શિયાળાની ઋતુનો અંત અને ઉનાળાની શરૂઆતના દિવસો હતા. સોનલ સવારમાં લાગતી થોડી ઠંડી અને સૂરજદાદાના કુમળા કિરણો સામે એકાગ્રતા અને ધ્યાનથી શ્રીમદ્દ ભાગવત્ ગીતા વાંચી રહી હતી. ત્યાં એને કોઈ અવાજ સંભળાયો અને તે ફટાફટ બાલ્કની પાસે ગઈ, નીચે જોયું તો ઠંડા પીણાવાળા કાકા ! સોનલે કહ્યું “કાકા લીંબુ શરબત છે ને… ઊભાં રહેજો, હું આવું છું.”
ગ્લાસ લઇને નીચે આવી. “કાકા, મને લીંબુ શરબત… તમે તો જાણો જ છો કે મારું ફેવરિટ છે.” લીંબુ શરબત બનતા જોઇને એના મોંમા પાણી આવી જતું હતું કે ક્યારે બને અને હું પી જાઉં..
શરબતનો ગ્લાસ હાથમાં લઈને મોં તરફ આગળ લઈ જતાં જ જાણે અંદરથી એને કોઈ રોકતુ હોય અને કહેતું હોય “ના, તું આ પીતી નહીં બાકી શરદી થઈ જશે અને જો પીવું હોય તો પી મમ્મી.. ‘જા હું તારી કિટ્ટા‘ “, સોનલના ફેવરિટ લીંબુ શરબતનો ગ્લાસ એને ખબર પણ ના પડી એમ હાથમાંથી સરકી રહ્યો હતો.


















































