કવિ:
રાધા સો ગીત તારાં લખવાં કબૂલ છે,
કૃષ્ણનું નામ નહીં આવે, બોલ મંજૂર?
બંસરીની વાત નહીં આવે, બોલ મંજૂર છે?
વાંક નથી તારો, વેર નથી મારા મનમાં,
પણ આજે નિર્ધાર મારો પાકો,
કૃષ્ણ કેરા જાદુથી મુક્ત ના એકે કવિ,
પાડ્યો છે એણે કેવો છાકો,
બીજા છો ડરતાં ને ભરતાં છો ખંડણી,
હું તો કવિ ક્રાંતિ ધ્વજ ધારી,
ડરતો ના કૃષ્ણથી હું કવિઓને કહેતો કે,
દુનિયા છે કનૈયાથી થાકી…!
માઠું લગાડજે મા ભોળુડી રાધિકા,
કૃષ્ણનો ય વાંક નથી ઝાઝો,
અમે અક્કરમી કલ્પનાના કંજૂસિયા,
મળતો વિષય ન બીજો તાજો,
પ્રેમની જ્યાં વાત આવી, ટપક્યું ગોકુળિયું
ને ગાયો જમના કિનારો,
કૃષ્ણ વિના તો જાણે પ્રેમ જેવું ક્યાંય નથી,
પાક્કો છે ગોઠવ્યો ઇજારો,
તારાં હું ગીત લખું એકસો ને એક પૂરાં,
પાડીએ રિવાજ હવે ન્યારો,
કાનુડાના નામ વિના તારું નામ ગાઈએ,
રચીએ દુનિયામાં નવો ધારો..!
રાધાજી:
ઘંટડીઓ રણકી ને રાધાજી ટહુક્યા કે,
મારી પરવાનગી શું માગો?
કૃષ્ણ વિનાના તમે એકસો ને એક શું,
એક લાખ ગીતડાં ગાઓ,
પણ કેમ કરી ગાશો? મને એનું છે અચરજ,
આ આટલામાં સાત વાર આવ્યો?
હોઠથી હટાવો તો આંખમાં છુપાતો ને
પાંપણ ઢાળો તો સામે આવે,
આંખો ખોલો તો હાશ! કૃષ્ણ નથી ક્યાંય,
અરે હૈયે આ નટખટ સંતાયો,
હું યે રિસાણી’તી એક દિ’ને હૈયેથી,
વાળી-ઝૂડીને બહાર કાઢ્યો,
હળવી થઈ દર્પણમાં જોયું તો કૃષ્ણ,
અને મારો ન ક્યાંય અણસારો,
કપરું છે કામ, ભલી તમને આ હોંશ છે કે
કાનાનું નામ નહીં લેવું,
પણ કેમ કરી ગીત તમે રચશો રાધાનું,
એના એક એક અક્ષરમાં કાનો,
કૃષ્ણ એ જ શબ્દ છે ને કૃષ્ણ એ જ લય છે,
ને આપણે તે કંઠ કૃષ્ણ ગાતો,
આપણાથી છૂટે કેમ આપણો જ નાતો,
કવિ! છોડોને છૂટવાની વાતો…!
કવિ : બકુલ ત્રિપાઠી


















































