગત સમાનતા (gender parity) ની સ્થાપના કરવાનો છે એ તો સર્વવિદિત હશે જ. આપણે સમાનતા કે ન્યાયની જયારે વાતો કરીએ કે એવી ચર્ચાઓને પસંદ કરીએ એનો સ્વભાવિક અર્થ એ છે કે સમાજમાં અસમાનતા અને અન્યાયનું સામ્રાજ્ય છે તે આપણે સ્વીકારીએ છીએ. બાકી સંપૂર્ણ સમાનતાના વાતાવરણમાં સમાનતાની ચર્ચા, પ્રયત્નો કે જાગૃતિની આવશ્યકતા રહેતી નથી. એ દ્રષ્ટિએ આજનો કહેવાતો આધુનિક સમાજ એ સ્વીકારે છે કે વર્ષોથી-યુગોથી સ્ત્રીઓ સાથે અન્યાય થતો આવ્યો છે. તેનું તમામ રીતે (શારીરિક, માનસિક, આર્થિક ઈમોશનલ)શોષણ થતું આવ્યું છે. તેમ જ જાતિગત સમાનતા (gender parity) કે જે સ્વાભાવિક અને પ્રાકૃતિક હોવી જોઈએ તેનો પ્રયત્ન કરવો પડે છે જે ખૂબ દુઃખદ બાબત ગણાવી શકાય.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અનુસાર અનેક શતકોથી જાતિગત સમાનતા સિદ્ધ થઇ શકી નથી. ઘરેલુ હિંસા, શોષણ, બળાત્કાર વગેરેનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય વુમન્સ-ડે અંગેનો ઈતિહાસ જોતાં જણાય છે કે સૌપ્રથમ ૧૯૧૧માં પ્રથમ ગેધરીંગ સાથે IWD અસ્તિત્વમાં આવ્યું, જેના મુખ્ય ચાર હેતુ હતા ૧) સ્ત્રીઓની સિદ્ધિની ઉજવણી ૨) જાતિગત સમાનતા ૩) ઝડપી સ્ત્રી સશક્તિકરણ ૪) સ્ત્રી ચેરીટી માટે ભંડોળ ભેગું કરવું. IWD પ્રતિકાત્મક રીતે ત્રણ રંગ (જાંબલી, લીલો અને સફેદ) દર્શાવે છે. જેમાં જાંબલી ન્યાય ગૌરવ કે સન્માનનું પ્રતિક છે, લીલો રંગ આશા દર્શાવે છે અને સફેદ રંગ પવિત્રતા દર્શાવે છે. સંકેતાત્મક રીતે એ દર્શાવવામાં આવે છે કે સ્ત્રીઓ સાથે અન્યાય થાય છે, તેનું યથાર્થ સન્માન સમાજમાં જળવાતું નથી એટલે જાંબલી રંગ દ્વારા પ્રતિકાત્મક રીતે તેનો પ્રયત્ન કરવાની અપીલ કરવામાં આવે છે અને આશા રખાય છે કે સફળતા મળશે.
“વુમન્સ ડે” એટલે સ્ત્રીઓનો દિવસ, મતલબ ૩૬૫ દિવસમાંથી માત્ર એક જ દિવસ સ્ત્રીઓનો છે એટલે કે માત્ર એક દિવસ પૂરતું જ સ્ત્રીઓનું મહત્વ છે. વર્ષના 364 દિવસ તેનું શોષણ કરવા માટે વર્ષમાં એક દિવસ તેનું સન્માન કરવું કદાચ આવશ્યક હશે. સમાનતાની માત્ર વાતો કરતો સમાજ ડગલેને પગલે અસમાનતા આચરે છે અને women’s day દ્વારા એવો મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે કે સ્ત્રી અને પુરુષ સમાન છે. પ્રાકૃતિક નિયમો અનુસાર પણ દરેક જીવને સમાન ગણવા પર્યાવરણ કે સમાજની સમતુલા માટે અતિ આવશ્યક છે. દરેક સમાજમાં બે વ્યક્તિ, બે વર્ગ, બે ધર્મ, બે સંપ્રદાય, બે જનરેશન, બે દેશ વચ્ચે સંઘર્ષ જોવા મળે છે અને તેનું મૂળભૂત કારણ અસમાનતા છે. આમ તો સમાનતાનો અર્થ જ છે બે જુદી જુદી વ્યક્તિમાં રહેલી ભિન્નતાને સમાન દ્રષ્ટિએ જોવી. ગરીબ અને અમીર, મોટા અને નાના, ભણેલા અને અભણ, બુદ્ધિશાળી અને મૂર્ખ, જ્ઞાની અને અજ્ઞાની, સારા અને ખરાબ વગેરે તમામને સમાન દ્રષ્ટિએ આપણે જોઇ નથી શકતા જ્યાંથી અસમાનતા અને સંઘર્ષનું સર્જન થાય છે. વળી લાંબા સમયના પીડિત, શોષિત લોકો સામાન્ય રીતે ભેગા થઇ ક્રાંતિ કરતા હોય છે. સ્ત્રી-પુરુષમાં પણ આ જ બની રહ્યું છે. યુગો સુધી સ્ત્રીઓનું શોષણ થતું રહ્યું, અન્યાય થતો રહ્યો, તેનું સન્માન ઘવાતું રહ્યું જેથી હવે તેવો ભેગી થઇ અન્યાયનો બદલો લેતી હોય તે રીતે ફેમિનિઝમના ઝંડા હેઠળ ઘણું ન કરવાનું કાર્ય કરે છે. આ જ વાત દલિતોના કિસ્સામાં પણ લાગુ પડી રહી છે. મને લાગે છે દરેકે એ સમજવું જરૂરી છે કે પોતાના સન્માન કે ન્યાય માટે અન્ય સાથે અન્યાય અને અસમાનતા યોગ્ય નથી. સમાનતા એક પ્રાકૃતિક સમતુલા છે, એક સહજ રીધમ છે જેને ખેંચાખેંચી કે સંઘર્ષ દ્વારા ન મેળવી શકાય. અન્યના સ્નેહસભર સ્વીકાર સાથે સમાનતા સહજ બનતી હોય છે. આજે “વુમન્સ ડે” નિમિત્તે આપણે સમાનતા, સન્માન અને ન્યાયના પ્રાકૃતિક નિયમને જો સમજીએ તો મને લાગે છે ઉજવણી સાર્થક ગણાય.
મનુષ્ય નામનું પ્રાણી જીવનમાં એટલા બધા “ડે” ઉજવે છે કે ક્યારેક તો લાગે કે તેનું સમગ્ર જીવન જ ઉત્સવ કે ઉજવણી છે. છતાં પણ તે સતત દુઃખીને દુઃખી જ જોવા મળે છે. તેની પાછળનું કારણ કદાચ એ છે કે તે જે કંઈ કરે છે તે સમજણ વગર કરે છે. માત્ર યાંત્રિક ક્રિયા તરીકે મશીનની જેમ મને કમને ક્યારેક ઈચ્છાથી તો ક્યારેક અનિચ્છાએ “ડે” ઉજવે છે. હિન્દુધર્મમાં સમાવિષ્ટ અનેક તહેવારો પાછળ ઊંડી વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સમજણ રહેલી છે. જે આત્માની ઉન્નતિ તેમજ મનની વિધાયકતા વધારવા માટેનું પ્રેરકબળ છે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં જે તહેવારો કે દિવસો ઉજવાય છે તે જીવનમાં સંબંધોમાં કે પર્યાવરણમાં સમાનતા સ્નેહ અને ન્યાયના તત્વનું સિંચન કરવાની વ્યવસ્થા હોય એવું લાગે છે. પૂર્વની સંસ્કૃતિમાં મધર ડે, ફાધર્સ ડે, ફ્રેન્ડશીપ ડે, વુમન્સ ડે, એન્વાયરમેન્ટ ડે, લાફટર ડે જેવા દિવસોની ઉજવણીની વ્યવસ્થા નથી. કેમ કે સંબંધોને સાચવવા કે તેને સફળ બનાવવા માત્ર વર્ષમાં એક દિવસ ધ્યાન આપવાની વાત કદાચ પૂર્વની સંસ્કૃતિને માન્ય નથી. કેમ કે સંબંધોની હૂંફાળા સ્નેહસભર અને ધબકતા રાખવાને આપણે જીવનનું એક અભિન્ન અંગ સમજીયે છીએ. વર્ષમાં માત્ર એક દિવસ સંબંધો જાળવવાની કાળજી રાખવી એ આપણી સંસ્કૃતિ નથી. પરંતુ હવે આપણે પણ આપણા અનેક તહેવારોની સાથે વિદેશી ડે ઉજવતા થઈ ગયા છીએ કેમ કે વિદેશી રંગે આપણે સંપૂર્ણપણે રંગાઈ ગયા છીએ. સંબંધોને વર્ષમાં માત્ર એકવાર યાદ કરીએ છીએ અને તેને સાચવવાનો મને-કમને ડોળ ફક્ત એક વાર કરીએ છીએ.
તારીખ આંઠ માર્ચ એટલે વુમન્સ ડે જે દિવસે સમગ્ર મનુષ્યજાતિ (જનસમુદાય) સ્ત્રીઓ વિશે ઊંચી ઉંચી લાગણીસભર વાતો કરશે, થોડું શાબ્દિક મહત્વ આપશે અને તરત બીજા દિવસથી આગલા દિવસે કરેલુ નાટક ભૂલી ફરી હતા એવા ને એવા લાગણીહીન, અન્યાયી અને હિંસક બની જશે. મારું દ્રઢપણે એવું માનવું છે કે જનસમુદાય પૂર્વીય હોય કે પશ્ચિમી, દેશી હોય કે વિદેશી, પ્રણાલીગત પારંપરિક હોય કે મોર્ડન, સ્ત્રી અને પુરુષો વચ્ચે સમાનતાનો સદંતર અભાવ જોવા મળે છે. કદાચ કોઈ મારી વાત સાથે સહમત ન થાય અને વિચારે કે હવે તો જમાનો બદલાઈ ગયો છે અને સ્ત્રીઓને અતિશય છૂટછાટ અને સ્વતંત્રતા આપવામાં આવી રહી છે. પરંતુ એક બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે દરેકે એ તો વિચારવું જ રહ્યું કે જો સમાજમાં સમાનતાના ભાષણો અપાતા હોય, ચર્ચાઓ થતી હોય એનો અર્થ જ એ છે કે સમાજમાં અસમાનતા ભરી પડી છે. સમાનતાની દરેક ચર્ચા એ દર્શાવે છે કે અસમાનતા છે. દા.ત. અત્યારે સરકાર “બેટી બચાવો અને બેટી પઢાવો” અભિયાન ચલાવે છે શા માટે? કારણ કે બેટા અને બેટીની અસમાનતા પ્રવર્તમાન છે. જો અસમાનતા ન હોય તો સમાનતાની વાતો કે આવા અભિયાનની કોઈ જરૂર નહીં. બજારમાં જો વનસ્પતિ ઘી ડાલડાના નામે વેચાતું હોય ત્યારે જ ઘી વેચવા શુધ્દ્ધ બોલવાની જરૂર પડે. પરંતુ અશુદ્ધ ઘી વેચાતું જ ન હોય કે અશુદ્ધતા વિષે કોઈ કશું જાણતું જ ન હોય તો ઘી વેચવાવાળાને શુદ્ધ શબ્દ લગાડવાની જરૂરિયાત રહે નહી. શિક્ષકની માટે જયારે સાચો શિક્ષક કે સારો શિક્ષક એવું કહેવામાં આવે ત્યારે એક અધ્યાપક તરીકે મને તો અપમાન જેવું લાગે પરંતુ ભ્રષ્ટ શિક્ષકોના સમાજમાં કોઈ એક શિક્ષક સારો કે સાચો જોવા મળે ત્યારે સ્વાભાવિક પણે સાચો શિક્ષક કે સારો શિક્ષક એવું બોલાઈ જાય. બાકી શિક્ષક હંમેશા સારો અને સાચો જ હોવો જોઈએ એ તો યુગોથી સમાજે સ્વીકારેલી વાત છે. એ જ રીતે women’s dayની ઉજવણીનો મતલબ છે કે સમાજમાં સ્ત્રીઓ સાથે કંઈક અયોગ્ય અસભ્ય થઈ રહ્યું છે, જે અંગે જાગૃતિ લાવવા માટે ઉજવણીની જરૂરિયાત સર્જાઈ છે.
વાસ્તવમાં સમાનતા, સન્માન અને ન્યાય એ માનવજીવનના મૂળભૂત સિદ્ધાંત છે. આ સિધ્ધાંત સાથે જયારે સમાધાન થાય છે કે પ્રેકટીકલ થવાની હોડમાં તેને નેવે મુકવામાં આવે છે ત્યારે સમાજમાં અંત વગરનો સંઘર્ષ સર્જાય છે. જે સ્વાભાવિક પણ છે કેમ કે ગાડાના બે પૈડા સમાન ન ચાલે તો શું થાય? મંદિરના બે સ્તંભો સમાન અંતરે સ્થિર ન રહે તો શું થાય? ગ્રહો અને નક્ષત્રોની ચાલમાં સમાનતા ન રહે તો દુનિયાનું શું થાય? ઋતુઓમાં સમાનતા જોવા ન મળે, નિયમિતતા ન રહે તો માનવસમાજ નું શું થાય? ટૂંકમાં સમાનતા એક રીધમ છે, સનાતન સિધ્ધાંત છે, અનિવાર્ય છે. પરંતુ સમાનતા સ્વાભાવિક કે સહજ હોવી જોઈએ. સમાનતા માટે પ્રયત્ન કરવાના ન હોય. પ્રયત્ન કરવાનો મતલબ જ એ છે કે તે સહજ નથી. વર્ષોથી આપણે દરેક પ્રકારની સમાનતાને નષ્ટ કરવાનો પ્રયત્ન કરીએ છે અને પછી દુઃખો સંઘર્ષો સર્જાય એટલે પરિસ્થિતિને સુધારવાનો કે સમાનતા (સમતુલા)પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જે કોઈ રીતે યોગ્ય નથી. વર્ષોથી સભાનતાપૂર્વક આપણે સ્ત્રીઓને નષ્ટ કરી છે, બેટીઓને ખતમ કરી છે અને હવે બેટી બચાવો અભિયાન શરૂ કર્યું છે. યુગોથી સ્ત્રીઓ પાસેથી શિક્ષણનો હક છીનવી લીધો છે અને હવે બેટી પઢાવોની વાતો કરીએ છીએ. ક્યાં સુધી આવી દંભી લાઈફ જીવીશું? આવી ઘણી અન્ય બાબતો જેવી કે પર્યાવરણ, આરોગ્ય વગેરેને આપણે સભાનતાપૂર્વક અસમતોલ બનાવીએ છીએ અને પછી સમતુલા મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. પહેલા સમાનતાને ખતમ કરીએ છીએ અને પછી સમાનતા પ્રાપ્તિના પ્રયત્નો કરીએ છીએ શું આ યોગ્ય કહેવાય ખરું?
સ્ત્રી-પુરુષ સમાનતાના માપદંડોની ફરી સ્થાપના માટે જો “વુમન્સ ડે” ની ઉજવણી કરાતી હોય તો તેમાં કશું અયોગ્ય નથી પરંતુ તે યથાર્થ સમજણ સાથે સાચા દિલથી થવું જોઈએ, એટલું તો હું આજના દિવસે ચોક્કસ કહીશ. સમાનતા, સન્માન, ન્યાય એ તો દૈવીસંપત્તિ છે, પરમાત્માની પ્રકૃતિની મૂળભૂત લાક્ષણિકતા છે, એને as it is રાખવી એ આપણી નૈતિક ફરજ છે. પુરુષ અને પ્રકૃતિ બંનેનું પોતાનું આગવું સ્થાન છે, સ્ત્રી અને પુરુષ બંનેનું આગવું મહત્વ છે. એક વગર બીજાનું અસ્તિત્વ જ શક્ય નથી. એક બાળકના સર્જન માટે તમને શું લાગે છે સ્ત્રી મહત્વની કે પુરુષ? ગાડાનાં બે પૈડાંમાંથી એકને ખતમ કરી બીજું ઝડપે ચાલી શકે ખરું? સંસારરૂપી ગાડાના પૈડા સમાન સ્ત્રી-પુરુષમાંથી એકને ખતમ કરવાથી શું બીજા પર ડબલ બોજ નહીં પડે? દુનિયાના દરેક પુરુષે આ વાત સમજવી મને અનિવાર્ય લાગે છે.
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ


















































